“ચૂંટણી સમયે પોલીસની કાર્યવાહી ઉપર એક નહીં અનેક રડારો મંડાયેલા હોય છે, જેમ કે ખાતુ તો ખરૂ જ પણ ચૂંટણી કમિશન, પત્રકારો, રાજકીય પક્ષો વિગેરે ટાંપી ને જ બેઠા હોય છે કે પોલીસ ક્યાં પક્ષપાત કરે છે!”
પીઆઈ જયદેવ બાવીસ વર્ષ પહેલાના કચ્છના અનુભવો અને પંદરેક વર્ષ પહેલા એક પાસાના આરોપીને બાબરાથી ભૂજની જૂના જમાનાની ખાસ તેલમાં મૂકવા આવેલો તે યાદોને મનમાં મમળાવતો મોરબી માળીયા (મીયાણા)થી સુરજબારી પૂલ ઉપર થઈ કચ્છની ધરતી ઉપર પ્રવેશ્યો, ઉમંગથી સાંજના ભૂજ પહોચી ગયો.
જયદેવને ભૂજ પહોંચતા સમાચાર મળ્યા કે ગઈકાલે જ કચ્છ-ભૂજ જીલ્લાના પોલીસવડાની બદલી થતા તેમણે જતા જતા જે હાજર થયેલા પોલીસ અધિકારીઓ હતા તેમની નિમણુંકના હુકમ કરી દીધા હતા અને તે પછી નવા પોલીસવડાએ પણ ચાર્જ સંભાળી લીધો હતો.
જયદેવે નવા પોલીસ વડા સમક્ષ જિલ્લામાં હાજર થયાનો રીપોર્ટ આપ્યો તે સમયે વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ હોય પ્રચારના વિવિધ પ્રકારે દુદુંભી નગારા વાગી જ રહ્યા હતા, પણ સાથે સાથે નવરાત્રી ના તહેવારોનો બંદોબસ્ત પણ ચાલુ હતો તમામ નિમણુંકો તો થઈ ગઈ હોઈ જયદેવને હાલ તુરંત તો કંટ્રોલ રૂમમાં વૈતરૂ જ કરવાનું હતું જયદેવને નવરાત્રી પૂરતા રાત્રીનાં ગાંધીધામ બંદોબસ્ત કરવાનો અને દિવસે ભૂજ ખાતે સ્થાનિક ઈન્ટેલીજન્સ શાખામાં આમતો રેગ્યુલર પીઆઈતો હતા જ પરંતુ જયદેવનેતેનું વધારામાં સુપર વિઝનનું કામ સોંપ્યું આથી જયદેવે ભૂજના સરકારી ગેસ્ટ હાઉસ ઉમેદભુવનમાં મૂકામ કર્યો. આમેય આચારસંહિતામાં રાજકારણીઓ માટે સરકારી ગેસ્ટ હાઉસોમાં પ્રવેશબંધી થયેલ હોય છે.
નવરાત્રીને અંતે નવા પોલીસ વડા એ જીલ્લામાં થોડા ફેરફારો કરી જયદેવને ભૂજ શહેર પોલીસ સ્ટેશનમાં નિમણુંક આપી.
ભૂજ શહેર પોલીસ સ્ટેશન બીલ્ડીંગ સહિતની સરકારી કચેરીઓ કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં નાશ પામેલી તેથી હવે તમામ મકાનો નવા જ બનેલા હતા ભૂજ શહેર પોલીસ સ્ટેશન ભૂજની મુખ્ય ઓળખ એવા હમિરસર તળાવનાં કાંઠે ધીગેશ્ર્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલું છે તો સામે જ સ્વામીનારાયણ સંપ્રદાયના નવા મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ હતુ, વિસર્જન પછી ફરી પાછુ નવ સર્જન ચાલતુ જ રહે તે કુદરતી નિયમ પ્રમાણે.
