વિધાનસભા ચૂંટણી અન્વયે ભારત ચૂંટણી પંચ નવી દિલ્હીના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.બી.જોશીએ રાજકોટ શહેરના વિવિધ મતદાન કેન્દ્રો તેમજ કણકોટ ખાતેના સરકારી ઇજનેર કોલેજ ખાતે નિર્મિત મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. નાયબ ચૂંટણી કમિશનરશ્રીએ રાજકોટના બજરંગવાડી વિસ્તારના મહર્ષિ દધિચી પ્રાથમિક શાળા નં. 59, રૈયાધારના ડોક્ટર ઝાકીર હુસેન પ્રાથમિક શાળા અને પ્રણામી પાર્ક એસ.કે પી સ્કૂલ ખાતેના મતદાન કેન્દ્રો પર દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે રેમ્પ, વ્હીલચેર, મતદારો માટે અન્ય જરૂરિયાતોની તેમજ મત ગણતરી કેન્દ્ર ખાતેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી આવશ્યક સૂચનો કર્યા હતા.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ વિવિધ કેન્દ્રો ખાતે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી તેમજ મતદારો માટે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર આયોજનો અંગે વિગતવાર માહિતી આપી હતી.આ મુલાકાતમાં જનરલ ઓબ્ઝર્વર નીલમ મીણા, સુશીલકુમાર પટેલ, પોલીસ ઓબ્ઝર્વર એસ.પરિમાલા, ચૂંટણી ખર્ચ નોડલ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર અને રિટર્નિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.