પીએમએસએસવાય બિલ્ડીંગમાંથી ખટારામાં પૂંઠ્ઠા ભરાતા હતા અને મીડિયાકર્મીઓ ત્રાટકતાં કામ રોકી દેવાયું
પૂઠ્ઠા ભરવા અંગે આધાર-પૂરાવા માંગતા જૂની પૈસા ભરેલી પહોંચ અને જૂનો લેટર રજૂ કર્યો: તપાસનો ધમધમાટ
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી પિડિયુ સિવિલ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી સારવારને બદલે વિવાદોમાં વધુ સપડાયેલી રહે છે. થોડા દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આજે ફરી એકવાર પૂઠ્ઠાને લઇને હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલની નવી બિલ્ડીંગ પીએમએસએસવાયમાંથી પૂઠ્ઠા ભરવાનું કામકાજ ચાલતું હતું ત્યારે જ મિડીયા કર્મચારીઓ ત્યાં પહોંચતા ભાગદોડ મચી ગઇ હતી. પૂઠ્ઠા ભરવા અંગે જરૂરી પૂરાવાની માંગણી કરતા જૂના કાગળીયાઓ રજૂ કર્યા હતાં. જેથી પૂઠ્ઠાએ જાણે બારોબાર પગ કર્યા હોય તેવું લાગી રહ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પિડિયુ સિવિલ હોસ્પિટલ વારે ઘડીયે વિવાદમાં સપડાતી રહેતી હોય છે. થોડા દિવસ પહેલા જ હોસ્પિટલના પ્રાંગણમાંથી બુટલેગર દારૂ સાથે ઝડપાયો હતો. જ્યારે આજરોજ દિન દહાડે પીએમએસએસવાય બિલ્ડીંગમાં ખટારામાં પૂઠ્ઠા ભરાવવાનું કામકાજ ચાલતું હતું. આ વાતની જાણ મિડીયાકર્મીઓને થતા તેઓ તુરંત પીએમએસએસવાય બિલ્ડીંગ ખાતે પહોંચ્યા હતાં. મિડીયાકર્મીઓ પહોંચતાની સાથે જ પૂઠ્ઠા ભરવાનું કામકાજ રોકી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ અંગે આધાર-પૂરાવા માંગતા હાજર કર્મચારીઓએ આઇ.કે.ડી.આર.સી.નો-2014નો જૂનો લેટર અને 2019ના ચૂકવેલા નાણાનો લેટર રજૂ કર્યો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલના વહિવટી અધિકારીઓ સાથે વાતચિત કરતા જાણવા મળ્યું હતું કે અમદાવાદ સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે આઇ.કે.ડી.આર.સી. દ્વારા કિડનીને લગતા સાધનો અને દવાઓ અમદાવાદથી આવતી હોય છે. આ સાથે તેને લગતા કોઇપણ અન્ય સાધનો કે ભંગાર અથવા પૂઠ્ઠાઓ પણ આજ ઇન્સ્ટીટ્યુટ દ્વારા લઇ જવામાં આવતા હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની માત્ર જગ્યાનો જ ઉ5યોગ કરવામાં આવે છે. બાકી તમામ કામગીરીઓ આઇ.કે.ડી.આર.સી. દ્વારા કરવામાં આવતી હોય છે. વહિવટી અધિકારીને જ્યારે વર્તમાન સમયનો કોઇપણ કાગળ-પૂરાવો રજૂ કર્યા વગર જ પૂઠ્ઠા ભરવામાં આવતા હોવાનું જણાવતાં તેઓએ હાલ તપાસ કરીને અમદાવાદ ઇન્સ્ટીટ્યુટમાં વાતચિત કરી પૂરાવાઓ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.
પીએમએસએસવાય બિલ્ડીંગમાંથી ભરાતા પૂઠ્ઠા અંગે તપાસ થશે: તબીબી અધિક્ષક
સિવિલ હોસ્પિટલની પીએમએસએસવાય બિલ્ડીંગમાં પૂઠ્ઠા ભરવાની કામગીરી સામે આવતા તેમાં અને શંકા-કુશંકાઓ ઉપજી હતી. જે બાબતે હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદની ઇન્સ્ટીટ્યુટ દ્વારા આ તમામ કામગીરી કરવામાં આવતી હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની માત્ર જગ્યા જ હોય છે. બાકીના તમામ સાધન સામગ્રીઓ અથવા અન્ય કોઇપણ ચીજવસ્તુઓની કામગીરી ઇન્સ્ટીટ્યુટ દ્વારા જ કરવામાં આવતી હોય છે. પરંતુ હાજર કર્મચારીઓ દ્વારા જૂના બીલ અને જૂના લેટર રજૂ કરતા આ અંગે તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.