૫ કરોડ મતદારો ૨૬૦૦થી વધુ ઉમેદવારોનું ભવિષ્ય નકકી કરશે: ૧૫મીના પરીણામ જાહેર થશે.
ત્રણ મહિનાથી વધુ સમય ચાલેલા ભરપુર પ્રચાર બાદ આજે કર્ણાટકમાં ત્રિકોણીયા જંગમાં નવી વિધાનસભા ચુંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. આ લખાય છે ત્યારે કર્ણાટકમાં ૨૦ ટકા મતદાન થઈ ચુકયું છે. મોટાભાગના સર્વેક્ષણો અને ઓપેનીયલ પોલમાં સતારૂઢ કોંગ્રેસ સતા માટે દાવેદાર માનવામાં આવે છે.
જયારે ભાજપ જીતી શકે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. પૂર્વ પી.એમ એચ.ડી.દેવગોડાના જનતા દળ સેકયુલર (જે.ડી.એસ) કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે.
કર્ણાટક વિધાનસભા ચુંટણીના જંગના પરીણામો ૧૫મી મેના રોજ આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચુંટણી પ્રચારમાં સ્થાનિક મુદાની જગ્યાએ આક્ષેપો-પ્રત્યારોપોની બોલબાલા વધું જોવા મળી રહી છે. વિધાનસભાની ૨૨૪માંથી ૨૨૨ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. દેવગોડા સહિતના નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું છે.
કર્ણાટક વિધાનસભાની આ ચુંટણી રાહુલ ગાંધીના ભવિષ્ય માટે મહત્વની માનવામાં આવી રહી છે. બીજી તરફ ભાજપનો બધો મદાર વડાપ્રધાન મોદીના મેજીક ઉપર છે. ભાજપનું માનવું છે કે, ગત લોકસભાની જેમ આ વખતે પણ મોદી લહેર કામ આવશે. જેને ધ્યાને રાખી ભાજપે મોદીની વધુને વધુ રેલીઓ યોજી હતી.
નોંધવા જેવી બાબત એ છેકે ૧૯૮૫ બાદ કર્ણાટકમાં કોઈપણ પક્ષ સતત બીજી ટર્મ માટે ચુંટાયો નથી. તે સમયે રામકૃષ્ણ હેગડેની આગેવાનીમાં જનતા દળ સતત બે વખત સતા પર આવ્યું હતું. જેથી સતા પર રહેલી કોંગ્રેસ માટે કર્ણાટક વિધાનસભા મહત્વની બની જાય છે.
કોંગ્રેસ હાલ પંજાબની જેમ કર્ણાટકમાં પણ સતામાં રહેવા મથામણ કરી રહ્યું છે. કર્ણાટકમાં ૫ કરોડ મતદારો છે જે ૨૬૦૦થી વધુ ઉમેદવારોનું ભવિષ્ય નકકી કરશે.
કુલ ૫ કરોડ મતદાતાઓમાં ૨.૫૨ કરોડથી વધુ પુરુષો અને લગભગ ૨.૪૪ કરોડ મહિલાઓ છે. જયારે ૪૫૫૨ ટ્રાન્સ જેન્ડર છે. ૫૫,૬૦૦થી વધુ મતદાન કેન્દ્રો બનાવાયા છે. ચુંટણી માટે ૩.૫ લાખથી વધુ કર્મચારીઓને તૈનાત કરાયા છે. આ ચુંટણીમાં ભાજપ ૧૩૦થી વધુ બેઠકો મેળવશે તેઓ દાવો અમિત શાહ કરી ચુકયા છે.
ગુજરાતથી કર્ણાટક સુધીની સફરમાં કોંગ્રેસે સોશિયલ મીડિયામાં બાજી મારી
ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભારતીય જનતા પક્ષને હંફાવનાર કોંગ્રેસે સોશિયલ મીડિયાનો શસ્ત્ર કર્ણાટકમાં પણ સારી રીતે અજમાવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે ચુંટણી જીતવા સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કર્યો હતો.
કોંગ્રેસનું આ પગલું એકંદરે તેમના માટે ફાયદાકારક નિવડયું હતું ત્યારે કર્ણાટકમાં પણ કોંગ્રેસે ફેસબુક અને ટવીટર દ્વારા લોકોનું ધ્યાન પોતાના તરફ બરકરાર રાખ્યું છે.
કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના દાવા મુજબ કર્ણાટક ચુંટણી મુદ્દે કરેલા ટવીટમાં કોંગ્રેસને ૮૭ કરોડ ઈમ્પ્રેશન મળી છે. ગુજરાત ચુંટણી સમયે કોંગ્રેસને ૩૫ કરોડ ઈમ્પ્રેશન મળી હતી. ઈમ્પ્રેશનનો મુળ મતલબ એ છેકે કેટલી વાર લોકોએ જોયું છે. આ આંકડાને ઈમ્પ્રેશ કહેવાય છે.
કોંગ્રેસને સોશિયલ મીડિયાનું શસ્ત્ર અજમાવવામાં ફાવટ આવી ગઈ છે. આગામી ચુંટણીઓમાં પણ કોંગ્રેસ ફેસબુક, ટવીટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભરપુર ઉપયોગ કરશે તે જણાઈ આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com