ગુજરાત સમાચાર
2024ની લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ નેતાઓ પક્ષ બદલી રહ્યા છે તેમજ રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવા અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં મોઢવાડિયા ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે.
ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથપાથલ જોવા મળી રહી છે. ગુજરાતમાં ભાજપે ગઈકાલે 2024ની લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું હતું અને તમામ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય શરુ કર્યા હતા. ભાજપનું ગુજરાતમાં ઓપરેશન લોટ્સ ચાલુ છે જે હેઠળ કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરનાં ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું અને હવે કેસરિયા કરવાના છે ત્યારે હવે ઓપરેશન લોટ્સમાં સુદામાપુરી એટલે કે પોરબંદરની બેઠક અને કોંગ્રેસનાં સિનિયર નેતા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોંઢવાડીયાનું નામ છાનેખૂણે ચર્ચામાં છે.
ગાંધીનગરમાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના આગેવાનો ભાજપમાં જોડાયા છે જેમાં મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર, સાબરકાંઠાના જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુધીર પટેલ, ખેરાલુના વિનોદ ચૌધરી, સતલાસણાના જીતેન્દ્રસિંહ પરમાર, સુદાસણાના દિનેશસિંહ પરમાર, હડોલના નાગજી ઠાકોર, કપડવંજના જીગીશા પરમાર તેમજ આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તા, નેતાઓ ભાજપમાં જોડાયા છે.