“ભારતના નાગરિક તરીકેના તમામ હક્કો પોલીસદળના સભ્યોને પણ હોય છે, ફર્ક ફકત તેમની કાર્યવાહી ઉપરની લગામનો છે !
આ રીતે પોરબંદરમાં વિવિધ બે નંબરની પ્રવૃતિઓને કારણે ‘ઇઝીમની’નો અતિશય વધારો થતાં પોરબંદની ગેંગવોર ચરમશીમાએ પહોંચી હતી. ખારવાવાડમાં નવી ગેંગ જૂની ગેંગના ટેકેદાર એવા એડવોકેટ અને પોરબંદર નગરપાલિકાના પ્રમુખ જે પણ ખારવા જ હતા અને સત્તાધારી રાજ્ય સરકારના પક્ષના હતા. તેમનું પાનબીડીના થડા પાસે સરેઆમ જાહેરમાં જ કરપીણ ખૂન કર્યુ. આથી સત્તાધારી પક્ષ તો ઠીક પરંતુ રાજ્ય સરકાર પણ હચમચી ગઇ.
આથી રાજકોટ અમદાવાદ વગેરે જગ્યાએથી પોલીસ ઉપરાંત એસ.આર.પી.ના ધાડેધાડા પોરબંદરમાં ઉતારવામાં આવ્યા. પોરબંદરમાં અમદાવાદ ગાંધીનગરી રાજકીય નેતાઓ અને મંત્રીઓ ઉમટી પડ્યા અને સમગ્ર રાજ્યમાં સન્નાટો છવાઇ ગયો.
થોડો સમય જતા સામાન્ય રીતે જેમ બધુ થાળે પડે તેમ આ મામલો થાળે પડ્યો પરંતુ તે દરમ્યાન ચુંટણીઓના નગારા વાગવા લાગેલ અને તમામ રાજકરણીઓની જેમ પોરબંદરના ધારાસભ્ય વસનજી ઠકરાર પણ પોતાના પોરબંદર વિધાનસભા મત ક્ષેત્રના ભારવાડા ગામે કે જે બગવદર પોલીસ સ્ટેશન તાબાનું બરડા વિસ્તારનું ગામ હતું ત્યાં લોક સંપર્કમાં હતા દરમ્યાન જ કરપીણ અને ઘાતકી હત્યા થઇ આથી સમગ્ર રાજ્ય અને પાટનગર ગાંધીનગરના સત્તાધીશો સ્તબ્ધ થઇ ગયેલ અને સન્નાટો છવાઇ ગયેલ.
પોરબંદરમાં ગાંધીનગર થી તથા રાજ્યમાંથી રાજકીય નેતાઓ પોલીસ અને એસ.આર.પી. સાથે ઉતરી પડ્યા જે શહેર મહાત્મા ગાંધીજીની અહિંસાની ભૂમિ તરીકે વિશ્વ વિખ્યાત હતું તે હવે તે સમયના અમેરિકાના હિંસક અને ગુન્હાખોરીમાં નંબર એક એવા ‘શિકાગો’ શહેરની માફક ભારતનું શિકાગો કહેવાવા લાગ્યું !
સમયાંતરે પોલીસ અધિકારીઓની બદલીઓ થતી રહી અને આઇ.પી.એસ. અધિકારી ગુરુદયાલસિંઘ કે જેમની ગણતરી કડક ઓફિસરમાં થતી તેમજ અમદાવાદના કોમી સંવેદનશીલ વિસ્તારોમાં સફળ થયેલા એવા ડીવાયએસપી શ્રી એમ.એમ. ઝાલા સાહેબ કે જેમને અમદાવાદની જનતા ઝંઝીરવાલા ઝાલા તરીકે ઓળખતી હતી તેમને મુકેલા. તે સમયે અમીતાભ બચ્ચનનું ઝાંબાજ પોલીસ અધિકારી અને એન્ગ્રી યંગમેન તરીકેનું ઝંઝીર પીક્ચર આવેલુ તે પરી નામ પડેલું ! તેમની સાથે રાયસિંહ એસ ગોહિલ જેવા પીઢ અનુભવી પોલીસ ઇન્સ્પેક્ટરની નીમણૂંક થયેલી. પરંતુ જ્યાં સુધી આવા અધિકારીઓ હોય ત્યાં સુધી ગુનાખોરી દબાયેલી રહે પરંતુ આવા અધિકારીઓની બદલી થતા જ ગુનાખોરી અને ગેંગવોર સ્પ્રીંગની માફક છૂટતી.
આવા રાજકીય અને ગુન્હાકિય સંમીશ્રણવાળા વાતાવરણમાં તે વખતના પોરબંદરના કડક પોલીસવડા તો ઘણા સમયથી પોરબંદર હતા પરંતુ ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણા તેમજ જયદેવ તથા અન્ય મિત્ર ફોજદારોની પોરબંદરમાં નિમણૂંક થતા જ ક્રાઇમ બ્રાંચના ફોદજદાર રાણાની સરદારી નીચે ગુનેગારો સામે મોરચો ખોલ્યો. અડગ-મનોબળ, સંગઠન બળ અને યોગ્ય વિશ્વાસુ અધિકારીઓ હોય તો સફળતા મળે જ, તે રીતે વ્યુહાત્મક રીતે આયોજીત ગુનાખોરી અટકાવવા માટે કાર્યવાહી ચાલુ કરી.
આ વિસ્તારના અમુક લોકોમાં ખાસ કરીને બે નંબરી એટલે કે લાયસન્સ વગરના ફાયર આર્મ્સ બંદૂકો, તમંચા, દેશી અને વિદેશી રિવોલ્વરો, પિસ્તોલો રાખવી તે એક સામાજીક માભો ગણાતો અને તેનો ઉપયોગ પણ ગુનાખોરીમાં છૂટથી થતો આથી સૌ પ્રથમ આવા ગેરકાયદેસર હથીયારો પકડવા માટે પોલીસવડાએ કોમ્બીગ તથા નાકાબંધી કરવા એકી સાથે સમગ્ર જીલ્લાની પોલીસને આદેશ આપ્યા. આ રીતે વારંવાર કોમ્બીંગ કરીને પોલીસે જથ્થબંધ હથીયારો પણ પકડી પાડેલા.
આ કોમ્બીંગ ચાલુ હતા દરમ્યાન તે સમયના સત્તાધારી પક્ષના વિરોધી પણ સ્પોર્ટ ક્લબ (જીમખાના)ના સભ્યો એક દિવસ પોરબંદરથી દૂર કોઇ ગ્રામ્ય વિસ્તાર કે હાઇ-વે હોટલ ઉપરી મહેફીલ કરીને કારમાં પોરબંદર પાછા આવતા હતા. જોગાનું જોગ ત્યારે કોમ્બીંગ ચાલુ હતું અને ઉદ્યોગ નગરની પોલીસે આ કારનું ચેકીંગ કરતા તમામ દારુ પીધેલા જણાતા તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી થઇ ગુન્હા દાખલ થયા.
આ કાર્યવાહી ખરેખર રુટીન મુજબની કાયદેસરની જ હતી પરંતુ ખૂબ હોબાળો મચ્યો. આ નાકાબંધી ઇરાદાપૂર્વક કે કોઇને ટાર્ગેટ કરીને કરવામાં આવી ન હતી. પરંતુ ન્યૂઝ પેપરોમાં આ બાબતની ચર્ચાઓ ખૂબ છપાતા આ પકડવાયેલા જૂથ દ્વારા ત્રણેક દિવસ પછી ‘પોલીસ દમન’ (કાયદેસરની કાર્યવાહી દમન !)ના વિરોધમાં અને પોલીસવડાની વિરુધ્ધમાં પોરબંદર બંધનું એલાન અપાયું.
પોરબંદરના પોલીસવડા ખરેખર નીષ્પક્ષ તટસ્થ અને ન્યાયી હતા. પરંતુ તમામ જગ્યાએ તેમ પોરબંદરમાં પણ આ ધરપકડ થયેલા લોકોએ આક્ષેપ કર્યો કે પોલીસ સત્તાધારી પક્ષનો હાથો બની ખોટા કેસ કર્યા છે. (ડોક્ટરો કે જે નિષ્ણાંત કહી શકાય તે પણ ખોટા !) સામાન્ય રીતે આમ જ્યારે કોઇ વગવાળા (કહેવાતા સેલિબ્રીટી) માણસનો અહમ કે વ્યક્તિગત હિત ઘવાય ત્યારે લોકશાહીના નામે સત્ય અને આમ જનતાનું સામૂહિક હિત પણ વણદેખ્યું કરી આંદોલનનો ઝીંકી દેવામાં આવે છે.
