પૂ. જગાબાપાની સદેહ ગેરહાજરીમાં પૂ. ભાવેશબાપુએ ઉદાસી આશ્રમની ગરીમાં વધારી સિતારામ પરિવાર દ્વારા પૂ. ભાવેશબાપુના અવતરણ અવસરે ભવ્ય લોકડાયરાનું આયોજન
ઉદાસી આશ્રમે આવતા દીન દુ:ખીયાઓ કયારેય નીરાશ થઈને જતા નથી: પૂ. ભાવેશબાપુની નિરંતર કૃપા ભાવિકો પર વરસતી જ રહે છે
‘દુ:ખ મટયા દરેકનાં એવા જયાં દાવા છે,જોગી જગદીશના ગુણગાન ગાવા છે,
સીતારામ નામના પ્રેમરસ પાવા છે,પૂ.ભાવેશ બાપા અમારામનડાના માવા છે’…
સૌરાષ્ટ્રના સંત શિરોમણી પુ. જગાબાપાના પડછાયા સમા પાટડીના ઉદાસી આશ્રમના ગાદીપતિ પૂ. ભાવેશબાપુનો સોમવારે પ્રાગટયોત્સવ છે દુ:ખીયાના દુ:ખ હરતા કયારેય કોઈને નિરાશ ન કરનાર એવા પૂ. ભાવેશબાપુના અવતરણ અવસરના વધામણા કરવા સિતારામ પરિવારના રોમ-રોમમાં સ્વયંભૂ ભકિતરસ ઘુટાય રહ્યો છે પૂ. બાપુના જન્મદિન નિમિતે ભવ્યાતિ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના નામી-અનામી કલાકારો પોતાની કલા રજૂ કરી ભાવિકોને ભકિતરસમાં તરબોળ કરી દેશે.
પાટડીના ઉદાસી આશ્રમના સંત શિરોમણી પૂ. જગાબાપાએ જયારે ફાની દુનિયાને અલવિદા કરી ત્યારે હજજારો ભાવિકોના મનમાં એક જ પ્રશ્ર્ન ચકરાવે ચડયો હતો કે હવે ઉદાસી આશ્રમની ગાદીની ગરીમા કોણ વધારશે પૂ. ભાવેશબાપુએ દેવથી પણ સવાયા એવા પિતા પૂ. જગાબાપાનો ભકિતપંથનો ચિલો પકડયો અને ઉદાસી આશ્રમની ગાદી સંભાળી ખૂબજ ટૂંકા ગાળામાં તેઓએ ગાદીની ગરીમાને મુઠી ઉંચેરૂ સ્થાન આપી દીધું. આજે તેઓના સાનિધ્યમાં ઉદાસી આશ્રમમાં રોજ સેંકડો ભાવિકોના દુ:ખડા દૂર કરવામાં આવે છે.
શારિરીક, માનસિક કે આર્થીક કકળાટ લઈને આવતો કાળા માથાનો માનવી ઉદાસી આશ્રમથી કલરવ લઈ ઘેર પરત ફરે છે આ વાત જ સાબિત કરે છે કે પૂ. જગાબાપા ભલે સદેહ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ તેઓના પડછાયા સમા પૂ. ભાવેશબાપુ દુ:ખીયાના દુ:ખ હણી લ્યે છે. ગાદી પતિ બનાવી અને ગાદીએ બેસ્યા પછી તેની ગરીમામાં વધારો કરવો બંને વાતમાં જમીન-આસમાનનો ફેર છે.
પૂ. ભાવેશબાપુ પાટડી ઉદાસી આશ્રમના માત્ર ગાદી પતી નથી બન્યા પણ તેઓએ આશ્રમની ગરીમામાં ભકતોની છાતી ગર્વથી ફૂલી જાય તેવો વધારો પણ કર્યો છે.
પૂ. ભાવેશ બાપુનો આગામી સોમવારે પ્રાગટયોત્સવ છે. ત્યારે સિતારામ પરિવાર દ્વારા પૂ.બાપુના અવતરણ અવસરની ભકિતભીની ઉજવણી કરવામાં આવશે.
સોમવારે ભવ્યાતિભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂ. બાપુના જન્મદિને તેઓના આશિર્વાદ મેળવી જીવનને ધન્ય કરવાની ભાવના સાથે સોમવારે સિતારામ પરિવારના હજારો સભ્યો પાટડી ઉદાસી આશ્રમને ઉમટી પડશે.