કે.ટી.ચિલ્ડ્રનમાં બાર વર્ષથી સર્જરી વિભાગ બંધ, દોષિત કોણ? ” જાયે તો જાયે કહા
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સ ફાળવવાની મહત્વની જાહેરાત સાથે સૌ સૌરાષ્ટ્રવાસીઓ હરખ ઘેલા બન્યા છે અને તમામ પ્રકારની સારવાર ઘણી સસ્તી અને સારી બનશે તેમાં કોઇ સવાલ જ નથી પણ હાલ સૌરાષ્ટ્રભરના ગરીબ દર્દીઓ માટે કાર્યરત સિવિલ હોસ્પિટલ અને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચાલતા રાજકારણના કારણે દર્દીઓ કફોડી સ્થિતીમાં મુકાયા છે. ભ્રષ્ટાચાર અને ગંદા રાજકારણના કારણે દર્દીઓની સારવારના બદલે દર્દીઓ વધુને વધુ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલનો સર્જરી વિભાગ છેલ્લા બાર વર્ષથી બંધ છે તેના માટે જવાબદાર કોણ? દર્દીઓ ” જાયે તો જાયે કહા તેવી દયાજનક સ્થિતી સર્જાય છે.
જેતપુરના નવાગઢની દોઢ વર્ષની માસુમ બાળકીના સસ્ત્રક્રિયા અને મોરબીના મધુપરની છ માસની બાળકીના બગલમાં થયેલી ટ્યુમરના ઓપરેશન ન થવાની ઘટના સાથે જ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સર્જરી વિભાગ છેલ્લા બાર વર્ષથી બંધ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બંને બાળકોના ઓપરેશન ન થવાનું ઉજાગર બન્યું છે પરંતુ છેલ્લા બાર વર્ષથી બાળ દર્દીઓને સર્જરીથી વંચિત રહેવું પડે છે. બાળકોની મસમોટી હોસ્પિટલમાં સર્જરી વિભાગ કેવા સંજોગોમાં બંધ થયો અને શા માટે બંધ કરવામાં આવ્યો તે અંગે મનોમંથન કરવામાં આવે તો હોસ્પિટલમાં ચાલતા ગંદા રાજકારણને જ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.
ગરીબ વર્ગના બાળ દર્દીઓને મોંઘી સારવાર માટે ખાનગી હોસ્પિટલ અથવા તો અમદાવાદની હોસ્પિટલમાં જવું પડે છે જરૂરી સારવારના અભાવે બાળ દર્દીઓ અને તેના પરિવાર વિના કારણે કફોડી સ્થિતીમાં મુકાઇ રહ્યા છે.
રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દરરોજ ૧૦૦ જેટલા બાળ દર્દીઓ સારવાર માટે આવે છે તેમાંથી ગંભીર દર્દીઓની સારવાર ખાનગી હોસ્પિટલમાં જ કરાવી પડી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં પુરતા ખાટલા અને જરૂરી સગવડના અભાવે દર્દીઓની હાલત દયાજનક બની રહી છે. કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલને પુરતી સગવડ કેમ મળતી નથી તે અંગે કે.ટી.ચિલ્ડ્રન સાથે જ જોડાયેલા એક તબીબે અન્ય તબીબ પર દોષારોપણ કર્યુ છે. અને બાળકોની સારવાર અને સેવાનો ઉદેશને સિવિલ હોસ્પિટલમાં ચાલતા ગંદા રાજકારણનું ગ્રહણ લાગ્યું હોવાનું કહ્યું છે. વગદાર દર્દીઓના રાતો રાત મા અમૃતમ કાર્ડ બની જાય છે અને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના દર્દીઓને સર્જરી માટે ખાનગી હોસ્પિટલમાં ધકેલી સરકારી સહાયનો દુર ઉપયોગ કરી સિવિલમાં થતા ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરાવવા ધકેલી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું સુત્રો કહી ર્હ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં તબીબનો પુત્ર સારવાર અને ઓપરેશન કરે છે!!!
મેડિકલનો અભ્યાસ પુરો કર્યાની સાથે જ પિતાની ફરજ પુત્રએ સંભાળી
સિવિલ હોસ્પિટલમાં અંધેરી નગરીને ગંડુ રાજા જેવી સ્થિતી છે. સિવિલ હોસ્પિટલના એક સ્પેશ્યાલીસ્ટ તબીબની જગ્યાએ તેનો પુત્ર ફરજ સંભાળી રહ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. લાંબા સમયથી સ્પેશ્યાલીસ્ટ તબીબની નિમણુંક અંગે ચાલેલા આંદોલન અને માગણી બાદ સ્પેશ્યાલીસ્ટ તબીબની નિમણુંક થઇ છે પણ સ્પેશ્યાલીસ્ટ તબીબના બદલે અભ્યાસ પુરો કરીને આવેલા તેના પુત્ર કોઇ પણ જાતની નિમણુંક વિના જ દર્દીઓને તપાસવાનું અને ઓપરેશન કરતો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. એટલું જ નહી પણ તબીબ પુત્રએ અનેકના મગજ ખાલી થઇ જાય તેવા ઓપરેશન કરી દર્દીઓની મહામુલી જીંદગી સાથે ચેડા કરી આશ્ચર્ય સર્જ્યુ છે.