પછી જનતાનું જે થવાનું હોય તે થાય ! તેમ પોરબંદરમાં પણ થયું. ‘નાગાની પાંચ શેરી ભારે એ ભારે ’ તે ન્યાયે આ પોલીસે કરેલ નશાબંધી કેસની કાર્યવાહી ન્યાયાધીન હોવા છતા આ ધરપકડ પામેલ લોકોએ પોતાની શકતી દર્શાવવા સમગ્ર શહેરનો વ્યવહાર બંધ કરવા એલાન આપ્યું.
આવા ગાડરીયા પ્રવાહમાં વેપારીઓને ખોટ જતી હોવા છતાં અને વળી તેમને બંધ સાથે કાંઇ લેેવા દેવા ન હોય અને બંધ રાખવની ઇચ્છા પણ ન હોય પણ આની સો કોઇ માથાકૂટમાં ઉતરે તેમ કમને પણ ધંધા રોજગાર બંધ રાખતા હોય છે. હવે તો સમાજમાં અમૂક પ્રમાણમાં વધારે વસ્તી ધરાવતી સાધન સંપન્ન કોમ કે અમૂક ખાસ કાયદાકીય વિશેષ અધિકારો ધરાવતી કે લાભો પામતી જ્ઞાતીઓ પણ આ જ રીતે વાંધો સરકારના નિર્ણય સાથે હોય અને સમગ્ર સમાજ, વાહન વ્યવહાર અને વેપાર રોજગારને બંધ કરાવે છે. અને બંધ ન કરે તો ઘણું નુકશાન થતુ હોય છે. આ નુકશાન આખરે રાષ્ટ્રીય સં૫તિ કે જનતાના ટેક્સમાંથી બનેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થતુ હોય છે.
પોરબંદર તો કાયદેસરની કાર્યવાહી સામે બંધ રહ્યું પણ આ દારુ પીધેલ પકડાયેલ લોકોના જૂથને વધારે જનૂન ચડ્યુ અને સાંજના છ વાગ્યે સુદામા ચોકમાં જાહેર સભા પણ ઝીંકી દીધી. આવી સભાઓ પણ વિવિધ પ્રકારની અને ચિત્ર-વિચિત્ર હોય છે.
આવી એક સભાની વાત કરીએ તો ભૂતકાળમાં ભાવનગર શહેરમાં એક અપક્ષ રાજકારણી દરેક ચુંટણીમાં ઉભા રહેતા અને કારમો પરાજય થતો અને ડીપોઝીટ પણ ડુલ થતી. પરંતુ જ્યારે તેમની જાહેર ચુંટણી સભા ગંગાજળીયા તળાવમાં યોજાતી ત્યારે તેમને સાંભળવા ભાવનગરની જનતા ટોળાબંધ રીતે ઉમટી પડતી અને બેસવાની જગ્યા પણ મળતી નહીં.
ભાવનગરમાં ખાસ તો વડાપ્રધાન કે બીજા કોઇ મોટા રાજકરણીની સભા હોય તેજ દિવસે તે સભાની સમાંતર સભા આ મહાશય યોજતા આમ છતા જનતા સેલીબ્રિટી નેતાને બદલે આ મહાશયની સભા સાંભળવાનું વધારે પસંદ કરતા અને સેલીબ્રિટી નેતાની સભામાં કાગડા ઉડતા !
