માછીમારોમાં ઉઠતા સવાલો: હાલ સૌરાષ્ટ્રના 250થી વધુ માછીમારો અને અબજો રૂપિયાની 1100 જેટલી બોટ પાકિસ્તાનના કબ્જામાં
પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા અનેક વખત ભારતીય બોટોના અપહરણ કરવામાં આવે છે. હાલમાં પણ સૌરાષ્ટ્રના રપ0 થી વધુ માચ્છીમારો અને અબજો રૂપીયાની કિંમતની લગભગ 1100 જેટલી બોટ પાકિસ્તાનના કબ્જામાં છે.
આ બોટોની મુકિત કયારે? તેવા સવાલો માચ્છીમારોને સતાવી રહ્યા છે.ગુજરાતના દરિયામાં ભારતીય જળસીમા નળકથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા અનેક વખત ભારતીય ફિશીંગ બોટોના અપહરણ કરી લેવામાં આવે છે. જેમાં વધારે પડતી ગુજરાતની બોટો જ પાકિસ્તાનનો શિકાર બની રહી છે.
સમયાંતરે થતા બોટોના આ અપહરણમાં બોટોમાં સવાર માચ્છીમારોના પણ અપહરણ કરી લેવામાં આવે છે અને ત્યારબાદ પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે અને બોટો ત્યાંના વિવિધ બંદરો પર લાંગરી દેવામાં આવે છે. સમયાંતરે માચ્છીમારોની તો મુકિત થતી રહે છે પરંતુ ફિશીંગ બોટોની મુકિત થતી નથી, જેને કારણે બોટમાલિકોની હાલત કફોડી બની જાય છે.
બોટોના આ અપહરણને કારણે માચ્છીમારોની રોળરોટી તો છીનવાઈ છે પરંતુ સાથોસાથ દેવાના ડુંગર પણ માચ્છીમારો પર ખડકાઈ જાય છે.
એકતરફ દરિયાઈ પ્રદૂષણને કારણે નળકમાં માછલીઓ ન મળતી હોવાથી માચ્છીમારોને દરિયામાં દૂર ભારતીય જળસીમા સુધી જવું પડે છે પરંતુ તેના કારણે બોટ અને માચ્છીમારોના અપહરણનું જોખમ વધી રહ્યું છે.જેને લઈને માચ્છીમારોની સ્થિતિ કફોડી બની રહી છે ત્યારે વહેલી તકે પાકિસ્તાનમાં રહેલી બોટોની મુકિત થાય તેવી સરકાર પાસે માચ્છીમારો માંગ કરી રહ્યા છે.