કોઈપણ રાષ્ટ્રના સુકાનીમાં જો સાતેય પાપ હોય એનું પતન શતમુખી બની શકે છે…

કોરોનાગ્રસ્ત રાષ્ટ્રોને અત્યારે આ સાતેય પાપો ધરાવતા સંતાપની અતિ આકરી અને બેરહમ કસોટીમાંથી પસાર થવું પડે છે એમ શું લાગતું નથી?

એવું કહેવાય છે કે, આજથી શરૂ થતા ભાદરવામાં પિતૃઓનાં શ્રાધ્ધ નિમિત્તે કાગડાઓ ‘કાગવાસ’ના શ્રધ્ધાભીના આમંત્રણનો ‘રવ’ સાંભળીને ‘ખીરરોટલી’ આરોગવા હોંશભેર ઉડતા ઉડતા ઘરના છાપરે ન આવે તો એમની નજરે આપણા દેશના સુકાનીઓ આ સાતેય પાપનાં અપરાધી હોઈ શકે ! આપણે એમને રીઝવવા અને પ્રસન્ન કરવા પ્રાર્થના કરવી પડશે, અને તે પણ સાચાદિલથી…

ચાણકયે એમના જીવનના તમામ સંઘર્ષો અને કસોટીઓ વખતે તેમની બધી જ જાતની નિપુણતાઓ છતાં પ્રાર્થનાને સર્વોચ્ચ મહિત્વ આપ્યું હતુ અને પ્રભુની પ્રસન્નતા અર્થેની તમામ વિધિઓ કરી હતી ચાણકયે તેમના શિષ્ય ચંદ્રગુપ્તને ભારપૂર્વક એવો મંત્ર આપ્યો હતો કે, પાર્થનામાં પ્રચંડ શકિત છે અને તે સિધ્ધિ કર્તા તથા વિજયદાતા છે…

ફાધર વાલેસે પ્રાર્થના વિષે કહ્યું છે કે, ‘પ્રાર્થનામાં આપણે કેમ આવ્યા? પ્રાર્થનાનો સમય થયો હતો એટલા માટે કે બીજા આવતા હતા એટલા માટે ? અથવા મનની સાથે નકકી કર્યું હતુ, નિર્ણય લીધો હતો કે આજે પ્રાર્થના કરવી છે એટલા માટે ?… પરંતુ ના, આપણે એમ સમજીને પ્રાર્થનમા આવ્યા છીએ કે, ભગવાને આપણને બોલાવ્યા છે, એનું આમંત્રણ છે, એની આજ્ઞા છે. ભગવાનની આજ્ઞા વિના કોઈ ભગવાનની પાસે આવી શકતું નથી… એમની આજ્ઞા સિવાય કોઈ પ્રાર્થનામાં બેસીશકે નહિ. રાજાની આજ્ઞા વિના એમની આગળ ન જ જવાય માલિકના આદેશ વિના માલિકને મળવા ન જવાય ભગવાનની આજ્ઞા વિના પ્રાર્થનામાં ન જવાય…

વળી પ્રાર્થનામાં આવ્યા છીએ તે તેઓએ બોલાવેલા આવ્યા છીએ આજ્ઞા માથે ચડાવીને આવ્યા છીએ. એમનો સંદેશો મળ્યો હતો. એટલે આવ્યા છીએ. ઈચ્છા હતી, પ્રતીક્ષા હતી, નિર્ણય હતો ઝંખના હતી…

આપણે એમ માનીને આવ્યા કે પ્રાર્થના એટલે મિલન, અને તે કોઈનુ સાન્નિધ્ય ન હોય તો શકય ન બને. આપણી બુધ્ધિ કે આત્મબળનું પરિણામ પણ નથી. ભગવાનની કૃપાનો એ વિષય છે. એમના અનુગ્રહનું એ વરદાન છે, માટે પ્રાર્થનામાં આવ્યા છીએ.

મારામાં સતત કાંઈક ઘટતું હતુ અને અધૂરૂ-અપૂરૂ હતુ એટલે આવ્યા, એને મધુરપથી ભી દેવાની ઈચ્છા હતી એટલે એમને વિનવવા આવ્યા એ નિર્વિવાદ છે !

આપણે એમને તન મસ્તકે કહીશું કે હું કૃપાની રાહ જોઉ છું આપ મને આપની સમીપે આવવાની રજા આપશો, એવી શ્રધ્ધાથી હું ઉભો છું વારો આવશે એની રાહ જોઉ છું આપ મને આપની સમીપે આવવાની રજા અપશે, એવી શ્રધ્ધાથી હું ઉભો છું વારો આવશે એની રાહ જોઉં છું… હમણા ઘંટારવ થશે આરતીની વિધિ થશે ઝાલર રણઝણશે, હું ગદ્ગદ્ ભાવે પ્રાર્થના કરીશ.

આપણી પ્રાર્થના આવી હોવી જોઈશે.

