યુપીના ઇલેક્શનને ધ્યાને લઈને અખિલેશે પાર્ટીના નિશાન સાયકલને લોકોના મનમાં કાયમ રાખવા કરી અનોખી જાહેરાત
અબતક, નવી દિલ્હી
યુપીના ઇલેક્સને દેશની અનેક પાર્ટીઓને દોડતી કરી દીધી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે વિચિત્ર મેનિફેસ્ટો જાહેર કર્યો છે. તેઓની પાર્ટીનું નિશાન સાયકલ હોય, સાઈકલને લોકોના મનમાં કાયમ રાખવા માટે સાયકલથી અકસ્માત ઉપર 5 લાખનું વળતર જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. તેને જોતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે વધુ એક ચૂંટણી વચન આપ્યું છે. તેઓએ એલાન કર્યું છે કે જો સાંઢના કારણે કે સાયકલ અકસ્માતમાં મૃત્યુ થશે તો સમાજવાદી સરકાર પાંચ લાખનું વળતર આપશે.
અખિલેશ યાદવે કહ્યું, ’જો કોઈ ખુટિયાના હુમલાથી મૃત્યુ પામે છે, તો તેને પણ આ વળતરની રકમ આપવામાં આવશે. આ સિવાય અખિલેશ યાદવે કહ્યું કે જો તેમની પાર્ટી યુપીમાં સરકાર બનાવે છે તો રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક સાઇકલ સવારના પરિવારને વળતર તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
સાયકલ એ સમાજવાદી પાર્ટીનું ચૂંટણી ચિન્હ પણ છે. અખિલેશે ઉન્નાવમાં પોતાના વિજય રથની છત પર ઉભેલી જનતાને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અગાઉની સમાજવાદી પાર્ટીની સરકારે રાજ્યમાં સાયકલ ટ્રેક બનાવ્યા હતા પરંતુ ભાજપ સરકારે તેનો નાશ કર્યો. સાઇકલ સવારોને સલામત રસ્તો આપવા માટે સમાજવાદી પાર્ટીએ ઉન્નાવમાં ટ્રેક પણ બનાવ્યા હતા પરંતુ ભાજપ સરકારે તેનો નાશ કરી દીધો હતો. માર્ગ અકસ્માતમાં સાયકલ સવારોના મોત થઈ રહ્યા છે. જો અમારી પાર્ટીની સરકાર આવશે તો અમે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક સાઇકલ સવારના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપીશું. નવી સરકાર સાંઢના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ લાખનું વળતર પણ આપશે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં, કુલ 403 બેઠકોમાંથી, 324 બેઠકો ભાજપ ગઠબંધનને, 54 સપા-કોંગ્રેસ ગઠબંધનને, 19 બસપા અને 6 અન્યને ગઈ. આ દરમિયાન ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 324 બેઠકો જીતી હતી. તેમાંથી ભાજપે પોતાના દમ પર 311 બેઠકો જીતી છે, જ્યારે અપના દળ (સોનેલાલ)એ 9 બેઠકો જીતી છે. જ્યારે ભારતીય સુહેલદેવ સમાજ પાર્ટીને 4 બેઠકો મળી છે. આ વખતે ભાજપે 2022ની ચૂંટણીમાં અપના દળ (એસ) અને નિષાદ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. બીજેપીના સાથી પક્ષ અપના દળ (એસ) છેલ્લી ચૂંટણી કરતાં વધુ બેઠકોની માંગ કરી રહી છે, ત્યારે નિષાદ પાર્ટી પણ નોંધપાત્ર સંખ્યામાં બેઠકો પર લડવા માટે સખત પ્રયાસ કરી રહી છે.