ગુજરાત વિધાનસભાનીચૂંટણીને હવે આંગળીના વેઢાથી ગણી શકાય તેટલા જ દિવસો બાકી રહ્યા છે. પોલીસ દ્વારા ચુંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે ત્યારે ગઈ કાલે પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે ઝઘડો થયા બાદ ફાયરીંગ થતા બે જવાનના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ આ ઘટના પોરબંદર જિલ્લાની છે જ્યાં ચૂંટણી બંદોબસ્ત માટે આવેલા ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની બે ટુકડીને પોરબંદરમાં નવીબંદર સાઇક્લોન સેન્ટર ખાતે રહેવા માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ બે ટુકડીના મણિપુરના 160 જવાન શુક્રવારે જ આવી પહોંચ્યા હતા. જવાનો શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ સાઇક્લોન સેન્ટરમાં પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે થર્ડ બટાલિયનનો જવાન એસ. ઇનાઉયાશિંઘે સાઇક્લોન સેન્ટરની બહારની સાઇડમાંથી અંદર ઘૂસી આવ્યો હતો અને બીજા જવાનો કશું સમજે તે પહેલાં અચાનક પોતાની એકે 47 રાઇફલમાંથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અંદાજે 10થી 15 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું ત્યાં નજરે જોનારા અન્ય જવાનોએ જણાવ્યું હતું.
આરોપીના એસ.ઇનાઉચા સિંઘ દ્વારા ખુલ્લામાં પોતાની રાયફલ એ.કે.-૪૭ દ્વારા સહ-કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં થોઇબા સિંઘ અને જિતેન્દ્ર સિંઘનું મોત નીપજ્યું હતુ. ઉપરાંત આ ઘટનામાં ચોરાજીત (રાયફલમેન કોન્સ્ટેબલ) અને રોહિકાના કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા હતા. આ બન્ને જવાનોને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.