ભાજપનું મોવડી મંડળ શિક્ષણનું રાજકારણ ખતમ કરી શકશે ?: આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચુંટણીનો જંગ જામ્યો છે ત્યારે દાતાની સીટ પર આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ફરી એક નવો વળાંક આવ્યો છે. અગાઉ ભાજપ દ્વારા ત્રણ સીટ પર બે મુરતીયાઓ જાહેર કરવામાં આવ્યા હતા અને અન્ય બે ઉમેદવારોએ પણ દાતાની સીટમાં ઝંપલાવ્યું હતું. છેલ્લા બે દિવસથી શિક્ષણ દિવસમાં દાતાની સીટ લઇને અનેક અટકળો ચાલતી હતી ત્યારે આજે ફોર્મ પરતના રાજકારણમાં કલાધરને દિલાસો મળી જતાં સવારે ફોર્મ પરત ખેંચી લીધું છે.
જો કે, હવે પ્રશ્ર્નએ આવે કે નેહલ શુક્લનું શું? નેહલ શુક્લમાં કોકળું ગુંચવાયું છે. શુક્લની બાબતમાં સ્થાનિક નહિં પરંતુ પ્રદેશ લેવલના પ્રશ્ર્નોને લઇ એક ગ્રુપને હાસ્યમાં ધકેલી દેવાતા અન્યાય ન થાય, સંગઠન અને પ્રદેશ ભેગા થઇને નિર્ણય કરે તો જ સામેની લડતના ભાગરૂપે ઉમેદવારી નોંધાઇ તેવું જણાયું છે. જો કે, કલાધરને પાર્ટીએ વડાપ્રધાનના કાર્યક્રમ બાદ ન્યાય આપવાનું આશ્ર્વાસન આપ્યું છે. જેથી તેને હાલ ફોર્મ પરત ખેંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે યુનિવર્સિટી ખાતે દાતાની સીટ પર કુલ 6 લોકોએ ફોર્મ ભર્યા હતા. જેમાં પૂર્વ શિક્ષણમંત્રી વશુબેન ત્રિવેદીના પુત્ર દક્ષ ત્રિવેદી અને બીજા સહકારી અગ્રણીના પુત્ર રાહુલ મહેતા તેમજ ડો.નેહલ શુક્લ અને ડો.કલાધર આર્યએ ફોર્મ ભર્યા હતા.
બીજી બાજુ ડો.નિદત્ત બારોટ અને ડો.હરદેવસિંહ જાડેજાએ પણ દાતાની સીટ પર ઝંપલાવ્યું હતું. શિક્ષણ જગતમાં છેલ્લા બે દિવસથી દાતાની સીટ પર કોણ ફોર્મ પરત ખેંચશે? કોને વિશ્ર્વાસ મળશે?
કોની નારાજગી સામે આવશે? સહિતના અનેક પ્રશ્ર્નો ઉભા થયા હતા. જો કે, આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ડો.આર્યને પાર્ટીનો દિલાસો મળી જતા પ્રેમપૂર્વક ફોર્મ પરત ખેંચી લીધું હતું. જેને લઇને અનેક અટકળો સામે આવી છે.
બીજી બાજુ હવે ડો.નેહલ શુક્લએ પણ સ્વતંત્ર રીતે ફોર્મ ભરતા હવે તેનું શું? તેના પર સૌ કોઇ મીટ માંડીને બેઠા છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
ભાજપમાં સામાન્ય રીતે પક્ષ નક્કી કરે તે જ ઉમેદવાર ફોર્મ ભરતા હોય છે. પરંતુ ડો.નેહલ શુક્લ અને આર્યએ સ્વતંત્ર રીતે દાવેદારી નોંધી દીધી હતી. જેથી ચુંટણી યોજવી પડે તેમ હતી. જો કે હવે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે હજુ પણ નવા-જૂની થવાના એંધાણ થાય તેવી પૂરી શક્યતા છે.
આચાર્યમાં ટાઇ-ટાઇ ફીસ થવાની સંભાવના
માધ્યમિક શિક્ષકની બંને બેઠક બિનહરિફ થતા આજે આચાર્યની બે બેઠક પર ચુંટણીનો જંગ જામ્યો હતો. આચાર્યની બે સીટ પર ચાર ઉમેદવાર જેતલસરના નયન વિરડા, રાજકોટના સંજય પંડ્યા અને તુષાર પંડ્યા અને જામનગરના મેઘના શેઠ વચ્ચે જંગ જામ્યો હતો. આજે સવારથી મતદાન શરૂ થયું હતું. કુલ 280માંથી 250 જેટલા આચાર્યોએ મતદાન કર્યું હોવાનું સામે આવ્યું છે. આવતીકાલે ચુંટણીનું પરિણામ જાહેર થશે. જો કે, જે રીતે પરિસ્થિતિ દેખાઇ છે તેમાં તો એવું જ લાગી રહ્યું છે કે આચાર્યની બેઠકમાં ટાઇ-ટાઇ ફીસ થવાની શક્યતા છે.