મતદાનથી મતગણતરી અને પરિણામો સુધીનો સમય કેવો નીવડશે? રાજકીય અભ્યાસીઓ જયોતિષીઓ ધંધે લાગ્યા!

છેલ્લા કેટલા દિવસથી અખબારો અને ચેનલોમાં લોકસભાની ચુંટણી અને ભારત-પાક.તંગદીલીના કાન ફાડી નાખે એવા ફટાકડા ફૂટી રહ્યા છે. લોકસભાની ચુંટણી હેમખેમ પાર ઉતરશે કે નહિ ઉતરે? આ ચુંટણીના પરિણામો કેવા આવશે ? એ પછી કેન્દ્રમાં રાજકીય સ્થિરતા આવશે. કે અસ્થિરતા પ્રવર્તર્શ ? નવી સંસદમાં કોઇ એક જ પક્ષને બહુમતિ મળશે કે નહિ મળે? જો નવી સંસદમાં એનડીએ મોરચો સરકાર રચવાની સ્થિતિમાં આવશે તો નવા પ્રધાન મંડળનું ગઠન કેવું હશે? જો એનડીએ મોરચાને ચોખ્ખી બહુમતિ નહિ મળે અતે તે ‘પંગુ’ હાલતમાં રહેશે.

તો આ દેશનાં રાજકારણનું સ્વરુપ કેવું બનશે? જો યુપીએ મોરચો ચુંટણીમાં જોર કરશે તો કેન્દ્રમાં કયા પ્રકારનું શાસન આવશે? લોકસભાની ચુંટણી દરમ્યાન જો ભારત-પાકિસ્તાન તંગદીલી ચાલુ રહે અને વકરે તો આ દેશનાં રાજકારણ ઉપર તેની કેવી અસર થવાની એ સવાલ પણ મહત્વનો જ બનશે! દશેના રાજકીય અભ્યાસીઓ અને વરિષ્ઠ જાણકારો તેમજ જયોતિષીઓ આ બધા સવાલોને આવરી લેતા સ્થિતિ સંજોગોનું આગામી લક્ષી તારણ કાઢવાના ધંધે લાગ્યા છે. અને એને લગતી જાણકારી પ્રકાશમાં મૂકવાની તૈયારી કરી રહ્યા ઘટસ્ફોટ થયો છે.

હાલતૂર્ત એવું જ લાગે છે કે બન્ને દેશો વચ્ચે તંગદીલી યથાવત રહેશે ! પાકિસ્તાન આતંકીઓએ નવા હુમલાની કરેલી ખોફનાક તૈયારીનો સજજડ સામનો કરવાનો અને ગમે તે વખતે પ્રહાર કરવાનો વ્યુહ ભારતે અપનાવ્યો છે ત્યારે તંગદીલી ચાલુ રહેવાનું સ્વાભાવિક બને છે. ઓછામાં પુરૂ અમદાવાદ-મુંબઇ હાઇ-વે પર વિસ્ફોટની ચેષ્ટા થઇ છે. અને મુંબઇ- રાયગઢ બસમાંથી વિસ્ફોટકો હાથ લાગ્યા છે એ ઘટનાઓ પણ સારી પેઠે ગંભીર છે.

આને લીધે યુઘ્ધ જેવી બહુ મોટી નહિ તો પણ સર્જીકલ સ્ટ્રાઇડ જેવા નાના પગલા લેવાશે જ એમ મનાઇ રહ્યું છે.શહેરના એક જયોતિષીએ એવું દર્શાવ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની હાલની તંગદીલી  અને આતંકી ભાંગફોડનો માહોલ ચાલુ રહેશે પણ રીતસરની લડાઇ કે ઘોષિત યુઘ્ધની શકયતા નહિવત રહેશે. આ તંગદીલીનો ભરપુર ઉપયોગ થશે અને ભડકા પણ ભાષણો પણ થશે!

જયોતિષીની આગાહીને બહુ વજુદ ન આપીએ તો પણ તો તંગદીલી વકરવાનો આભાષ ઊભો કરીને અને આતંકી પરિબળોનું નિકંદન કરી આપીને આપણા દેશને તેમજ સમાજને મુકત કરવાનાં ગાણાં ગવાશે !વિપક્ષો એવા ગાણાં ગાશે કે હાલની સરકારની કમજોરી અને અણધડ નીતી રીતિઓના પાપે આતંકી પરિબળો આટલી હદે ફાટીને ધુંવાડે ગયા છે. એના પક્ષવાદી રાજકારણે આખો સમાજ છિન્ની વિછિન્ન થયો છે.

અને સલામતિને લગતો વિશ્વાસ ગુમાવી બેઠો છે. કોઇપણ રાષ્ટ્રીય કે સાંસ્કૃતિક ધાર્મિક અવસર વખતે એલર્ટ જાહેર કરવાનું જાણે સામાન્ય બની ગયું છે… વડાપ્રધાન કે કોઇ અદના અગ્રણીનો જાન લેવાના કાવતરાં ઝડપાયાંની બૂરીખબરો અખબારોમાં પ્રગટ થતી રહી છે એ બાબત પણ ઓછી સૂચક નથી હોતી !

