ગીરનાર રોડ પર અશોક શિલાલેખની સાથે જ દ્રવ્યેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે અને તેની બાજુમાં જ ટબુકી વાવ છે.આ સ્થળ એટલે જોગણીયા ડુંગરની તળેટી, જોગણીયા ડુંગરમાં આવેલા મહાકાળી માતાજીના સ્થાનકે અસંખ્ય લોકો જાય છે. સોનાપુરની પાછળ બાળ સ્મશાનમાંથી તેનો રસ્તો પસાર થાય છે. આ રસ્તે સાવજો, ઘોર ખોદીયા, ખૂબ જ હોય છે. મહાકાળીની જગ્યાથી એકાદ કલાકમાં રસ્તે એક ગુફા આવેલી છે. તેમા પ્રવેશવા માટે માણસે ગોઠણીયાભેર નમીને અંદર પ્રવેશવુ પડે છે જો કે આ ગુફા અંદરથી ૪ થી ૫ લોકો સમાઇ શકે એવી મોટી છે. તેમજ ગુફાની અંદર ઠંડક હોય છે અહીં પૌરાણિક શિવલીંગ છે.
ગાઢ જંગલમાં માનવીની અવરજવર કરવીએ શક્ય નથી પરંતુ આ સ્થળે ગીરનારમાં ફરવાના શોખીનો શ્રાવણ મહિનામાં ખાસ કરીને જાય જ છે. શહેરને માનવી અહી વર્ષમાં ભલે એકાદ વખત જ આવે. પરંતુ આ મંદિરની ખાસિયતએ છે કે અહી કોણ આવીને પુજા કરી જાય છે. તેની હજુ સુધી ખબર જ નથી પડી પણ આ શિવલીંગ અપૂજ નથી. રોજ રોજ અહીં કોઇ આવીને પૂજા કરી જાય છે અને ગમે ત્યારે ત્યા જાવ મહાદેવ પર ચઢાવેલા ફુલ અને બિલીપત્ર તાજાંજ લાગે તો વળી ક્યારેક ઘીનો દીવો પણ ચાલુ હોય. અહી આવતા વિજય ચુડાસમાના કહેવા મુજબ અહી આપણને સાક્ષાત શિવજીની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે.
અહી જતા ઘણા લોકો પુજા કરવા કોણ આવે છે એ જોવા માટે આખો દિવસ અને ક્યારેક તો રાત પણ રોકાયા છે. પણ હજુ સુધી શોધી શકાયુ નથી. કે કોણ પૂજા કરીને ચાલ્યુ ગયુ. શું કોઇ ગુફામાં અંદરના જ ગુપ્તમાર્ગેથી આવીને પૂજા કરી ગયુ એવા સવાલો પણ ઉઠે છે. કદાચ આવી જ ભાવિકોએ તેનું નામ ગુપ્તેશ્ર્વર મહાદેવ પાડ્યું છે.