ડેથ ઓવર્સમાં સ્પિન બોલરોએ ઈંગેલન્ડની ટીમને બાંધી દેતાં ભારતે ૧-૧ થી સિરીઝમાં બરાબરી કરી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને આઠ રનથી હરાવી ત્રણ મેચની સીરીઝમાં ૧-૧થી બરાબરી કરી લીધી છે. ઓપનર શેફાલી વર્માની આક્રમક ઇનિંગ અને સ્પિન બોલર દીપ્તિ શર્મા-પૂનમ યાદવની બોલિંગને કારણે ભારતીય ટીમને બીજ મેચમાં જીત મળી હતી. બીજા મેચમાં સ્પિન બોલરોએ હારેલી બાજી જિતમાં પલટાવી દેતાં બંને ટીમો હાલ સમકક્ષ થઇ ગઈ છે અને હવે ત્રિજો મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ બની ગયો છે. અંતિમ મેચ ૧૪ જુલાઈના રોજ ચેમ્સફોર્ડ ખાતે રમાનાર છે.
રવિવારના રોજ હોવ ખાતે રમાયેલા મેચમાં શેફાલી વર્માએ ૩૮ બોલ પર ૪૮ રનની ઇનિંગ રમી હતી જ્યારે સ્મૃતિ મંધાનાએ ૧૬ બોલ પર ૨૦ રનની ટૂંકી ઇનિંગ રમી હતી. બંને ઓપનરોએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે ૭૦ રનની ઇનિંગ રમી હતી. જે બાદ બંને ઓપનરો ટૂંક સમયમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. ભારતીય ટીમે ૪ વિકેટની નુક્સાનીએ ૧૪૮ રન બનવ્યા હતા. જેમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે ૨ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૩૧ રન અને દીપ્તિ શર્માએ ૨૭ બોલ પર ૨૪ રનનું યોગદાન આપ્યું હતું.
જેની સામે ઇંગ્લેન્ડની ટીમ તરફે ટૈમી બ્યુમોંટે ૫૦ બોલ પર ૫૯ રન અને કેપ્ટન હિથર નાઇટે ૨૮ બોલ પર ૩૦ રનની ઇનિંગ રમીને ત્રીજી વિકેટ માટે ૭૫ રન જોડ્યા હતા. બંને ખેલાડીઓની વિકેટ એક પછી એક પડતા ભારતીય ટીમને વાપસી કરવાની તક સાંપડી હતી. ૧૪મી ઓવરમાં ઇંગ્લેન્ડની ટીમનો સ્કોર ૧૦૬ રન હતો પરંતુ અંતિમ ઓવરોમાં ટીમ ફક્ત ૧૪૦ રન બનાવી શકી હતી.
ભારત તેફે લવગ સ્પિનર પૂનમ યાદવે ૪ ઓવરમાં ૧૭ રન આપીને બે ચટકાવી હતી જ્યારે ઓફ સ્પિનર દીપ્તી શર્માએ ૧૮ રન આપીને ૧ વિકેટ ચટકાવી હતી. જ્યારે સ્નેહ રાણાએ ૪ ચાર ઓવરમાં ફક્ત ૨૧ રન આપ્યા હતા. આ પ્રકારે આ ત્રણેય સ્પિન બોલરોએ ૧૨ ઓવરમાં ઇંગ્લેન્ડની ટીમને ફક્ત ૫૬ રન જ બનાવવા દીધા હતા અને ૩ વિકેટ પણ ચટકાવી હતી.
અરુંધતી રેડ્ડીએ તેની પ્રથમ ઓવરમાં ડેઈની વાઈટને ફક્ત ૩ રનમાં જ પેવેલિયન ભેગી કરી હતી. જેના કારણે ભારતને સારી શરૂઆત કરી હતી. રુચા ઘોષે ફોર્મમાં રહેલી નતાલી સાઈવરને ફક્ત એક રનના સ્કોરે રન આઉટ કરાવી પેવેલિયન પરત મોકલી દીધી હતી. જો કે, ઇંગ્લિશ ટીમે પ્રથમ પાવર પ્લેમાં ૫૨ રન ઉભા કરી લીધા હતા.
ભારતની જિતમાં સ્પિન બોલરોનો સૌથી મોટો ફાળો રહ્યો હતો. ત્રણેય સ્પિન બોલર્સે ડેથ ઓવર્સમાં ઇંગ્લેન્ડની ટીમને બાંધી તો રાખી જ હતી સાથોસાથ વિકેટ પણ ચટાકવી હતી. રન નહીં થતા દબાણમાં આવેલી ટીમ ઇંગ્લેન્ડ જાણે માનસિક સંતુલન ગુમાવી બેઠી હોય તેવી રીતે વિકેટ્સ ઓણ ગુમાવી રહી હતી અને પરીણામે ફક્ત ૧૪૦ રનમાં ફિન્ડલું વળી ગયું હતું.