રિલાયન્સમાંથી સૌરાષ્ટ્ર કેમિકલમાં મોકલાયેલા કોલસાના બદલે માટી ધાબડી દીધી: ટ્રાન્સપોર્ટ સંચાલકે નોંધાવી ફરિયાદ
રિલાયન્સમાંથી પોરબંદર ખાતેની સૌરાષ્ટ્ર કેમિકલ લિમીટેડમાં મોકલાયેલા કોલસામાં ત્રણ ટ્રકના ચાલકો કિંમતી કોલસાની ચોરી કરી બારોબાર વેચી કોલસાના બદલે માટી ધાબડી દીધા અંગેની ટ્રાન્સપોર્ટ સંચાલકે રૂા.19 લાખની છેતરપિંડી અંગેની ટ્રક ચાલકો સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર સત્યમ કોલોનીમાં રહેતા અને વાસા રોડ પર પાશ્ર્વ એન્ડ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા જીવાભાઇ જગાભાઇ પોપાણીયાએ પોરબંદરના બીજલ રામ હારણ, હરપાલસિંહ રાઠોડ અને રઘુવીરસિંહ રામદેવસિંહ ગોહિલ સામે રિલાયન્સના કોલસામાં ભેળસેળ કરી રૂા.19 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રિલાયન્સમાંથી પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ લીમીટેડ કંપનીમાં કોલસો પહોચતો કરવાનો છેલ્લા દોઢ વર્ષથી જીવાભાઇ પોપાણીયા કોન્ટ્રાકટ ધરાવે છે. રિલાયન્સ કંપનીમાંથી ગત તા15-6-22 બીજલભાઇના જી.જે.3બીડબલ્યુ. 8930 નંબરના ટ્રકમાં રૂ.7.23 લાખની કિંમતનો 23 ટન કોલસો, હરપાલસિંહ રાઠોડના જી.જે.3એએકસ. 8924 નંબરના ટ્રકમાં રૂ.6.23 લાખની કિંમતનો 23 મેટ્રિક ટન કોલસો અને રઘુવીરસિંહ ગોહિલના જી.જે.11ઝેડ. 5798 નંબરના ટ્રકમાં રૂ.6.11 લાખની કિંમતના 23 મેટ્રિક ટન કોલસો ભરી પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ લીમીટેડમાં પહોચતા કરવા ત્રણેય ટ્રક રવાના કર્યા હતા.
જે ત્રણ અંદાજે પાંચ કલાક જેટલો સમય લાગતો હોય છે પરંતુ બીજા દિવસે તા.16-6-22ના રોજ ત્રણેય ટ્રક પહોચ્યા હતા. ટ્રકમાં રહેલા કોલસાનું લેબોરેટરી પરિક્ષણ કરવામાં આવતા હલકી ગુણવતાનો કોલસો હોવાનું બહાર આવતા સૌરાષ્ટ્ર કેમિકલ લીમીટેડ દ્વારા ટ્રાન્સપોર્ટ સંચાલક જીવાભાઇને રૂા.19 લાખનું પેમેન્ટ અટકાવી દેતા તેઓએ ત્રણેય ટ્રક ચાલક સામે રૂ.19 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.