વહેલી સવારથી જ હાડ થીજવતી ઠંડીમાં લોકો મતદાન કરવા ઉમટી પડ્યા, રાજ્યના કુલ 55.92 લાખ મતદારો 412 ઉમેદવારોનું રાજકીય ભાવિ કરશે નક્કી
હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે શનિવારે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યભરમાં સ્થાપિત 7,881 મતદાન મથકો પર સવારે 8:00 વાગ્યાથી મતદારો મતદાન મથકો ઉપર ઉમટી પડ્યા હતા. સાંજે 5:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે. 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. આજે મતદારો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા, અને અપક્ષો સહિત 412 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. રાજ્યના કુલ 55,92,828 મતદારોમાંથી 28,54,945 પુરૂષ, 27,37,845 મહિલા અને 38 થર્ડ જેન્ડર છે.
આ રાજકીય લડાઈમાં, ભાજપ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની તર્જ પર સરકારો બદલવાની પ્રથાને બદલવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે વર્ષ 1990 પછી રાજ્યમાં એકપણ સરકારનું પુનરાવર્તન થયું નથી. આ માન્યતાને તોડવા માટે ભાજપ કેન્દ્ર અને રાજ્ય સરકારના ડબલ એન્જિનની શક્તિથી રિવાજો બદલવાના નારા સાથે ચૂંટણી લડી રહી છે.જવાબમાં રિવાજને બદલે સરકાર બદલવાની જાહેરાત સાથે કોંગ્રેસ ચૂંટણી જંગમાં ઉતરી છે. શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો રાજ્યના ખૂણે ખૂણે તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી 35,000 કેન્દ્રીય સુરક્ષા દળો અને પોલીસ કર્મચારીઓને આપવામાં આવી છે.
ચૂંટણી પંચે હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે કુલ 378 અત્યંત સંવેદનશીલ અને 902 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે. મુક્ત અને નિષ્પક્ષ મતદાન માટે આ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કેન્દ્રોમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પડે તે માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે ચૂંટણી નિરીક્ષકો, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને પોલીસ અધિક્ષકો ચાંપતી નજર રાખી રહ્યા છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસના 68, ભાજપના 68 આપના 67, બસપાના 53, રાષ્ટ્રીય દેવભૂમિ પાર્ટીના 29, હિમાચલ જનક્રાંતિના 6, હિન્દુ સમાજ પાર્ટીના 3, સ્વાભિમાન પાર્ટીના 3, સીપીઆઈના 1, હિમાચલ જનતા પાર્ટીના 1, ભારતીય વીર દળના 1, સૈનિક સમાજ પાર્ટીના 1, નેશનલ પબ્લિક પોલિસી પાર્ટીના 1 અને 99 અપક્ષ ઉમેદવારો મેદાને છે.
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મંદિરમાં માથું ટેકવ્યા બાદ કર્યું મતદાન
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મતદાન કરતા પહેલા મંડીના સેરાજમાં મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે પત્ની સાધના ઠાકુર, પુત્રીઓ ચંદ્રિકા અને પ્રિયંકા ઠાકુર પણ મંદિરમાં ગયા હતા. ત્યારબાદ વિધાનસભાના મતદાન મથક નંબર 44 પર પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું કે હું લોકોને વિનંતી કરું છું કે તેઓ ચોક્કસપણે મતદાન કરવા જાય અને પ્રાથમિકતાના ધોરણે જાય. વધુમાં વધુ મત આપો.