કોરોનાની વિદાય અને વાતાવરણ રોગમુક્ત થઈ રહ્યું હોવાના આશાવાદ વચ્ચે કોવિડ-૧૯ ફરીથી ઉથલો મારે તો સર્જાઈ શકે છે મુશ્કેલી:ધુળની ડમરી અને શિયાળો દર્દીઓ માટે બની શકે છે ઘાતક
વિશ્ર્વને હચમચાવનારા કોવિડ-૧૯ જન્ય કોરોનાની મહામારી હવે વિદાય લઈ રહી હોવાના ઉભા થયેલા આશાસ્પદ વાતાવરણ વચ્ચે લોકડાઉનમાં રાહત અને અનલોકની પ્રક્રિયા વચ્ચે કોરોનાના દર્દીઓ માટે હજુ જોખમ યથાવત રહ્યું હોય તેમ કોરોનાના સંક્રમીત દર્દીઓ માટે વાયુ પ્રદુષણ મુશ્કેલી સર્જી શકે છે. ગુવાહાટી સહિતના દેશના કેટલાક વિસ્તારોમાં હવા માનાકમાં આવેલા ઘટાડા અને પ્રદુષણનું પ્રમાણ વધવાની સ્થિતિમાં રોગીસ્ટ હવા કોરોનાના દર્દી માટે વધુ મુશ્કેલીરૂપ બની શકે છે.
ગુવાહાટીમાં ૨ લાખથી વધુ લોકોને કોરોનાનું સંક્રમણ લાગુ પડ્યું હતું. હજુ ૮૪૮૧ જેટલા દર્દીઓ સક્રિય છે અને હજારેક જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. તેવી જ પરિસ્થિતિમાં ગુવાહાટીનું વાતાવરણ પ્રદુષિત થતાં કોરોનાના દર્દીઓ માટે આ પરિસ્થિતિ જોખમી બની શકે તેવા આરોગ્ય તજજ્ઞોના અભિપ્રાયના લીધે ચિંતા પ્રસરી છે.
વરિષ્ઠ તજજ્ઞ વૈજ્ઞાનિક મનોજ સૈક્યાએ જણાવ્યું હતું કે, હવાનું પ્રદુષણ કોરોનાના દર્દી માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. હવાની શુદ્ધતા કોરોનાના દર્દીઓ માટે આવશ્યક હોય છે ત્યારે વર્ષાઋતુની વિદાય બાદ વાતાવરણમાં સામાન્ય રીતે વાયુજન્ય પ્રદુષણ અને ધુળની ડમરીઓ અને વાહનોની જેમ જ ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું વાયુ પ્રદુષણ સામાન્ય વ્યક્તિને પણ ફેફસાને અસર કરે છે. તે સંજોગોમાં કોરોનાના દર્દીઓની પરિસ્થિતિ વધુ બગડે તેમ છે. સામાન્ય રીતે શિયાળામાં વાતાવરણ સુકુ હોય છે અને તે કોરોનાના દર્દીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન દર વર્ષે વરસાદની ગેરહાજરીને લઈને હવામાં પ્રદુષણનું પ્રમાણ વધતું હોય છે. વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે, હવામાં રહેતા રજકણ કોરોનાના દર્દી માટે વધુ પડકારરૂપ છે ત્યારે અત્યારના સંજોગોમાં દિવાળીમાં ફટાકડા ફોડવા પણ હિતાવહ નથી. ફટાકડામાં ઝેરી વાયુની હાજરી હોવાથી ફટાકડા ફોડ્યા હોય તેવા વાતાવરણમાં ધુંવાડાનું પ્રદુષણ અને ઝેરી વાયુ વાતાવરણમાં બળી જાય છે. આ વખતે કોરોનાના દર્દીઓની પરિસ્થિતિને ધ્યાને લઈ ફટાકડા ફોડવાથી પણ દૂર રહેવું જોઈએ. સામાન્ય રીતે હવામાં પ્રદુષણનું સ્તર વધતું જતું હોય છે. શિયાળામાં સુકા વાતાવરણના કારણે હવામાં રઝકણ અને ઝેરી વાયુનું પ્રમાણ વધુ હોવાથી કોરોનાના દર્દીઓ માટે સાવચેતી રાખવી આવશ્યક છે.