ખંભાળીયા ખાતે જીલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો: ૨૪૦૫ લાભાર્થીઓને ૭૦.૩૩ લાખની રકમના લાભોનું વિતરણ
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા ખાતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો. રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચી શકે તે રીતે પારદર્શી વિતરણ હેતુ ખંભાળીયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજેલ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૨૪૦૫ લાભાર્થીઓમાં રૂ.૭૦.૩૩ લાખની રકમના લાભોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, જીએસીએલ વડોદરાના ડાયરેકટર વસુબેન ત્રિવેદી, ગ્રામકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
આ તકે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરાએ જણાવેલ કે આર્થિક રીતે નબળા કુટુંબને વિવિધ સહાય આપીને પગભર કરવાનું કામ ગરીબ કલ્યાણ મેળા કરે છે. હાલની સરકાર દરેક લાભો લાભાર્થીઓને પારદર્શી રીતે મળે તે પ્રકારનું આયોજન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષમાં આજદિન સુધી કુલ ૧૧૬૨૯ લાભાર્થીઓમાં કુલ ૯.૮૭ કરોડની સહાય આપવામાં આવેલ છે. દરજી, કડીયા, સુથાર, વાળંદ તથા મજુરોને તેમની જ‚રીયાતની વસ્તુના લાભ થકી આગળ આવી પગભર થયા છે તે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. વધુમાં તેમણે જણાવેલ કે ખેડુતોના ઉત્કર્ષ માટે સરકારે અનેક યોજનાઓ બનાવી ખેડુતોની આવક બમણી કરવા પ્રયત્નશીલ છે તેમ જણાવી ખેડુતોને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાએ જણાવેલ કે ગ્રામ્ય રસ્તા, લાઈટ, પાણી મકાન જેવી જીવન જરૂરીયાતની સુવિધાઓ છેવાડાના માનવીઓને મળતી થઈ છે તેમ જણાવી તેમણે સરકારી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કલેકટર ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી રાવલ, નિવાસી અધિક કલેકટર પટેલ સહિતના જિલ્લાના અલગ-અલગ વિભાગના અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.