સિંહની બોડમાં પ્રવેશ
ભૂજ શહેર પોલીસ સ્ટેશનમાં હાજર થઈને જયદેવને સીધા જ ચૂંટણી કાર્યવાહીમાં જ ઝંપલાવવાનું હતુ, હજુ શહેરની ભુગોળ, ઈતિહાસ અને કર્મચારીઓથી પણ વાકેફ થવાનું બાકી હતુ. પરંતુ ચૂંટણી એટલે તો લોકશાહીની ખૂબજ અગત્યની અને સમય મર્યાદાની કાર્યવાહી છે વળી પોલીસ વડા પણ અતિ સંવેદનશીલ અને ઝીણી ઝીણી બાબતોમાં પણ ચીકાસ કરવા વાળા એટલે સહજ રીતે પોલીસે પણ ‘યથા રાજા તથા પ્રજા’ માફક સામાન્ય કામ પણ ચીકાશથી અને ખૂબ ગંભીરતાથી લઈને કરવું પડે ! જો કે આ પધ્ધતિએ કામ કરતા કયારેક ‘કીડીને કોશનો ડામ’ જેવું પણ થઈ જતુ હોય છે. પણ તેનો કોઈ વિકલ્પ નથી આવું ‘કાચુ કપાવા’નું ખાસ તો નવા અજાણ્યા પણાને કારણે, સમય મર્યાદા અને ઉતાવળને કારણે, જથ્થાબંધ કામગીરી એકી સાથે જેવી કે રૂટીન તપાસો, અટકાયતી પગલાઓ, સતત ચૂંટણી સભાઓનાં બંદોબસ્ત, મતદાન મથકોની બંદોબસ્ત વ્યવસ્થા, બહારગામથી બંદોબસ્તમાં આવેલ પેરામીલ્ટ્રીફોર્સ, હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના જવાનોને રહેવા કરાવવાની કરવી પડતી વ્યવસ્થાના કારણોસર પણ બનતું હોય છે છતા લાંબા અનુભવે જયદેવ જો કયાંક કોઈકથી કાચુ કપાઈ ગયું હોય તો તેનો વ્યવહારિક નીવેડો લાવવાનું શીખી ગયો હતો.
સતત બંદોબસ્ત અને આવી કામગીરીઓ વળી ભૂજ સમગ્ર કચ્છનું મુખ્ય મથક અને બાજુમાં જ પોલીસ વડાની કચેરી પછી બાકી શું રહે ? તમામ આદેશો ટેલીફોનથી જ ! અધૂરામાં પૂરૂ ચૂંટણી સમયે પોલીસની કાર્યવાહી ઉપર તો એક નહિ અનેક રડારોતકાયેલા જ હોય છે. જેમકે ચૂંટણી કમિશનતો હોય જ પણ પત્રકારો અને રાજકીય પક્ષો, તેમાય વિપક્ષ તો ખાસ ચકોર દ્રષ્ટિથી પોલીસ ઉપર નજર નાખીને ટાંપીને જ બેઠા હોય છે કે પોલીસ દળ કેટલા અંશે વહાલા દવલા કરીને કાર્યવાહી કરે છે !
આવામાં ભૂજ શહેરમાં સતાધારી રાષ્ટ્રવાદી પાર્ટીના રાષ્ટ્રિય પ્રમુખની જાહેર ચૂંટણી સભાનું આયોજન થયું. કચ્છ અને રાજયના અન્ય શહેરોમાં પ્રવચનને અંતે રાત્રે ના નવ વાગ્યે છેલ્લુ પ્રવચન ભૂજમાં કરવાના હતા એ સહજ છે. કે આખો દિવસ જુદા જુદા શહેરોમાં કાર્યક્રમો કરીને ભૂજ આવતા વિલંબ થાય જ જો વિલંબ થાય તો રાત્રીનાં દસ વાગ્યાથી તો ચૂંટણી આચારસંહિતા મુજબ માઈકના ભૂંગળા બંધ કરવા જ પડે. પરંતુ આતો રાજયની સતાધારી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ તેથી તેઓ સમર્થ કો નહિ દોષ ગૂંસાઈ માફક બીન્દાસ જ હોય પણ રાત્રીનાં દસ વાગ્યે આચાર સંહિતાનો અમલ કરાવનાર એજન્સી પોલીસ માટે તો આ અમલ કરાવવો તે કામ સિંહની બોડમાં પ્રવેશવા જેવું કપરૂ ગણાય તે સહજ હતું. ભૂજમાં ડી સ્ટાફના માર્શલ જવાન ધર્મેન્દ્રને ઉપર જણાવેલ ત્રણ રડારો પૈકી કોઈ પત્રકાર કે રાજકીય કાર્યકરે કહેલ કે તમારા પીઆઈ સાહેબ (જયદેવ) ખૂબજ કડક છે. અને ચૂંટણી આચાર સંહિતામાં તો જરા પણ બાંધછોડ કરતા નથી પણ આજે તો મોટુ માથુ છે. અને ત્રણે રડારો આ સભા મંચ ઉપર જ મંડરાયા હશે વળી અધૂરામા પૂરૂ ટાઈમર સાથે ઓડીયો, વિડિયો લાઈવ શુટીંગ રેકોર્ડીંગ પણ ચાલુ હશે. શું કરશે? ધર્મેન્દ્રએ આ વાત જયદેવને કરી જયદેવને થયું વાત તો સાચી આતો સતાધારી પાર્ટી તેમને સલાહ દેવા જવાય ? માનો કે કહ્યું તો અમલ કેટલોક કરે? પેલી કહેવત મુજબ સિંહને કોણ કહેવા જાય કે તારૂ મોઢુ ગંધાય વળી આચારસંહિતાનો ભંગ થાય તો શ્રી સરકાર તરફે તે અંગેનો ગુન્હો દાખલ કરવો પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવું કપરૂ કામ હતુ તેમ છતા જો ગુન્હો દાખલ કર્યો તો પછી તપાસની કાર્યવાહી કરવી મુશ્કેલી વાળી વાત હતી આચારસંહિતામાં તો પોલીસ દળ સમગ્રતયા ચૂંટણી કમિશનના તાબામાં જ હોઈ, જો કોઈ ચૂક થાય તો સીધી જ ફરજ મોકૂફી ! આ લોકશાહીની પવિત્ર પ્રક્રિયા હોવા છતાં તે કડવું દાતણ આપવાનું કામ (લોકોની દ્રષ્ટિએ રાજકારણીઓની આંખે થવાનું કામો તો પોલીસ દળે જ કરવાનું હતુ આથી પોલીસ દળની હાલત પેલી કહેવત મુજબ સાપે છછુંદર ગળ્યા મુજબની બને ખાય જાય તો મરી જાય કાઢી નાખે તો આંધળો થાય તેમ કાર્યવાહી ન કરે તો ચૂંંટણી કમિશન પાડી દે અને કાર્યવાહી કરે તો સતાધારીઓ દાઢમાં રાખે.
જયદેવે વિચાર્યું કે એવો રસ્તો કાઢવો છે કે ‘સાપ મરી જાય અને લાકડી પણ ભાગે નહિ’ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અનુમાન મુજબ જ મોડા હતા સભા સ્થળે બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો સભા પણ ચાલુ થઈ ગઈ હતી પક્ષના જિલ્લા કક્ષાના હોદેદારો આક્રમકતાથી પ્રવચનો ઝીંકયે જતા હતા. પરંતુ મુખ્ય વકતા એવા પક્ષના રાષ્ટ્રિય પ્રમુખે રાત્રીનાં દસ વાગવામાં પાંચેક મીનીટ બાકી હતી અને સભા મંચ ઉપર પ્રવેશ કર્યો થોડીઘણી ફોર્માલીટી ને અંતે તેમણે સમય મર્યાદાને ધ્યાને લઈ ને સીધું જ માઈકનું સ્પીકર હાથમા લીધું અને શ્રોતાગણની તે સભામાં વિલંબથી આવવા બદલ માફી માગી પ્રવચન ચાલુ કર્યું અને ત્યાંજ ઘડીયાળમાં દસ વાગી ગયા.
