સ્ટેટ કોંગ્રેસ કમિટીના કાર્યાલયોમાં 9 હજાર પ્રતિનિધિઓનું મતદાન શરૂ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે આજે 24 વર્ષ બાદ મતદાન થશે. જેમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે સીધો મુકાબલો છે. દેશભરમાં સ્ટેટ કોંગ્રેસ કમિટીના કાર્યાલયોમાં 9 હજાર પ્રતિનિધિઓએ પોતાનો મત આપવાનો શરૂ કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આજે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. હાલ ડેલિગેટ્સ પીસીસી ઓફિસમાં જઇને બેલેટ પેપર પર તેમની પસંદગીના ઉમેદવાર સામે ચેક માર્ક લગાવી અને તેને ફોલ્ડ કરીને બેલેટ બોક્સમાં નાખી મતદાન કરી રહ્યા છે.
મલ્લિકાર્જુન ખડગેના નોમિનેશનમાં કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી, જે એ બતાવવા માટે પૂરતું હતું કે ખડગે ગાંધી પરિવારના ઉમેદવાર છે. તેમના જીતવાની શકયતા વધુ હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. જો કે ચૂંટણીનું પરિણામ 19 ઓક્ટોબરે આવશે.આ ચૂંટણીમાં 36 પોલિંગ સ્ટેશન, 67 બૂથ છે. યુપીમાં મહત્તમ 6 બૂથ છે. દરેક 200 પ્રતિનિધિઓ માટે એક બૂથ બનાવવામાં આવ્યું છે. ભારત જોડો યાત્રામાં સામેલ રાહુલ ગાંધી સહિત 47 પ્રતિનિધિએ કર્ણાટકના બેલ્લારીમાં મતદાન કર્યું છે. અહીંયાત્રાના પડાવ પર અલગ બૂથ બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે છેલ્લી વખત વર્ષ 1998માં મતદાન થયું હતું. ત્યારે સોનિયા ગાંધીની સામે જિતેન્દ્ર પ્રસાદ હતા. સોનિયા ગાંધીને લગભગ 7,448 વોટ મળ્યા, પરંતુ જિતેન્દ્ર પ્રસાદને 94 વોટ મળ્યા. સોનિયા ગાંધી પ્રમુખ બન્યા ત્યારે ગાંધી પરિવારે ક્યારેય કોઈ પડકારનો સામનો કર્યો ન હતો.