પરંતુ ચુંટણીમાં મહાશયનું પરિણામ ડુલ ! આ મહાશયને સાંભળવા માટે લોકોએ કાારણે એકઠા થતા કે તેઓ દ્વિર્ઈ ભાષામાં અને કટાક્ષમાં ભાવનગર જીલ્લાના મોટામાથા અને મોટા રાજકરણીઓના કપડા ઉતારી નાખી શ્રોતાઓના રુવાડાં ઉભા કરી દેતા. પણ દ્વિર્ઈ ભાષા પ્રયોગની અગાઉથી જ તૈયારી કરીને આવ્યા હોય ‘મુક્ત અભિવ્યક્તિ’ના નાતે પોલીસ પણ શું કરી શકે ? મહાશયજીની વિશાળસભાનું રહસ્ય આ જ હતું, આમ દ્વિર્ઈ ભાષા પ્રયોગ કરી મફતનું મનોરંજન !
આ રીતે પોરબંદરના સુદામા ચોકમાં પણ વક્તાઓની આવી દ્વિર્ઈ ભાષા પ્રયોગની છાપને કારણે હેકડેઠેઠ માનવ મેદની એકઠી થઇ. વિશાળ માનવમેદની શ્રોતા તરીકે અને થયેલ કેસની બળતરા અને હાથમાં માઇક આવતા જ ‘વાંદરાને નીસરણી મળે’ તે રીતે વક્તાએ દ્વિર્ઈ ભાષા પ્રયોગ થતો ખરો પણ જુગુપ્સા પ્રેરક દ્વિર્ઈ શબ્દોને પ્રયોગ કરવાનો લ્હાવો લીધો.
તે સમયે સૌરાષ્ટ્રમાં તેમ પોરબંદરમાં પણ પોલીસનું મોરલ ઘણું જ ઉંચુ હતું અને તમામ ગુનેગારો ઉપર પોલીસની જબરદસ્ત ધાક હતી તેથો જ્યારે પોલીસને જ દ્વિર્ઈ વાણી-વિલાસી તેમની હાજરીમાં જ ઉતારી પાડવાનો મફ્ત કાર્યક્રમ હોય પછી ગુનેગારો આવા ‘બેસણા’માં આવવાની શું કચાસ રાખે ? સજ્જનોને બદલે તેમની જગ્યાએ આવા ગુનેગારો જ મર્દ પોલીસ અધિકારીઓની પરોક્ષ બે ઇજ્જતી અને ઉતરતી પટ્ટીના દ્વિર્ઈ શબ્દોની મોજ લઇ રહ્યા હતા, જો કે પોલીસ અધિકારીઓ માટે તે વાગ્બાણો હતા.
વક્તાએ શરુઆત કરી પોલીસ બેડાના નાના કર્મચારી કોન્સ્ટેબલથી જે કોન્સ્ટેબલ અગાઉ પોરબંદરમાં અનેક કડક ઝાંબાજ અને ધુરંધર પોલીસ ઓફિસરો સાથે જીવ સટોસટની કાર્યવાહી કરેલી તેનાથી આ કોન્સ્ટેબલ વિરુધ્ધ દ્વિર્ઈ ભાષામાં ખૂબ વરાળ કાઢી પછી હદ વટાવી જુગુપ્સા પ્રેરકશબ્દો બોલ્યા કે આ કોન્સ્ટેબલ તેની કોમને બદલે અન્ય કોમની થીઓમાં બાળકો પેદા કરે છે અને તે રીતે તેની કોમનો વસ્તી વધારો કરે છે તેવી શરમજનક અને સજ્જન નાગરીકો બોલ કે સાંભળે પણ નહી તેવું ઉચ્ચારણ કર્યુ.
પરંતે એ પણ ખરુ હતું કે અહિં આ સભામાં વક્તા કે તમામ શ્રોતાઓ ક્યાં સજ્જન હતા ? લગભગ મોટભાગના ગુનેગારો હતા. પરંતુ લોકશાહીની મુક્ત અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સરેઆમ દુરપયોગ જ થતો હતો. તે પછી વક્તાએ વારો કાઢ્યો જમાદાર, ફોજદાર, ઇન્સ્પેક્ટર અને તે સિવાય ગામના જે સજ્જનો પોલીસ સાથે સંકળાયેલા હતા તેમનો અને છેલ્લે વારો લીધો પોરબંદર પોલીસવડાનો કે જેઓ પણ આ સભામાં દ્વિર્ઈ ભાષા પ્રયોગને કારણે બંદોબસ્તની પોલીસ સંયમ ન ગુમાવે તે માટે બંદોબસ્તમાં જાતે હાજર હતા.