ઓબ્ઝર્વરના અને સમાચાર પત્રોના કેમેરા મેનો દોડાદોડી કરી આડા અવળા વાંકા ચૂકા વળીને લળી લળીને વિડીયો રેકોર્ડીંગ ફોટોગ્રાફી કરી રહ્યા હતા ચૂંટણી આચાર સંહિતા પ્રમાણે દસ વાગી જવા છતા વકતાએ સમયની અનદેખી કરી પ્રવચન ચાલુ જ રાખ્યું પત્રકારો તથા અમૂક લોકોની નજર હવે જયદેવ ઉપર મંડરાયેલી હતી. જોકે તમામ રાજકારણીઓ આમ અજાણ્યા થઈ ને પંદર વિસ મીનીટ ખેંચી જ કાઢતા હોય છે. પાછળથી હરીફ પક્ષો કાગારોળ કરતા હોય છે. દસ વાગી ને વધારે ત્રણેક મીનીટ ઉપર જતા જયદેવે મંચ તરફ હાથ ઉંચો કરી ઈશારો કર્યો પણ તેનો કોઈ પ્રતિભાવ ન મળ્યો આથી જયદેવે જાતે જ માઈક ઓપરેટર પાસે ના સ્વીચ બોર્ડ ઉપરની માઈકની સ્વીચ બંધ કરી દીધી અને સન્નાટા સાથે શાંતી થઈ ગઈ અવાજ સાવ બંધ થઈ ગયો. આથી વકતા સમજી ગયા અને જનતાનો આભાર માનવા માટે બંને હાથ ઉંચા કરી જોડીને પ્રણામ મુદ્રા ધારણ કરી દીધી. આ તાશિરો જોવા માટે અનેક ખટપટીયા ત્યાં એક યા બીજા સ્વરૂપે હાજર હતા. ખાસ તો એ જોવા કે પોલીસ કાંઈ ચલાવી લે તો પાછળથી ઉપર માછલા ધોવાનો મશાલો મળે ભવિષ્યે પોલીસ અધિકારીને બ્લેક મેઈલ કરવાનું હથીયાર મળે વિગેરે આશયથી ત્યાં હતા તેઓ નીરાશ તો થયા પણ નવાઈ પણ પામ્યા કે પોલીસની આ હિંમત ? જયદેવે સભા સ્થળે બંદોબસ્તમાં આવીને સૌ પ્રથમ માઈકના ઓપરેટર, તેનું સ્વીચ બોર્ડ કયાં છે તે જોઈ લીધું હતુ અને સ્વીચ બોર્ડમાં માઈકની મુખ્ય સ્વીચ કઈ છે તે જોઈ લીધું હતુ કેમકે આ કામતો તેને જાતે જ કરવું પડે તેમ હતુ.
ભૂજ મતદાને જંગ !
આખરે મતદાનનો દિવસ આવી ગયો. ચૂંટણી કમીશનના આદેશો મુજબ જડબે સલાક બંદોબસ્ત ગોઠવાયેલો હતો ત્યારે ઈવીએમ મશીનો આવી ગયેલા તેથી બીજી કાંઈ તો ગોલમાલ થાય તેમ નહતુ તેમ છતા જેમ વાંદરો ઘરડો થાય છતા ગુલાંટ મારવાનું ભૂલે નહિ તેમ અમુક ધંધાદારી કાર્યકર્તાઓ ગમે તેવા સંજોગોમાં પણ સખણા રહે જ નહિ ભૂજનો કેમ્પ વિસ્તાર સંવેદનશીલ તો હતો પરંતુ એક ભૂતપૂર્વ નગરપાલીકાના સદસ્ય (માજી)તાજેતરમાં જ સતાધારી પાર્ટીમાં ભળેલા તેઓ જેમ નવો થતો ભુવો વધારે ઘૂણે તે રીતે તેઓ પોતાની તાકાત અને અવળી આવડતથી તેમના પક્ષના ઉમેદવારને દર્શાવી દેવા માગતા હતા તેમણે નાના મોટા નાટકો કેમ્પ વિસ્તારના બુથ આગળ કરવા માંડયા.
સામાન્ય રીતે અમુક રાજકીય પક્ષો એવી મુત્સદીગીરી કરતા હોય છે. કે જે વિસ્તારમાં પોતાનું વોટીંગ ઓછુ કે નહિવત હોય ત્યાં ગમે તે બબાલ ઉભી કરી જનતામાં ભયનો માહોલ ઉભો કરી મતદાન જ ઓછુ થાય સીધા સરળ અને સજજન નાગરીકો સામાન્ય રીતે આવી બબાલના સમયે મત આપવા જવાનું ટાળતા હોય છે. આવો ભયનો માહોલ ઉભો કરવા માટે આવા બોહુબલી કાર્યકર્તાઓ એવા કારનામા,નાટકો કરતા હોય છે કે સરવાળે તેમના પક્ષને ફાયદો થાય. સામાન્ય રીતે આવા ધંધાદારી