૨૦૧૮માં ફરી શરીફ પાકિસ્તાનના રાજકારણમાં ચમકશે: નવાઝની પુત્રી મરીયમનો દાવો
પનામા ગેટ કેસ મામલે નવાઝ શરીફને દોષીત ઠેરવ્યા બાદ વડાપ્રધાન પદ છોડવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પાકિસ્તાની રાજકારણમાં ભારે ઉથલ પાથલ શ‚ થઈ છે. શરીફને વડાપ્રધાન પદથી દૂર કર્યા બાદ હવે પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોન બનશે તે બાબતે વિવિધ ચર્ચાઓ શ‚ થઈ છે. જો કે, નવાઝ શરીફના નાના ભાઈ અને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ સોંપવામાં આવે તેવી ચર્ચા બજારમાં ફરી રહી છે. જો કે શાહબાઝ શરીફ એસેમ્બલીના સભ્ય ન હોવાથી તેણે ચૂંટણીમાં ઉભુ રહેવું પડશે. આ ૪૫ દિવસના સમય દરમિયાન વચગાળાના વડાપ્રધાન પદે કોણ રહેશે તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
શાહબાઝ શરીફ બાબતે એમ પણ કહેવાઈ રહ્યું છે કે, વડાપ્રધાન પદે કોઈપણ જાતના વિરોધથી બચવા માટે ચૂંટણી લડયા બાદ જ પાકિસ્તાનનું શાસન સંભાળશે અને ચૂંટણી સુધીના સમયમાં રક્ષા મંત્રી ખ્વાઝા આસીફને કારભાર સંભાળવાની જવાબદારી દેવામાં આવશે તેવી શકયતા છે. જો કે, હજુ આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
શરીફને પદભ્રષ્ટ કરવામાં આવતા પાકિસ્તાનનું રાજકારણ ગરમાયુ છે તેવામાં શરીફને પુત્રી મરીયમ નવાઝે કહ્યું છે કે, સુપ્રીમના ચુકાદા બાદ નવાઝ શરીફની કારકીર્દી ઉપર પૂર્ણ વિરામ લાગ્યુ નથી. ૨૦૧૮ની ચૂંટણીમાં શરીફ કમબેક કરશે અને પછી કયારેય અવરોધમાં અટકશે નહીં. વધુમાં મરીયમે તમામ પક્ષોને પડકાર આપતા કહ્યું હતું કે, તમામ પક્ષોએ શરીફને રોકવા હોય તો રોકી લેજો પરંતુ ૨૦૧૮માં શરીફ જ શાસનમાં આવશે.
એક તરફ પાકિસ્તાનના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે તો તેની અસર ભારતીય સરહદ ઉપર પણ થવાની ભીતિને પગલે ભારતીય સેના સતર્ક બની છે. આર્મી ચીફ બીપીન રાવતે એલઓસી ઉપર મુલાકાત કરી હતી અને જવાનોને તમામ જાતની પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશો આપી દીધા હતા. પાકિસ્તાનની સત્તામાં થતી ફેરબદલ કાશ્મીરમાં પણ અસરકાર રહેશે તેવી ભીતિના પગલે સેનાને સચેત રહેવા માટે આદેશો આપી દેવામાં આવ્યા છે.