હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશની ગટરોનું પાણી યમુનાજીમાં ઠલવાતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સખ્ત
પ્રદુષણ વિરુદ્ધ કડક પગલાં લેવા આદેશ
ભારત દેશ પુરાણ અને આધ્યાત્મનો દેશ છે. પ્રકૃતિને ઈશ્વર તરીકે પૂજવાની રીત ખૂબ પૌરાણિક પદ્ધતિ છે. ભારત દેશમાં ગંગા અને યમુના નદીને માતા તરીકે પૂજવામાં આવે છે. કરોડો હિંદુઓ આ નદીઓને માતા તરીકે પૂજે છે. કહેવાય છે કે, ગંગામાં સ્નાન કરી લેવાથી તમામ પાપ ધોવાઈ જાય છે. કોઈ પણ સારા કાર્યની શરૂઆતમાં પણ ગંગાજળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવી જ રીતે લાખો વૈષ્ણવોની આસ્થા યમુનાજી સાથે સંકળાયેલી છે. વૈષ્ણવો ભગવાન શ્રી કૃષ્ણની પટરાણી તરીકેનું મહત્વ યમુનાજીને આપે છે. બંને નદીઓનું ઉદગમ સ્થાન ગંગોત્રી ખાતેથી થાય છે અને બંને નદીઓના જળની ધાર્મિક મહ્ત્વતા એકસરખી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી યમુનાજી દૂષિત થઈ રહ્યા હોય વૈષ્ણવોની લાગણી દુભાઈ રહી છે.
વૈષ્ણવોની આસ્થાના પ્રતીક સમાન યમુનાજીને પ્રદુષણમુક્ત બનાવવા અનેકવાર નિર્ણયો કરવામાં આવ્યા છે પરંતુ આ નિર્ણયો મહદઅંશે ફક્ત ચોપડે જ રહી ગયા હોય તેવું લાગી આવે છે. અગાઉ હથની કુંડ ખાતેથી પાણીનો પ્રવાહ શરૂ કરી ગંદકી દૂર કરવા નિર્ણય કરાયો હતો પણ નિર્ણય બાદ કોઈ ઠોસ કાર્યવાહી થઈ હોય તેવું ધ્યાને આવતું નથી. મામલામાં સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડએ દિલ્લી, હરિયાણા અને ઉત્તરપ્રદેશના તંત્રને યમુના નદીમાં ગટરનું પાણી નહીં છોડવા આદેશ કર્યો છે.
સાથોસાથ આગામી તારીખ ૧૫ ડિસેમ્બર સુધીમાં યમુનાજીને શુદ્ધ બનાવવા શુ કાર્યવાહી કરાઈ છે તે અંગે રિપોર્ટ પણ રજૂ કરવા આદેશ કરાયો છે. સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ નોંધ્યું છે કે, સતત કેમિકલયુક્ત પાણી અને ગટરનું દૂષિત પાણી યમુનાજીમાં ઠલવાતા યમુનાજીનું પાણી એમોનિયા ગેસયુક્ત ઝેરી પાણી બનતું જાય છે જેને અટકાવવું અતિ જરૂરી છે. આ મામલે સીપીસીબીએ દિલ્લી જલ બોર્ડને પણ આદેશ કર્યો છે કે, કોઈ પણ રાજ્યનું તંત્ર યમુનાજીમાં દૂષિત પાણીનો નિકાલ ન કરે તેની તકેદારી રાખવા સૂચવ્યું છે.
સીપીસીબીએ કહ્યું છે કે, છેલ્લા લાંબા સમયથી અનટ્રીટેડ પ્લાન્ટ્સનું પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અભાવે, ટ્રિટમેન્ટ પ્લાન્ટની ગેરવ્યવસ્થાઓ કે જે યમુના નદીના કિનારે આવેલુ છે આ તમામની ગેરવ્યવસ્થાને કારણે યમુનાજીનું પાણી વધુ દૂષિત અને ઝેરી બની રહ્યું છે. નદીના પાણીમાં એમોનિયા ગેસનું સ્તર વધતું જઈ રહ્યું છે. આ અંગે સીપીસીબીએ કહ્યું છે કે, ત્રણેય રાજ્યોની ગટરનું પાણી યમુનાજીમાં કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વિના ઠલવાઇ રહ્યું હોય યમુનાજી વધુ દૂષિત થઈ રહ્યા છે.
ઉપરાંત યમુના નદીના કાંઠાના વિસ્તારોમાં જે ઔદ્યોગિક એકમો આવેલી છે. તે તેમના પ્લાન્ટનું દૂષિત કેમિકલયુક્ત પાણી પણ યમુનાજીમાં ઠલવી રહ્યા છે જેથી પાણી ઝેરી બનતું જઈ રહ્યું છે તેને અટકાવવું અતિજરુરી છે. સીપીસીબીએ કેમીકલયુક્ત પાણીનો યમુનાજીની જગ્યાએ અન્ય રસ્તે ડાયવર્ટ કરવા પણ સૂચન કર્યું છે.