ભાદર નદીના પૂરના પાણીથી વિખૂટા પડેલા ગામો પર પોરબંદર જિલ્લા વહીવટીતંત્રની દેખરેખ
પોરબંદર જિલ્લામાં ભાદર નદીના પાણીના લીધે અનેક ગામો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ છે. આજે હેલીકોપ્ટરની મદદથી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કંટોલ ગામે ચાર વ્યક્તિઓને તેમજ કુતિયાણાથી આગળ માણાવદરના વેકરી ગામના પાંચ વ્યક્તિઓને સીમ વિસ્તારમાંથી એર લિફ્ટીંગ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા હેલીકોપ્ટર પહોંચાડી આ રેસક્યુ કરવામાં આવ્યું હતું.
પોરબંદર સહિત રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીક આવેલા કંટોલ અને માણાવદરનાવેકરી ગામ ખાતે પાણીના પ્રવાહમાં લોકો ફસાયા હોવાની જાણ જિલ્લા વહીવટીતંત્રને થઈ હતી.
પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કુતિયાણા તાલુકાના કંટોલ ગામે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ચાર લોકોને હેલીકોપ્ટરની મદદથી બહાર લાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. માણાવદરના વેકરી ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા પાંચ લોકોના રેસક્યુની કામગીરી માટે હેલીકોપ્ટરની મદદ લેવાની ફરજ પડી હતી અને હેલીકોપ્ટરની મદદથી સફળતાપૂર્વક પાંચ લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને પોરબંદર વહીવટીતંત્રની ટીમોએ આ નવ વ્યક્તિઓને બચાવવા માટે તાત્કાલીક કામગીરી કરી હતી.
અશોક થાનકી