રાજય સરકારોએ જમીન ફાળવણી માટે વડી અદાલતની ગાઈડ લાઈન અનુસરવી પડશે
રાજય સરકારો પાસે ધારાસભ્યો, સાંસદો, અધિકારીઓ, પત્રકારો અને ન્યાયાધીશોને રાહતભાવે જમીનો ફાળવવાનો અધિકાર હતો. અલબત હવે વડી અદાલતના આદેશ અનુસાર સરકાર ન્યાયતંત્રની મંજૂરી વગર આ પ્રમાણે જમીનો ફાળવી શકશે નહીં.
હાલ દેશમાં લાખો લોકો પાસે રહેવા માટે છત નથી. પરિણામે તેઓ ખુલ્લી જમીનોમાં વસવાટ કરવા મજબૂર થાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી વડી અદાલતને રાજય સરકારો પાસેથી જેમ ફાવે તેમ જમીનો ફાળવવાનો હક્ક છીનવી લીધો છે. ધારાસભ્યો, સાંસદો, અધિકારીઓ, પત્રકારો કે ન્યાયાધીશોને રાહતભાવે જમીન ફાળવવી હશે તો રાજય સરકારે પ્રથમ ન્યાય પ્રણાલીની પરવાનગી લેવી પડશે.
આ મામલે ન્યાયાધીશ જે ચેલમેશ્ર્વર તથા એસ અબ્દુલ નજીરની ખંડપીઠે જણાવ્યું હતું કે, જમીન ફાળવવાની પધ્ધતિ પારદર્શક બનાવવી અત્યંત આવશ્યક છે. ગરીબો શહેરોમાં ઘર ખરીદવા સક્ષમ નથી તેમને જીવન જ‚રીયાતની સુવિધા મળતી નથી છતાં પણ અન્યોને જમીનોની લ્હાણીઓ થતી હોય છે. માટે આવા મામલે સરકારના હાથ બાંધવા જ‚રી બને છે. જમીનોની લ્હાણી માટે યોગ્ય ગાઈડ લાઈન બનાવવી પડશે. જે અમે ટૂંક સમયમાં જાહેર કરીશું.
કોઈ પણ પ્રક્રિયા અનુસર્યા વગર જમીન લ્હાણીની સત્તા મામલે વડી અદાલતના મત સાથે એટર્ની જનરલ કે.કે.વેણુ ગોપાલ પણ સહમત થયા હતા. તેમણે વડી અદાલતને ગાઈડ લાઈન ઘડવા માટે વિનંતી કરી હતી. અગાઉ જેઓ પાસે મકાનો છે તેવા ન્યાયાધીશો, અધિકારીઓ અને રાજકારણીઓને જમીન ફાળવવાના સંવિધાનિક અધિકાર મામલે એડવોકેટ પ્રશાંત ભુષણ સહિતનાએ વડી અદાલતને અરજી કરી હતી. આ મામલે પ્રશાંત ભુષણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૦૮માં ૨૭ નિવૃત ન્યાયાધીશોને અમદાવાદમાં જમીનો ફાળવી હતી અને આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં હજુ સુધી પેન્ડીંગ છે. કેટલાક ન્યાયાધીશોએ જમીન ફાળવણીનો આ મામલો હાથમાં લેવાનો ઈન્કાર કર્યો હતો. જો કે વડી અદાલતના ન્યાયાધીશ ચેલમેશ્ર્વરમે આ સંદર્ભે કહ્યું હતું કે, મેં કોઈપણ લ્હાણી સ્વીકારી નથી અને મને તેમાં રસ પણ નથી.