ક્રોકીંટ સેમ્પલ ફેઇલ જતા કોન્ટ્રાક્ટરને નોટિસ: નદીના વહેણમાં બનતા પીલરના પાયા જ નબળા
મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન થોડા સમય પહેલા કોર્પોરેશન દ્વારા 7 પીલરમાંથી ક્રોંકીટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ચાર પીલરમાં નિયમ મુજબ ક્રોંકીટનો ઉપયોગ કરવામાં આવી ન હોવાના કારણે પરિક્ષણમાં સેમ્પલ ફેઇલ ગયા હતા. દરમિયાન તમામ ચારેય તોડી બનાવવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી હતી. જે પૈકી ત્રણ પીલર તોડી પાડવામાં આવ્યા છે. ચોમાસાની સિઝન બાદ ચોથો પીલર પણ તોડી તમામ ચારેય પીલર બનાવવામાં આવશે.
મોટા મવા બ્રિજને પહોળો કરવા તથા ભીમનગરના નાલે સ્લેબ કલ્વર્ટ બનાવવાના કામનો રૂ.13 કરોડનો કોન્ટ્રાક્ટ બેકબોન એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યું છે. બ્રિજને બંને સાઇટ પહોળો કરવામાં આવી રહ્યો છે. એક સાઇટ અલગ-અલગ સાત પીલર ઉભા કરવાના થાય છે. જે પૈકી કાલાવડ રોડથી મોટા મવા સ્મશાન તરફ ઉતરતા ભાગ પર સાત પીલર બનાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્પોરેશનની બાંધકામ શાખા દ્વારા પીલર બનાવવા માટે વપરાયેલી સિમેન્ટ અને ક્રોંકીટના નમૂના લેવામાં આવ્યા હતા. સાત પૈકી ચાર પીલરમાં નિયતમાત્રા મુજબ ક્રોંકીટનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાના કારણે નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર થયા હતા. તાત્કાલીક અસરથી બ્રિજના કોન્ટ્રાક્ટરને ચારેય પીલર તોડી નવેસરથી બનાવવા માટે તાકીદ કરવામાં આવી હતી. જે પૈકી કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ પીલર તોડી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ ચોમાસાની સિઝનમાં વરસાદ શરૂ થઇ ગયો હોવાના કારણે સતત પાણી ભરાયેલું રહેતું હોવાથી ચોથો પીલર તોડવાની કામગીરીમાં વિક્ષેપ ઉભો થયો છે. પાણી ઘટતાની સાથે જ આ પીલર પણ તોડી પાડવામાં આવશે. બ્રિજ પહોળો કરવાના કામની મુદ્ત એપ્રિલ માસમાં પૂર્ણ થઇ રહી છે.
કરોડો રૂપિયાના કામમાં તોતીંગ ઓન ચૂકવવામાં આવતી હોવા છતાં બ્રિજનું કામ ગુણવત્તાયુક્ત થતું નથી. રૈયા ચોકડી બ્રિજ, કેકેવી ચોક બ્રિજમાં ગાબડાં પડ્યાની ઘટના પણ બની હતી. દરમિયાન મોટા મવાનો હયાત બ્રિજ જે પહોળો કરવાનું કામ ચાલું છે. તેના પાયા નદીના વહેણથી પસાર થાય છે. આવામાં આ પાયાનું કામ અન્ય બ્રિજના ફાઉન્ડેશન કરતા મજબૂત કરવા જોઇએ તેના બદલે વધુ પૈસા કમાવવાની લાલચમાં કોન્ટ્રાક્ટર વેઠ વાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 7માંથી ચાર પીલરના સેમ્પલ ફેઇલ થવા તે ખરેખર મોટા ભ્રષ્ટાચારથી ઓછું કંઇ નથી.