વક્તાએ છેલ્લે છેલ્લે ડીવાયએસપી અને બીચારા સીપીઆઇઓને પણ મુક્યા નહીં. છેલ્લે છેલ્લે ખૂબ શૂરાતન ચડતા વક્તાએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીના માતા-પિતાને પણ વાણી-વિલાસમાં હડફેટે લીધા. ત્યાં હાજર પોલીસ દળ તથા બે-ત્રણ ફોજદારોની પીત્તો ત્યાં જ છટકી ગયો હતો.
પોલીસવડા પણ મારમાર સિધ્ધરાજ જ હતા. પણ તેઓ પીઢ અને સમજુ પણ હતા તેઓ કાયદો હામાં લેવા માંગતા ન હતા. તેમને પણ ખૂબ જ અપમાન અને દુ:ખ લાગ્યુ છતા તેમણે ફોજદારો અને પોલીસદળને વારીને શાંત કર્યા અને સંયમ રાખી સમયની રાહ જોવા કહ્યું.
બંદોબસ્તમાં હાજર પોલીસ વાળાઓ બીચારાને ક્યાં બબર હતી કે તેઓને ભારતના નાગરિક તરીકે આ મૂર્ખ રાજકારણીઓ અને કાર્યકર્તાઓ ગણાતા જ નથી . જેમ કે થોડા સમય પહેલા કાશ્મીર સરહદે લશ્કરી જવાનો શહીદ થયા ને અંગે બિહાર રાજ્યના એક ભીમસીંગ નામના મીનીસ્ટરે નીવેદન કરેલું કે ‘જવાનો અને પોલીસો શહિદ થવા માટે જ હોય છે’ તે ન્યાયે !
આખરે વક્તાઓના મગજમાં ભરેલી ગંદકી તેમના મુખ અને જીભ દ્વારા બહાર આવી ખાલી થઇ અને સભાપણ પૂરી થઇ-તમામ વીખેરાઇ ગયા. પોલીસ દળ સમસમી ગયુ હતુ અને આક્રોશભર્યો સન્નાટો હતો. પોલીસવડાએ તમામ અધિકારીઓને તેમની ચેમ્બરમાં બોલાવી મિટિંગ ચાલુ કરી.
આ અધિકારીઓમાં કાયદાના નિષ્ણાંત એવા ધુરંધર અધિકારીઓ પણ હતા. પોલીસ વડા એ કહ્યું કે જે વક્તાઓ કાયદાની મર્યાદા બહારનું બોલ્યા હોય તેમના વિરુધ્ધ ગુન્હો દાખલ કરવો છે. તમામ હાજર અધિકારીઓ ચિંતન કરતા હતા કે મભમ અને દ્વિર્ઈ શબ્દ પ્રયોગમાં કોઇ ફોજદારી ગુન્હો બને નહીં.
એક અધિકારીએ સલાહ આપી કે તેમનો કાર્યક્રમ સફળ રહ્યો અને બરાબ હૈયાવરાળ કાઢી લીધો તેથી તે સફળતાના માનમાં હવે અત્યારે તેઓ જશ્ન મનાવતા હશે અને દારુ પીવાની મહેફીલ પણ ચાલુ થઇ ગઇ હશે. એમ કરીએ અલગ-અલગ ટીમો બનાવી બે ચાર જગ્યાએ જ્યાં મહેફીલ થવાની સંભાવના છે ત્યાં એકાદ કલાક પછી રેઇડ કરીએ એટલે વળી પાછા આ તમામ પીધેલા મળી જ આવશે !
પરંતુ પોલીસવડાએ કહ્યુ’ તે બરાબર છે પણ એ કાર્યવાહી આજેને આજે કરીએ તો તે કિન્નાખોરી પૂર્વકનું કર્યુ – ગણાય, તે ભવિષ્ય માટે બાકી રાખો મારે તો આજે જ કાયદાનો સબક શીખવાડવો છે. અત્યારે જ એફ.આઇ.આર. દાખલ થાય પછી આજે જ તમામની ધરપકડ થાય તેવું આયોજન કરો.
