સચિન પાયલોટ સહિતના ૧૮ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીનો મામલો ગરમાયો

રાજસ્થાનમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. હાઈકોર્ટ દ્વારા કોંગ્રેસના બળવાખોર સચિન પાયલોટની અરજીની સુનાવણી કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ સચિન પાયલોટ સહિતની ૧૮ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગણી સાથે રાજસ્થાન કોંગ્રેસ પણ કોર્ટના દ્વારે છે. જો કે, આ બાબતે સુનાવણી સોમવાર સુધી ટાળવામાં આવી છે.

દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજસ્થાનના સ્પીકર સી.પી.જોષીને રજૂઆત કરીને જણાવાયું છે કે, કોંગ્રેસમાં જોડાયેલા બહુજન સમાજવાદી પાર્ટીના છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે. રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષને આ બાબતે લેખીત રજૂઆત થઈ છે. જેમાં જણાવ્યું છે કે, ગત તા.૧૮-૯-૨૦૧૯ના રોજ બહુજન સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોનું નેશનલ કોંગ્રેસમાં વિલય થયું હતું. આ સંબંધે ગત માર્ચ મહિનાની ૧૩મી તારીખે અપીલ પણ કરવામાં આવી હતી. કોંગ્રેસમાં ગયેલા બસપાના ધારાસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવે તેવી માંગણી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજસ્થાન કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર હોર્સ ટ્રેડીંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા બળવાખોર ધારાસભ્યને કેમ પનાહ અપાય છે તેવો વેધક પ્રશ્ર્ન પુછાયો છે.

રાજસ્થાનના મંત્રીએ આક્ષેપ કરતા કહ્યું કે, હું ભાજપને ચેલેન્જ કરું છું કે, ૧૯ ધારાસભ્યોને છોડી દેવામાં આવે તો તેઓ કોંગ્રેસમાં પરત ફરશે. જો લોકો ધારાસભ્ય વેંચાઈ ગયા છે તે જાણી ગયેલા લોકો સામે તેઓ ફેસ ટુ ફેસ થઈ શકશે નહીં.

હરિયાણા પોલીસે એસઓજીની ટીમને રોકી રાખી

આ સમગ્ર ગજાગ્રહ દરમિયાન રાજસ્થાન સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને હરિયાણા પોલીસે રોકી રાખી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રવકતા ગોવિંદસિંગ દોતાસરા દ્વારા કરવામાં આવ્યો છે. બીજી તરફ એવો પણ આક્ષેપ થયો છે કે, જ્યારે તેઓ હોટલમાંથી નાસી છૂટ્યા ત્યારે જ તેમના પર હરિયાણા પોલીસની નજર હતી. જો તેઓ કોંગ્રેસનો ભાગ હોય તો તેમને ભાજપ શાસીત રાજ્યોમાં શા કારણે મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.