- સમસ્યાઓનો સરતાજ વોર્ડ નં.7: લોક દરબારમાં 63 ફરિયાદો ઉઠી
- વોર્ડ નં.7માં મેયરના લોક દરબારમાં શહેરની જૂની અને મુખ્ય બજારોમાં નિયમિત સફાઇ થતી ન હોવાની ફરિયાદો ઉઠી
- વોર્ડ નં.7 જાણે સમસ્યાઓનો સરતાજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે મેયરના લોક દરબારમાં 63 જેટલી ફરિયાદો ઉઠી હતી. સોની બજાર વિસ્તારમાં અશાંતધારો લાગૂ કરવાની માંગણી લોકો દ્વારા કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્ર્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ “મેયર તમારા દ્વારે” દરબાર)નું વોર્ડ વાઈઝ સવારે 09:00 થી 11:00 કલાક સુધી આયોજન કરેલ છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ર્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજ તા.30/07/2024, સોમવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.7માં શ્રી કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં.1, કોઠારીયા નાકા પાસે, રાજકોટ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ “લોક દરબાર” કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, વિધાનસભા-70નાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં.7ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, દેવાંગભાઈ માંકડ, ડો.નેહલભાઈ શુક્લ, શિક્ષણ સમિતિના સભ્ય અજયભાઈ પરમાર, નાયબ કમિશનર હર્ષદ પટેલ, નં.7ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- આ “લોક દરબાર” કાર્યક્રમમાં વોર્ડ નં.7ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-63 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્ર્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.
“લોક દરબાર” વોર્ડ નં.7ના નાગરિકો દ્વારા લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ તથા ગરેડીયાકુવા રોડ પર દબાણ દૂર કરવા બાબત, લાખાજીરાજ રોડ પર યુરિનલની નિયમિત સફાઈ કરવા બાબત, બંગડી બજાર તથા સોની બજારમાં રાત્રી સફાઈ કરવા બાબત, વિજય પ્લોટમાં આવેલ વોંકળાની સફાઈ કરવા બાબત, દાણાપીઠ, પરાબજારમાં રેંકડીઓ કાયમી ધોરણે દૂર કરવા બાબત, મનહર પ્લોટમાં ભૂગર્ભ ગટરની લાઇન બદલાવવા બાબત, પાણી વિતરણમાં ફોર્સ ઓછો આવે છે. દાણાપીઠમાં નિયમિત સફાઈ કરાવી આપવા બાબત, રઘુવીરપરામાં નિયમિત સફાઈ કરવા બાબત, વર્ધમાનનગર-પ્રહલાદ પ્લોટમાં અશાંત ધારો લાગુ કરવા બાબતની રજુઆત, વર્ધમાનનગરમાં કાયમી સફાઈ કરવા બાબત, ગુરૂકુળ પાસે ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ કરવા બાબત, કડિયા પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવા બાબત, ત્રિકોણ બાગ બસ સ્ટેન્ડ ખાતે બેસવાની વ્યવસ્થા કરી આપવા બાબત, ફૂટપાથ પર સુતા રહેતા લોકોને રેનબસેરામાં સ્થળાંતર કરાવી આપવા બાબત, રામનાથપરા મહાદેવ મંદિર ખાતે વધારાની લાઈટ ફિટ કરાવવા બાબત, ભવાનીનગર વિસ્તારમાં આર.સી.સી. કરાવી આપવા બાબત, સોની બજારની આસપાસના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા બાબત, કિશાનપરા ચોકમાં ખુલ્લા પ્લોટમાં સફાઈ કરવા બાબત, રામનાથપરા મહાદેવ મંદિર ખાતે રિટેઇનીંગ વોલ બનાવવા બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્ર્નો અને રજુઆતો રજુ કરી હતી.
- “લોક દરબાર” બાદ ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ બાખડ્યા
- વોર્ડના પ્રશ્ર્નો ક્યારેય હલ થશે તેની ખાતરી આપતા નથી અને કોંગ્રેસને વધુ મહત્વ આપતા હોવાનું નેહલ શુક્લને ચોપડાવી દેતા કૌશિક ચાવડા
આજે શહેરના વોર્ડ નં.7માં મેયર તમારા દ્વારે અંતર્ગત લોક દરબાર યોજાયો હતો. જેમાં વોર્ડ નં.7ના ભાજપના સિનિયર કોર્પોરેટર નેહલ શુક્લ અને વોર્ડના પ્રમુખ કૌશિક ચાવડા વચ્ચે થોડી બબાલ થવા પામી હતી. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવિણ રાઠોડને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બોલવા દેતા તેઓ સાત મિનિટ સુધી બોલ્યા હતા અને વોર્ડના અલગ-અલગ પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. જ્યારે રણજીત મુંધવાએ રાજકીય વાતો શરૂ કરતા નેહલ શુક્લએ તેઓને ટોક્યા હતા. ચેરમેને પ્રવિણભાઇને પછી આવી ચર્ચા કરવાની અને પ્રશ્ર્ન ઉકેલવાની ખાતરી આપી હતી. લોક દરબાર પૂર્ણ થયા બાદ ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લ અને વોર્ડ નં.7ના પ્રમુખ કૌશિક ચાવડા બાખડ્યા હતા. વોર્ડ પ્રમુખે નગરસેવકને કહ્યું હતું કે વોર્ડના પ્રશ્ર્નો ક્યારેય ઉકેલાશે તેની કોઇપણ ખાતરી આપતા નથી અને કોંગ્રેસને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જો કે, થોડી વારમાં મામલો શાંત થઇ ગયો હતો.