પોરબંદર એરપોર્ટ પર આવતી-જતી તમામ વિમાની સેવા હાલ બંધ કરી દેવાઈ છે, જેના કારણે અમદાવાદ, મુંબઈ તેમજ દિલ્હી સુધી જવા માટે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો હાલ અહીથી એકપણ ફલાઈટ નહી ઉડતી હોવાથી પોરબંદરનું એરપોર્ટ શોભાના ગાંઠીયા સમાન બન્યું છે.
ગાંધીજીની જન્મભૂમિ અને કૃષ્ણ સખા સુદામાની પુણ્યભૂમિ તરીકે પોરબંદર શહેર એ દેશ-વિદેશમાં સુવિખ્યાત બન્યું છે. ત્યારે આ શહેરની મુલાકાતે પણ અનેક પ્રવાસીઓની અવરજવર રહે છે. પરંતુ પોરબંદરથી વિમાની સેવા બંધ થતા પોરબંદર સુધી પહોંચવામાં પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. દિલ્હી થી પોરબંદરની સીધી ફલાઈટ ગત એપ્રિલ માસમાં શરૂ થઈ હતી, ત્યારે અઢી કલાકમાં પોરબંદર થી દિલ્હી પહોંચી શકાતું હતું, તો અમદાવાદ અને મુંબઈ જવા માટે પ્લેનમાં માત્ર્ા એક કલાક જેટલો સમય લાગતો હતો. આમ પોરબંદરથી મુંબઈ, અમદાવાદ અને દિલ્હી આવતા-જતા વેપારીઓ, ફિશ એકસ્પોર્ટરો તેમજ દર્દીઓને આ વિમાની સેવા અતિ ઉપયોગી હતી. જેથી અહી જ્યારે આ વિમાની સેવા શરૂ હતી ત્યારે પૂરતા મુસાફરો પણ મળી રહેતા. તેમ છતાં આ તમામ વિમાની સેવા બંધ થતા પોરબંદર સુધી આવવું-જવું એ લોકો માટે ભારે દુષ્કર બન્યું હોય તેવું જણાય છે. ટ્રેન અથવા બસ મારફત આ શહેરોની લાંબા અંતરની મુસાફરી માટે દિવસો વિતી જાય છે અને અનેક વાહનો બદલાવીને જે-તે શહેર સુધી પહોંચતા અનેક મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. પોરબંદરથી બંધ થયેલી આ વિમાની સેવા વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે