હિન્દુસ્તાનના હમણા સુધીના સહુથી વધુ ચતુર રાજનીતિઓમાં જે બે નામ મોખરે રહ્યાનું આપણો સૈકાઓ જૂનો ઇતિહાસ દર્શાવે છે તેમાં શ્રીકૃષ્ણનો નંબર પહેલો આવે છે અને ચાણકયનો નંબર બીજો રહ્યો છે. ચાણકયે એમના દેશકાળ દરમ્યાન એવી સલાહ આપી હતી કે, જયાં સુધી વાવાઝોડા ભીતરમાં સમાવી લેવાનું, અર્થાત મીરાબાઇએ વિષનાં પ્યાલાંથી જઇને તેને પચાવી લીધાં હતાં તેમ ‘વાવાઝોડા’થી જવાનું શીખી લીધા વિના દેશમાં અને આસપાસમાં રાજકીય વાવાઝોડાં, ધાર્મિકતા- અધાર્મિકતાનાં વાવાઝોડા કે અન્ય સ્વરૂપનાં વાવાઝોડાં ન સર્જીએ તે જ સારૂ ! તો પણ આપણા બધાના કમનશીબે ને દેશના દુર્ભાગ્યે અજબ જેવું વાવાઝોડું ત્રાટકું – ત્રાટકું થાય છે?
આપણા દેશે અને આપણા દેશની ગ્રામીણ તેેમ જ શહેરી પ્રજાએ આવા વાવાઝોડાં હમણા સુધીમાં કયારેય જોયા નથી, એવું નથી.આપણા દેશની ઊગતી પેઢીએ હવે તો એમ કહેવાનું શરુ કરી દીધું છે કે, દેશની ચૂંટણીનું, ચૂંટણી પ્રચારનું અને સમગ્ર રાજકારણનું માર્કેટિકરણ કરવાનું અજબ-ગજબનું શિક્ષણ હવે આપણો દેશ શીખી ચૂકયો છે. અને એને લગતી સમજણ મતદારોમાં આવી ચૂકી છે.
આ વાત આટલેથી નહિ અટકે એમ અભ્યાસીઓ માની રહ્યા છે. તેઓ એવો તર્ક કરે છે કે, હવે આ પ્રકારના માર્કેટિકરણનો વ્યાપ વધશે અને કોણ જાણે કયાં સુધી પહોંચશે! અમુક અભ્યાસીઓ તો એવું માને છે કે આવાં માર્કેટિકરણની જોડા જોડ અપેક્ષિત વાવાઝોડું પાંગરશે અને જોત જોતામાં તે પૂરેપૂરું ગોરંભાઇને ત્રાટકવાના આરે પહોંચી જશે !
ચાણકયની સલાહને અભેરાઇએ ચઢાવીને તે છાણે વિંછી ચઢાવવાની ચેષ્ટા કરશે!
માણસ તો ભાઇ માણસ છે અને એને જયારે ગર્વ તેમજ ધમંડનો નશો ચઢે છે ત્યારે એને વાવાઝોડાં પેદાં કરવાનું સૂઝે છે!એક જમાનામાં આપણી સંસ્કૃતિ અને સંસ્કાર ભોજનની થાળીથી માંડીને લગભગ બધી બાબતોમાં ભગવાનને સમર્પિત થવાની વિધિને અનુસરતા અને ભગવાનને ભાગ કાઢતા હતા. હવે સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમભાવ વગેરેમાં આ ભાવનાને લોપ થતો ગયો છે. બે હાથે ઘણું ઘણું ભેગું કરીએ છીએ. ભાગ પાડીએ છીએ. ઘરના, ઘર વખરીના, ગાય, ભેંસ, બકરીના ! પણ ભગવાનો ભાગ કાઢવાનું સ્મરણ નથી રહ્યું….
ધાર્મિકતા – ધાર્મિકતા નથી રહ્યા મહત્વનાં….!
વૃઘ્ધ માઁને ઝાંખી પડેલી આંખે સોયમાં દોરો પરોવવાનું સૂઝતું નથી.ને કોઇ પરોવી આપતું નથી. કરોડો લોકોને કાળઝાળ ભૂખ લાગે છે. એડવાડીયા પથ્થરોને ચાટવાનું કહો તો પણ ચાટે એવી કાળઝાળ આ ભૂખ છે! સૈકાઓના વાવાઝોડાંઓએ સંસ્કૃતિનાં અને સંસ્કારનાં છોતરાં સુઘ્ધાં કાઢી નાંખ્યા છે ત્યારે ઘણીવાર સાંભળીએ છીએ કે આપણો સદીઓ જૂનો રાષ્ટ્ર ગુણ અને સ્વભાવ આપણા દેશે અને આપણે બધાએ- માતૃભૂમિના સંતાનો તરીકે જાળવ્યા વિના નહિ ચાલે. જો એનો લોપ થઇ જશે તો આપણી કને જે કાંઇ અત્યંત મહત્વનું છે તે કશું જ નહિ રહે !
અહીં કદાચ એવો પ્રશ્ન ઉઠાવાય કે રાષ્ટ્રીય ગુણ કોને કહેવો ? અહિંસાને ? સત્યને ? દેશદાઝને ? ગૌ માતાની રક્ષાને ? નખ શીખ એકતાને? માનવ ગૌરવની ? દેવા-દેવીઓમાં અતૂટ શ્રઘ્ધાને ?
કમનશીબે આ બધું અત્યારે છે જ કયાં ?
અત્યારે તો પ્રાંતવાદે ને ભાષાવાદે માઝા મૂકી છે. એના છત્ર હેઠળ લોકો ઉત્તેજિત થઇને રાક્ષસ સમા બની રહ્યા છે. જાતિગ્રસ્તાએ દેશને અને સરકારોને તમામ મોરચે બૂરી રીતે પરાજિત કર્યાનો અજંપો ઠેર ઠેર વ્યકત થઇ રહ્યો છે અને એનાં ઉપર વ્હાઇટ-વોશની તરકીબો અત્યારે ગતિમાં છે.જે અતિ મુંઝવતા કોયડાઓ આપણે સતાવી રહ્યા છે તેને માટે કોઇ પાસે કોઇ સીધાસટ ઉકેલો હોવાનો ડોળ કરવો એ ધૃષ્ટતા ભર્યુ ગણાશે!
એક બાજુ આપણો દેશ વૈજ્ઞાનિક સિઘ્ધિઓ હાંસલ કરવા થનગને છે. બીજી બાજુ, ગરીબી વકરતાં વકરતાં બેકાબુ બનતી જાય છે. આમ તો વિકરાળ ગીરીબીનું મૂળ ભણતરની ઉણપમાં છે, ને ગ્રામિણ લોકોની અજ્ઞાનતામાં છે. લોકશાહીની બેહુદી ત્રૂટિઓમાં છે. કેટલાક સત્તાધીશોની અધમતામાં છે. કાયદાઓની છટકબારીઓમાં અને ચૂંટણી પ્રથાની અપવિત્રતામાં પણ છે. વિધાનગૃહો અને સંસદ ગૃહોમાં પ્રવર્તતી બેઇનામીમાં છે, જો આ બધું સો એ સો ટકા નિર્મૂળ નહિ થાય ત્યાં સુધી ગરીબી નિર્મૂળ નહિ થાય અને હાલની શાસન પ્રથામાં જબરા બદલાવની લાલચોળ બૂમ ઊઠયા વિના નહિ રહે !