વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતની પંચાયતી રાજ વ્યવસ્થાની જેમ જ સમાંતર ધોરણે સહકારી ક્ષેત્રનો વિકાસ અને વ્યવસ્થામાં ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે ભારતનાં વિશાળ લોકતંત્રની જેમ સહકારી ક્ષેત્રે પણ કરોડો લોકો પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલાં છે. દેશના રાજદ્વારી ઇતિહાસમાં ‘સહકાર’ને 1094માં કાયદાનું સ્વરૂપ મળ્યું અને ઇ.સ.1928માં બ્રિટિશ સરકારે આ અંગેનો કાયદો બનાવ્યો. 5 ફેબ્રુઆરી-1889માં વડોદરામાં સૌ પ્રથમવાર સહકારી ધોરણે સીટી બેન્કનું નિર્માણ થયું.
આમ સહકારી ક્ષેત્રની પરંપરા ભારતમાં સદીઓ જૂની ગણાય. વર્તમાન સમયમાં 55 પ્રકારના વિવિધ ક્ષેત્રોની 8.5 લાખ સહકારી મંડળીઓના સહકારી માળખામાં કુલ 28 કરોડ લોકો પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલાં છે ત્યારે સહકાર ક્ષેત્રનું સંચાલન, વહીવટ અને ઉપયોગ સંપૂર્ણપણે પ્રજાલક્ષી પારદર્શક, સામૂહિક ભાવના સાથે દેશના વિકાસમાં થવો જોઇએ. સહકાર ક્ષેત્રને અત્યાર સુધી રાજકારણથી પર રાખવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે સ્થાનિક નાગરિકના સમૂહ દ્વારા બિન રાજકીય ધોરણે ચલાવવાની પ્રથા ચાલતી આવી છે
પરંતુ સહકાર ક્ષેત્રનું બિનરાજકીય સંચાલન મન પડે તેવા લોકો એકસાથે મળી જાય, સાંઠગાંઠમાં સંસ્થા અને દેશહિતના બદલે હિત સાધકો પોતાની મનસ્વી રીતે સહકારી ક્ષેત્રના સંસાધન, પદ અને નાણાંના લાભ માટે કુંલડીમાં ગોળ ભાંગી લે છે. સહકારી ક્ષેત્ર અત્યારે દલાતરવાડીની વાડી જેવું જેના મનમાં આવે તે રીતે લાભ લેવાનું માધ્યમ બની ગયું છે ત્યારે સહકારી ક્ષેત્રમાં પણ શિસ્ત, જવાબદારી અને સંઘભાવના ઉભી થાય તે માટે સહકારી સંચાલનમાં ચૂંટણી પ્રક્રિયામાં પક્ષના મેન્ડેટ સાથે ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની પ્રથાનું અમલ શરૂ કરવાની રાજકીય ફરજ પડી છે.
અત્યાર સુધી સહકાર ક્ષેત્રે બિનરાજકીય ધોરણે હોદ્ેદારોની વરણી થતી હતી. હવે પક્ષના સિમ્બોલ પર ચુંટણી અને વરણીની નવી પ્રથા ઉભી કરી સહકારી ક્ષેત્રની રેઢા રાજ જેવી પરિસ્થિતિનો ઉકેલ લાવીને જવાબદારીના વહીવટનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ સુતુત્ય ગણાશે. મન પડે તેવા વહીવટ, જોડાણ, સાંઠગાંઠ અને પ્રજાની આ અસકયામતનો મન પડે તેમ ઉપયોગ થાય છે. તે પ્રથા રોકવાના પ્રયાસો શરૂ થયા છે. દેશમાં અસંગઠીત રીતે વેરવિખેર રહેલા સહકારી ક્ષેત્ર માટે સહકાર વિભાગની રચનાથી શરૂ થયેલી સહકારી ક્ષેત્રની કાયાપલટ હવે વધુ જવાબદારીભર્યું બનશે.
રાજકીય પક્ષો દ્વારા પોતાના મેન્ડેટ પર સરકારી વિભાગમાં ઉમેદવારો ઉતારવાની પહેલ આ ક્ષેત્રને માત્ર લાભના લાડવા માની સાંઠગાંઠ કરનાર તત્વોની કારી હવે નહીં ફાવે રાજકીય પક્ષોના મેન્ડેટ પર ચુંટણી લડી સહકારી ક્ષેત્રના વહીવટ સંભાળનાર પદાધિકારીઓ પર પક્ષની વિચારધારા અને નિતીનું નિયંત્રણ રહેશે. સહકારમાં રાજકારણ સહકારી ક્ષેત્રના અને રાજકારણમાં સહકારની ભાવના ઉજાગર કરવા નિમિત બનશે.