પોલીસની કામગીરી સામે આક્ષેપો કરી છાયા નગરપાલિકાના સુધરાઈ સભ્યોએ સામૂહિક રાજીનામા આપી દેવાની ચિમકી ઉચ્ચારી
પોરબંદર ભાજપના યુવા આગેવાન અને સુધરાઈ સભ્ય ભરત ઉફર્ે ભલા મૈયારીયા સહિતના સાત જેટલા લોકો સામે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધવામાં આવી હતી. જેમાં બે શખ્સો સામે પ્રોહિબિશન ની ફરિયાદ પણ નોંધાઇ હતી આ બનાવને લઈને ભરત ઉર્ફે ભલા મૈયારીયાએ પોલીસ અધિકારીઓ ઉપર આક્ષેપો કર્યા હતા તેમજ જો ન્યાય નહી મળે તો પોરબંદર અને છાયા નગરપાલિકાના સુધરાઈ સભ્યો સામુહીક રાજીનામા આપશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.
પોરબંદર પોલીસ લોકડાઉનની કડક પણે અમલવારી કરાવી રહી છે. કોઈ પણ રાજકીય સેહ શરમ રાખ્યા વિના કામગીરી કરી રહી છે. બે દિવસ પૂર્વે ભાજપના અગ્રણી અને સુધરાઈ સભ્ય ભરત ઉર્ફે ભલા મૈયારીયા સહિત સાત જેટલા લોકો સામે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધવામાં આવી હતી. જેમાં બે શખ્સો ડમડમ હાલત માં હોવાથી તેની સામે પ્રોહિબિશન નો ગુનો પણ નોંધાયો હતો. આ ઘટના ના બે દીવસ બાદ સુધરાઈ સભ્ય ભરત ઉફરે ભલા મૈયારીયા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયા હતા. અને તેઓએ એવુ જણાવ્યુ હતુ કે તેઓને હાલ પગમાં ફેકચર હોય અને પોલીસે જયારે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધી હતી અને તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ૩ જેટલા પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હતો. તેમજ તેને પગમાં દુ:ખાવો થતો હોવા છતા તેઓને હોસ્પિટલે સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા ન હતા. ભરતભાઈ મૈયારીયાએ એવુ પણ જણાવ્યુ હતુ કે અંહી સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોકટર નહી હોવાથી તેમને જામનગર ખાતે રીફર કરવામાં આવ્યા છે અને ત્યં તેઓ સારવાર લેવા માટે જશે. સરકારી હોસ્પિટલના બીછાનેથી તેઓએ પોલીસ અધિકારીઓ સામે ફરીયાદ નોંધાવી હોવાનું જણાવ્યુ છે. જો પોલીસ ફરીયાદ નહી નોંધે તો તેઓ કોર્ટના ધ્વાર પણ ખખડાવશે. આ ઉપરાંત તેમણે એવુ પણ જણાવ્યુ હતુ કે આ બનાવને લઈને તેઓની રાજકીય છબી પણ ખરડાઈ છે. આથી તમામ સુધરાઈ સભ્યોની એક બેઠક યોજી હતી અને ભાજપના આગેવાનોને રજુઆત કરી છે. અને જો કોઈ યોગ્ય ન્યાય નહી મળે તો પોરબંદર ઉપરાંત છાયા નગરપાલિકાના સુધરાઈ સભ્યો સામુહીક રાજીનામા આપશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સુધરાઈ સભ્ય ભરત મૈયારીયા સામે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાયાના બે દિવસ બાદ તેમણે પોલીસ સામે આક્ષોપો કર્યા છે ત્યારે આ આક્ષોપોને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી છે. જો કે આ બનાવનું સત્ય જે હોય તે પરંતુ રાજકીય વર્તુળોમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.
ઉચ્ચ કક્ષાએ પોલીસ વિરુદ્ધ રજુઆતમાં ભાજપ કોંગ્રેસની એકતા!
પોરબંદર માં સુધરાઈ સભ્ય ભલાભાઈ મૈયારીયા ને પોલીસે બેફામ માર માર્યો હોવાના આક્ષેપ થાય છે ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હોવાનું ચર્ચાઈ છે ત્યારે રજુઆત કરવામાં આવી હોય તે આવેદન પત્ર માં ભાજપ ના સુધરાઈ સભ્યો ની સાથે કોંગ્રેસ ના એક સુધરાઈ સભ્ય ની સહી પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભાજપ કોંગ્રેસ ની આવી એકતા અંગે શહેર માં પણ અનેક ચર્ચા ઓ જોવા મળે છે.
વર્ષો પહેલા પોરબંદરના છાયા પાલિકાના તત્કાલીન પ્રમુખને પોલીસે માર માર્યાના આક્ષેપ થયાં હતા
હાલ પોરબંદર પાલિકા ના સુધરાઈ સભ્ય ને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ થયાં છે ત્યારે ઉચ્ચ કક્ષાએ એ રજુઆત પણ થઈ છે અને છાયા નગરપાલિકા તેમજ પોરબંદર નગર પાલિકા ના અનેક સુધરાઈ સભ્યો ના રાજીનામાં સુધી વાત પહોંચી છે ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે લગભગ ૧૨ વર્ષ પૂર્વે છાયા નગરપાલિકા ના તે સમય ના પ્રમુખ ભોજાભાઈ ખૂંટી ને તે સમય ના ડી.વાય.એસ. પી. કાનાની એ પ્રોહિબિશન ના મામલા ને લઇ ને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ થયા હતા પરંતુ તે સમયે પણ વાત ઉચ્ચ કક્ષાએ પહોંચી ને સભ્યો ના રાજીનામાં સુધી પહોંચી ન હતી ત્યારે હાલ ના સમય માં પાલિકા ના સભ્યો માં જબરી જાગૃતિ આવી હોવાની ચર્ચા શહેર માં જોવા મળે છે