દુકાનમાં બંધ કરી યુવાનને લાકડી અને પ્લાસ્ટિકની પાઇપથી ઢોર માર મારી પોલીસને સોંપી દીધો
પોલીસ મથકમાં યુવક ઢળી પડતાં મોત: બનાવ હત્યામાં પલટાયો
પોરબંદરમાં આવેલા વાછરાડાડા મંદિરમાં દાનપેટીની ચોરી થયા બાદ એસિડ અને ફિનાઇલની ફેરી કરતા યુવાનને ચોરીની શંકાએ દુકાનમાં પૂરી બેફામ માર મારી પોલીસને સોંપી દીધો હતો. જ્યાં ઉદ્યોગનગર પોલીસ મથકમાં જ યુવાને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ત્રણ શખ્સો સહિત તપાસમાં ખૂલે તેમની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના નવા કુંભારવાડા શેરી નં ૧૬માં રહેતો શ્યામ કિશોરભાઈ બથિયા નામનો ૨૬ વર્ષીય યુવાન ફિનાઇલ એસિડ વેંચીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ યુવાનને જન્મજાત મગજમાં ગાંઠ હોવાથી આ યુવાન માનસિક રીતે અસ્થિર હતો. શ્યામ ગઇકાલે બોખીરા વિસ્તારમાં એસિડ ફિનાઇલ વેચવા માટે સાયકલ લઈને ગયો હતો અને બોખીરા હાઇવે પર આવેલા વાછરાડાડા મંદિરે પહોંચ્યો હતો.
જ્યાં વાછરાડાડા મંદિરમાં થયેલી દાનપેટીની ચોરીની શંકા રાખી આ યુવાનને કેટલાક લોકોના ટોળાએ અપહરણ કરી ઝેરોક્ષની દુકાનમાં પુરછપરછ કરી માર માર્યા હતો અને બાદ ફોન કરી પોલીસને બોલાવી યુવાનને સોંપી દીધો હતો. આ યુવાનને ઉદ્યોગનગર પોલીસ મથકે ગઇકાલે બુધવારે બપોરે ૩ વાગ્યે લાવ્યા હતા અને સાંજે ૫ વાગ્યા સુધીમાં આ યુવાનનું મોત નિપજ્યું હતું. જેથી પોલીસે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ મૃતક શ્યામના શરીરે ઈજાના નિશાન હતા જેથી યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર લઈ ગયા હતા. જ્યાં પીએમમાં રિપોર્ટ મુજબ મલ્ટીપલ ઈંજરીને કારણે ફેરિયાનું મોત થયાનું સામે આવ્યું છે. ત્યારે સ્થાનિક ટોળાના મારને કારણે મોત થયું છે કે પોલીસ મથકે માર મારતા યુવાનનું મોત થયું છે તે અંગે રહસ્ય ધુંટાઇ રહ્યું છે.
તો બીજી તરફ શ્યામના મોત અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને ટોળાએ જ યુવકને માર માર્યો કે પછી પોલીસ મથકમાં પૂછતાછ દરમિયાન કડક પગલાના ધોરણે યુવાને જીવ ગુમાવ્યો તે અંગે તપાસ હાથધરી છે. તો બીજી તરફ યુવાન જ્યારે ઉદ્યોગનગર પોલીસ મથકે આવ્યો ત્યારે તેના શરીરે અનેક ઈજાઓના નિશાન હતા. છતાં પોલીસે તેને સારવારમાં લઈ જવાને બદલે પોલીસ મથકે જ કેમ બેસાડી રાખ્યો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.