દિવંગત રાજીવ ગાંધીના ૭ હત્યારાઓને છોડવા મામલે કેન્દ્ર અને તામિલનાડુ સરકાર ગંદુ રાજકારણ ખેલતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીના ૭ હત્યારાઓને છોડવાની ભલામણ તામિલનાડુ સરકારે રાજયપાલને કરી છે. ત્યારે તામિલનાડુ સરકારના આ નિર્ણય પાછળ ગંદુ રાજકારણ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા થયો છે. કોંગ્રેસે કહ્યું છે કે, રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા મામલે કેન્દ્ર સરકાર અને તામિલનાડુ સરકાર રાજકારણ રમી રહી છે.
કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, આતંકવાદ અને આતંકવાદીઓ સાથે સમાધાન ન થવું જોઈએ. મોદી સરકાર અને તામિલનાડુની સરકાર આતંકવાદીઓ સમક્ષ હળવા હાથે કામ કરી રહ્યાં હોવાનું ફલીત થયું છે. સરકાર આતંકવાદીઓ સાથે કુણુ વલણ ન દાખવી શકે તેવો દાવો પણ તેમણે કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં ગુનેગાર ઠરેલા ૭ હત્યારાઓને છોડી મુકવા માટે તાજેતરમાં તામિલનાડુની કેબીનેટે રાજયપાલને ભલામણ કરી હતી. રાજીવ ગાંધીના હત્યારાઓ ૨૫ વર્ષથી સજા કાપી રહ્યાં છે. અગાઉ પણ આ મામલે વિવાદ સર્જાઈ ચૂકયા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભારતીય જનતા પક્ષના સાથી એ.આઈ.એ.ડી.એમ.કે. દ્વારા ગવર્નરને ભલામણ કરાઈ છે કે, રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવામાં આવે.
વડાપ્રધાનની હત્યામાં સંડોવાયેલાને પણ જો છોડી મુકવામાં આવે તો વિશ્ર્વમાં ખોટુ ઉદાહરણ રજૂ થશે. ઉપરાંત આતંકીઓ પણ છૂટી જતાં હોવાની છાપ ઉપસશે તેવી દલીલ તાજેતરમાં જ થઈ હતી. ત્યારે હવે આ મામલે પણ રાજકારણ ગરમાયુ છે.