વિદેશોની સહાય અને વિદેશીઓના સમર્થન અર્થાત ટેકાની જાહેરાતો કૂટનીતીના એક ભાગ તરીકે તો આવશ્યક અને અનિવાર્ય ગણાય. પણ આતંકવાદીઓને નેસ્તનાબુદ કરવા માટે કોઇ બહારના દેશોની મદદ મળવાની વાતો તો એ અંગેની આપણી કમજોરી ખુલ્લી કરવા જેવું પણ ગણાય એવા વિપક્ષોના તર્કને કેવો ગણવો એવો સવાલ ઊઠી શકે છે!

આતંકવાદી પરિબળોમાં જુલ્મી દુષ્કૃષ્યોથી ત્રાહિમામ પોકારવાની અને તેની સામે લડવાની સ્થિતિ સર્જાવા સુધી સત્તાધીશો રણનીતી ઘડતા રહ્યા કે ઉ૫ેક્ષિત રહ્યા એવા વિપક્ષી આક્ષેપ અંગે ખામોશ રહેવાનું આપણા શાસકોને પોસાય તેમ નથી. એમાંય લોકસભાની ચુંટણીના પ્રકાશમાં તો નહીં જ. મતદારોને ગળે ઉતરી એવા ખુલાસા કરવા જ પડે ! ભારત- પાકિસ્તાન વચ્ચે જે તંગદીલી સર્જાઇ છે અને એ વકરવાની ભીતી સેવાઇ રહી છે તેના પાયામાં આતંકીઓએ આચરેલા અતિ ગોઝારા રકતપાત જ હોવાનું ભાગ્યે જ કોઇ નકારી શકે તેમ છે.

લોકસભાની ચુંટણીના પડઘા વખતે જ અચાનક આ ઘટના બનીએ બાબત રહસ્યમય પણ છે… આનો એક અર્થ એવો થાય કે પાકિસ્તાની શત્રુઓ આપણી લોકસભાની ચુંટણીને હેમખેમ પાર નહિ ઉતરવા દેવાની ફિરાકમાં છે. કાશ્મીરની આંતરિક અશાંતિને વધુ ભડકાવવાની અને આંતર રાષ્ટ્રીય સ્તરે આ કજિયાને ફરી રાજદ્વારી ગરમી આપવાની તેની નેમ હોવાની શંકા જાય છે.

કાશ્મીરમાં મહેબુબાનું મુખ્યમંત્રી પદ સ્વીકારીને એટલે કે વર્ચસ્વ કબૂલ રાખીને શ્રી મોદીએ ભાજપ- પીડીપીની રચેલી ગઠબંધન સરકાર બૂરી રીતે ફિયાસ્કામાં ફેરવાઇ ગઇ તે પછી કાશ્મીરનું રાજકારણ ગંદુ ગોબરું બન્યું છે. અને પોલીસો ઉપર પ્રજાના પથ્થરમારા સુધી અશાંતિ વકરી છે. આ અશાંતિ કાબુ બહાર ગઇ છે. રાષ્ટ્રપતિ શાસન કાશ્મીરના પ્રશાસનને થાળે પાડવામાં નિષ્ફળ ગયું છે. લશ્કરી પગલાં ઘાતક બન્યા છે. આતંકી પરિબળોએ રકતપાત સર્જવા સુધીનું બળ પ્રાપ્ત કરી લીધું છે. પાકિસ્તાન આ તકનો લાભ લેવા ભુરાયું થયું છે.

ભારત સરકારે જરુરી લશ્કરી પગલાની અને પાકિસ્તાની કબ્જા હેઠળના આતંકવાદી અડ્ડાઓનો નાશ કરવાની ચેતવણી આપી છે. લશ્કરી સર્જિકલ સ્ટ્રાઇકના ભણકારા વાગી રહ્યા છે. તંગદીલી વકરવાના ભણકારા પણ વાગે જ છે. કાશ્મીરના અમુક પ્રદેશો ભડકે બળવાનો ભય સેવાઇ રહ્યો છે. વડાપ્રધાન  દક્ષિણ કોરિયા ગયા છે…. સંરક્ષણ પ્રધાનના હાકલા- પડકારા હજુ બાકી છે. ઇઝરાયલ સહિત અમુક રાષ્ટ્રો એ આતંકી પરિબળોનો સામનો કરવાની ભારતીય રણનીતીને ટેકો આપીને મદદની ખાતરી આપી છે.

બન્ને વચ્ચે અથડામણની સંભાવના સાથે તંગદીલી વકરી શકે તેમ છે. રાજકીય અને લશ્કરી અભ્યાસીઓ આને લગતાં ગણિત માંડી રહ્યા છે. જયોતિષીઓ પણ તેમના કામે લાગ્યા છે અને બજારો ઉ૫ર તેની અસરોનો કયાસ કાઠી રહ્યા છે.આગામી દિવસોમાં વધુ સનસનાટીઓ સર્જાય તેવી  સંભાવનાને નકારાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.