ભાદરવા મહિનાનો આ સંદેશ છે. એના વાચકો છે કાગડા ! કાગભુશંડીના વંશજ, જેમની ઓળખ રામાયણ અને રઘુપતિ રાઘવ રાજારામ, સીતાસતિ અને હનુમાનજી મહારાજ-બજરંગબલી એમું એક પ્રતીક તે શ્રી દુલા ભાયા કાગ… સૌરાષ્ટ્ર-ગુજરાતનાં લોકસાહિત્યના એક શિરમોર… ‘કાગવાસ’ની અને પિતૃતર્પણની પ્રથા સૈકાઓ જૂની છે. આપણે ત્યાં એવી કહેવત છે કે ઘરને આંગણે કે બારીએ કાગડો બોલે ત્યારે ઘરમાં કુટુંબી -મહેમાન આવવાની આગાહી થાય…

આજથી શરૂ થતો ભાદરવા માસનો વખત આપણા દેશ માટે અગ્નિ પરીક્ષા સમો બને તેમ છે. વિવિધ પ્રકારની કસોટીઓની આગાહી પણ છે. દેશકાળ જોખમી બની રહેવાની દહેશત તલવારની જેમ લટકે છે. કોરોનાના ધમપછાડા વધુ વિકટ બનતા રહ્યા છે. દેશની રાજકીય, આર્થિક અને આર્થિક હાલત લેશમાત્ર સારી આશા આપતા નથી. ઉપરોકત સાતેય પાપો મંદાક્રાંતા અને ભાગીરથીમાં ઝડપભેર ધોયાં ધોવાય નહિ એટલી હદે બેસુમાર બની ચૂકયા છે.

અયોધ્યા-મંદિર નિર્માણનો શિલાન્યાસ વિધિ તો થઈ ચૂકયો છે, પરંતુ હવે પછીનો સમય કેવો નીવડશે એ તો કોણ જાણે? હવે પછીની ચૂંટણીઓ રાજગાદીલક્ષી જ બનવાની અને ઉથલપાથલો-નવાજૂનીઓથી ઉભરાવાની ચાડી ખાય જ છે. કોરોના હજુ વધારે વિકરાળ બનવાની સંભાવનાને નકારાતી નથી. નવરાત્રી અને દીપાવલી ઉજવવાની પૂર્વવત હોશ અને ખુશી આનંદ આપણા દેશની ગરીબ અને મધ્યમવર્ગની પ્રજા કયાંથી કાઢશે એવો સવાલ પણ ઉઠે જ છે.

ચાણકયના મતે, કોઈપણ દેશ તેના અતિ બગડેલા શાસનને અણી શુધ્ધ વિશુધ્ધ શાસન આપવું હોય તો કોઈકને કોઈક સશકત અને બધી રીતે નીપૂણ હોય તેવી નારીના હાથમાં તેનું સુકાન સોંપી દેવું ઘટે ! આપણા દેશની ઉજજવળ કારકીર્દીમાં આ વાતની પ્રતીતિ કરાવતાક ઉદાહરણો સાંપડે જ છે ! પરિવર્તન અનિવાર્ય પણે આવે છે. બદલાવ થયા જ કરે છે. રાજયો અને રાષ્ટ્રીય કક્ષાએ એમ કરવું પડતું હોય છે. શિક્ષણથી માંડીને રાષ્ટ્રના સંરક્ષણ સુધી તમામ સ્તરે એ અનિવાર્ય બને છે. અંગ્રેજીમાં કહેવત છે કે, ‘એ ચેન્જ ઈઝ એન અનચેન્જીંગ લો ઓફ લાઈફ‘

અહીં એક જૂનું દ્રષ્ટાંત પ્રેરક બને તેમ છે.એક મિટિંગમાં વિખ્યાત શિક્ષણવિદ મોન્ટેસોરીએ એમના એક સાથીએ એમ કહી નાખ્યું કે, વૈજ્ઞાનિકોએ ડંખ વગરની મધમાખીની શોધ કરી,. તરત મોન્ટેસોરીએ કહ્યું કે, ડંખ વગરના માણસની શોધ કરવાનું વધુ સારૂ ગણાશે. તેમણે એમ પણ કહ્યું હતુ કે, એક બુધ્ધિમાન શિક્ષક એમ કરી શકે.

જે કૃષ્ણમૂર્તિએ તો એવું કહ્યું છે કે, શિક્ષકના જીવનનો પ્રધાન રસ માત્ર બાળકોનાં શિક્ષણનો જ હોવો જોઈએ, બીજો નહિ.

શિક્ષકને સોંપાયેલા બાળકો પ્રભુનાં છે. માનવી માત્રમાં દિવ્યતા રહેલી છે. એને પ્રગટાવવા મથવું એ શિક્ષક જીવનનો મહાન અધિકાર અને ધર્મ છે. શિક્ષકનો એ એકમહાન આદર્શ છે.

ઉપર દર્શાવેલા સાત પાપને જો આપણા રાજકર્તાઓ જીવનમાં નખશીખ વણી લે અને તમામ ક્ષેત્રે એને પ્રસારિતકરી દે તો ‘કોરોના’ સામેના યુધ્ધમાં પરાજિત નહિ થવું પડે !

એકાધિકારવાદી અને આપખુદ બનતા ગયેલા આપણા રાજકારણીઓને સીધાદોર કર્યા વિના છૂટકો નથી.

સશકત મહિલા વડાપ્રધાન એક સો આદર્શ માતાઓનો સાથ લઈને દેશનું સુકાન સંભાળે અને એકલોહિયા હજાર આદર્શ શિક્ષકો તેમજ વિધાવાન બુધ્ધિજીવીઓ સાથે મળે તો આ દેશ મહાન બની જઈ શકશે અને તે વિશ્ર્વગૂરૂ બનવાની ત્રેવડ પેદા કરી શકશે!…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.