દરરોજ પ્રવચન, દર રવિવારે સ્પે. યુવા શિબિર, ગુરૂપૂર્ણિમા અવસર, પર્યુષણ, ભગવાન મહાવીરનો જન્મોત્સવ, માનવતા મહોત્સવ વગેરે કાર્યક્રમોનું લાઇવ પ્રસારણ કરાશે
અનેક આત્માઓ જે ભૂમિ પર પ્રતિબોધિત થયાં છે એવી ઘેઘૂર વનરાજીથી ઘેરાયેલી, મુંબઇ નાસિક હાઇવે પર આવેલી, કુદરતના ખોળે વસેલી પરમધામની પાવનભૂમિ પર રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 5 સંતો અને પૂજ્ય પ્રબોધિકાબાઇ મહાસતીજી આદિ 38 સતીજીઓ એક સાથે રવિ પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડવા આવતીકાલ રવિવારે ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.
કુદરતના ખોળે પરમધામના આ સંપૂર્ણ ચાતુર્માસ સાધર્મિક ભક્તિનો વિસાવદર નિવાસી ધર્મવત્સલા માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી પરિવાર (બાદશાહ પરિવાર) લાભ લીધો છે.
પરમધામની પાવન ભૂમિમાં પ્રવેશ બાદ રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી લાઇવના માધ્યમે, સવારે 10.00 કલાકે રવિવારીય મહાસિદ્વિદાયક મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર જપ સાધનાનો રવિપુષ્ય નક્ષત્રના અમૃત સિદ્વિ યોગમાં મંગલમય પ્રારંભ થશે.
કોરોના મહામારીને લક્ષમાં રાખીને સમગ્ર ચાતુર્માસ દરમ્યાન રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના સાંનિધ્યે દરરોજના પ્રવચન તેમજ દર રવિવારે સ્પે. યુવા શિબિર તથા ગુરૂ પૂર્ણિમા અવસર, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ, ભગવાન મહાવીર જન્મોત્સવ, માનવતા મહોત્સવ, આદિ કાર્યકર્મોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
એ સાથે જ 18-જુલાઇ રવિવારના શુભ દિને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના સાંનિધ્યે ચાતુર્માસ અર્થે વિરલપ્રજ્ઞા વીરમતીબાઇ મહાસતીજી આદિ ઠાણા-4 મુંબઇ-વસઇથી વિહાર કરીને પરમધામની પાવનભૂમિમાં ચાતુર્માસ અર્થે મંગલ પ્રવેશ કરશે.
કોરોના મહામારીના આ સમયમાં પરમ ગુરૂદેવ તથા સંત-સતીજીઓના દર્શન-વંદન અર્થે આવતા, પરમધામના પ્રાંગણે સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરી, સંયમી આત્માઓની શાતા-સમાધિની ખેવના કરવા એક યાદીમાં જણાવાયું છે.