જૈન, વૈષ્ણવ, લુહાણા, પંજાબી, મહારાષ્ટ્રીયન, બેંગોલી, રાજસ્થાની આદિ જૈન અને જૈનેત્તર જ્ઞાતિના દેશ વિદેશના હજારો ભાવિકોના હદયમાં ગૂરૂ સ્વરૂપના પરમ પૂજનીય સ્થાન પર બિરાજી રહેલા રાષ્ટ્રસંત પરમ ગૂરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબના કોલકાતાનાં ભકતો દ્વારા આવતીકાલ રવિવાર તા.૨૦.૯ સવારના ૮.૩૦ કલાકે કૌન બનેગા પરમ શિષ્યના અત્યંત રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રસંત પરમ ગૂરૂદેવના આવી રહેલા ૫૦મા જન્મોત્સવ અવસર નિમિતે લાઈવ પ્રસારણ માધ્યમે આયોજીત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પરમ ગૂરૂદેવની ૫૦ વર્ષની જીવનયાત્રા આધારિત અનેક પ્રકારના પ્રશ્ર્નોના ઉત્તર આપવા માટે પરમ શિષ્યત્વની સીટ પર બેસવા હજારો ગુરૂભકતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે!
આ કાર્યક્રમની રૂપરેખા અંતર્ગત પરમ શિષ્યત્વની સીટ પર બેઠેલા ભાવિકોને વિવિધ પ્રકારના રાઉન્ડસમાં પ્રશ્ર્નો પૂછવામાં આવશે જેના જવાબ સમિતિ સમયમાં નિર્ધારિત કરેલા નિયમો અનુસાર ભાવિકોએ આપવાના રહેશે.
પરમ ઉપકારી એવા ગુરૂદેવની દ્રષ્ટિમાં પોતાના શિષ્યત્વની પરખ આપવા માટે આ કાર્યક્રમમાં સમગ્ર દેશ વિદેશના અનેક ક્ષેત્રોનાં હજારો ભાવિકો અત્યંત ઉત્સાહ ભાવ સાથે યૂ ટયુબ, ફેસબુક અને ઝૂમના માધ્યમે જોડાશે.
એ સાથે જ આ અવસરે પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્ત્રોત્રની પંચ રવિવારીય મહાસિધ્ધિદાયક જપ સાધનાના ચતુર્થ ચરણની આરાધના કરવીને સર્વત્ર મંગલતા પ્રસારિત કરવામાં આવશે.