જયદેવને પણ મનમાં વસવસો હતો કે આ લોકશાહીમાં આ સાલી નોકરી પણ ખરી છે. કાયદેસરની કાર્યવાહી કરે તો પણ કાર્યવાહી કરનાર ફરજ બજાવનારના માતા-પિતા વિરુધ્ધ પણ મુક્ત અભિવ્યક્તિના નામે સાંભળવાનું ? જયદેવ પણ સભામાંનાં વાણીવિલાસ સાંભળીને વ્યથિત થયો હતો. તે સભામાં બંદોબસ્ત દરમ્યાન જ સાંભળતો સાંભળતો મનમાં ગાંઠો મારતો હતો કે ભવિષ્યે જો લાગ મળે તો કોઇ ના માતા-પિતાનું નામ લેવાનું ભૂલી જાય તેવો પાઠ ભણાવવો.
તે સમયે આવી અવળ વાણીવાળા વક્તાની સ્પીચને ઇન્ટેલીજન્સ બ્રાંચ ‘વરબેટીવસ્પીચ’ તરીકે સભામાં સંપૂર્ણ પણે નોંધવા માટે શોર્ટ હેન્ડ રાયટર (સ્ટેનોગ્રાફર) રાખતા. હવે તો વિડિયોગ્રાફી દ્વારા જીવંત ઓડિયો-વિડિયો રેકોર્ડીગ જ થાય છે. જયદેવને એક વિચાર આવ્યો કે જો આ સ્પીચ સ્ટેનોગ્રાફરે નોંધી હોય તો વાત બની જાય. જયદેવે ઉભા થઇ પોલીસવડાને કહ્યું કે મુખ્ય વક્તાએ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ વિશે જે ઉચ્ચારણો કરેલા તે શબ્દો ધાર્મિક રીતે કોન્સ્ટેબલની લાગણી દુભાય તેવા જણાય છે. આથી પોલીસવડાએ સ્ટેનોગ્રાફરી જાણ્યુ કે નોંધમાં બરાબર તેવા જ શબ્દો છે.
પોલીસવડાએ જયદેવને જ એફ.આઇ.આર તૈયાર કરવા જણાવ્યું. જયદેવે કહ્યું કે આમાં કાવત્રાની કલમ પણ લાગે આથી સભાના તમામ આયોજકો સમાન રીતે જવાબદાર ગણી શકાય ! આથી પોલીસ વડા ખુશ થઇ ગયા અને જુદી-જુદી ટીમો તૈયાર કરી આ થયેલ સભાના તમામ આયોજકો (આરોપીઓ)ને ઉપાડી લેવા રવાના કર્યા.
જયદેવે સ્ટેનોગ્રાફરની પ્રવચનકારના ભાષણની લેખીત નકલ મેળવી તેમને તથા ઇન્ટેલીજન્સ બ્રાંચના અધિકારીઓ, બંદોબસ્તના પોલીસ અધિકારીઓને સાક્ષી બનાવી કોન્સ્ટેબલની ભારતીય ફોજદારી ધારા કલમ- ૨૯૫ (અ), ૧૨૦ (બ) વગેરે મુજબ એફ.આઇ.આર. તૈયાર કરી પોરબંદર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવ્યો.
એફ.આઇ.આર. દાખલ થતા જયદેવને મનમાં શાંતિ થઇ કે આનાથી સમાજમાં એવો સંદેશો જશે કે પોલીસ પણ સમાજનું જ અવિભાજ્ય અંગ છે, તેમને પણ ભારતીય બંધારણ મુજબ નાગરિક તરીકેનો સ્વમાની જીંદગી જીવવાનો અધિકાર છે.
થોડીવારમાં જ સ્ટેજના તમામ કલાકારો (સભાના આયોજકો)ને લઇને ટીમો પરત આવી ગઇ. તેમાં કેટલાક દારુ પીને ટાઇટ પણ થઇ ગયા હતા. પોલીસે પોલીસનું કામ પોલીસવડાની હાજરીમાં જ પુરુ કર્યુ. આ બનાવ પછી પોરબંદર પોલીસે જુદી જ સ્ટાઇલથી કાર્યવાહી ચાલુ કરી!