બાહુબલી કાર્યકરો મતદાન એજન્ટોની બાબતેથી જ બબાલની શરૂઆત કરતા હોય છે. બાહુબલી એજન્ટો વારંવાર બુથમાંથી બહાર આવી વિક્ષેપ પાડે વળી લાઈનમાં ઉભેલા મતદારો સાથે વાતો કરી પ્રભાવ પાડવા નીકોશિષ કરે, બુથ બહાર પણ મકાનનાં કંપાઉન્ડમાં જ બીડીઓ પીવા, ચાપાણી માટે ટોળે ટળીને ઉભા રહી મતદાન કરી નીકળેલ મતદારોને રોકી રાખી પોતાની અસર ઉભી કરતા હોય છે. જો પોલીસ શરૂઆતથી જ આવા તત્વોને કાબુમાં ન રાખે તો પૂરી અવ્યવસ્થા સર્જતા હોય છે. તો કયારેક મતદારની ઓળખ માટે પણ આ એજન્ટો ડખ્ખા કરતા હતા આથી જ આવા સંવેદનશીલ મથકો ઉપર રાજકીય પક્ષો શોધી શોધીને બાહુબલી એજન્ટોની નીમણુંક કરતા આથી શરૂઆતથી જ તાકાતનો મુકબલો યોજાય તેવી ગોઠવણો થતી હોય જે આખરે તો પોલીસ દળ માટે જ ઉપાધી હોય છે. કેમકે સામાન્ય રીતે મતદાન દરમ્યાનની બાહુબલીઓની હરકતોને પ્રિસાઈડીંગ અધિકારીથી લઈ કોઈ સિવીલીઅન સ્ટાફ કાંઈ કહી શકતા નથી અને પોલીસને મતદાન મથકમાં જવાનું નથી હોતુ તેથી બાહુબલીઓ ને મોજ પડી જાય તે સહજ છે.
જો બાહુબલીઓને ડખ્ખા કે બબાલ માટે બીજુ કોઈ કારણ ન મળે તો બંદોબસ્તના ફરજ ના પોલીસ જવાનો ઉપર ખોટા આક્ષેપો પોલીસ પક્ષાપક્ષી કરે છે વિગેરે કરી દેકારો કરી દેતા મતદારોમાં ભય પ્રસરી જતો હોય છે. આવા સંજાગેમાં જો પોલીસ જવાનોએ શરૂઆતથી કડકાઈથી વ્યવસ્થા રાખી ન હોય તો ધીરે ધીરે મોટી સંખ્યામાં એકઠા થઈ જેમ સામટે કાગડે ધુવડ ધેરાઈ જાય તેમ પોલીસ જવાનો ને ઘેરી લેતા હોય છે.
ભૂજનો કેમ્પ વિસ્તાર કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ અને તે રીતે કાયદો અને વ્યવસ્થા માટે પણ સંવેદનશીલ હતો જ. આ કેમ્પ વિસ્તારના એક મતદાન મથક ઉપર એવું બન્યું એક નવાસવા અજાણ્યા ફોજદાર જરા વધુ પડતા માનવતા વાદી હતા તેને ગુનેગાર રાજકારણીઓ ઓળખી ગયા કે આ તો ઢીલારામ લાગે છે આથી આ બાહુબલીઓએ પોતાના ભાડુતી ટટુઓથી ફોજદાર અને તેની સાથે ના એક જવાને ઘેરી લીધા આથી મતદાન મથક સહિત આજુબાજુના વિસ્તારમાં નાસભાગ થઈ ગઈ. પરંતુ કોઈકે મોબાઈલ ફોનથી સીધીજ આ બનાવની જાણ જયદેવને કરી દીધી આમ તો જયદેવ મગજ ઉપર ખૂબ સંયમ રાખતો પરંતુ જયારે પોલીસના મનોબળ ઉપર કોઈ ઘા કરે કે બેઈજજત કરે તો તેનું મગજ ફાટફાટ થતુ આથી જયદેવે તેના સક્ષમ જવાનોને જીપમાં બેસાડીને પૂર ઝડપે કેમ્પ વિસ્તારમાં દોડયો જીપમાંથી મોબાઈલ ફોનથી ઉચ્ચ અધિકારીઓને બનાવ બાબતે જાણ કરી અને પોતે આક્રમકતાથી કામ લઈ મતદાન ચાલુ રખાવશે તેમ જણાવ્યું પોલીસ વડા આથી ખૂશ થયા એવું જણાતું હતુ કે, પછી તેમને ઈતેજારી લાગતી હતી કે હવે શું થાય છે. (કૌન કૌન કીતને પાનીમેં!)
કેમ્પ વિસ્તારનું આ મતદાન મથક એક ચોકમાં શાળાના મકાનમાં આવેલું હતુ જયાં આવતા જયદેવે જોયું કે લોકોના મોટા ટોળાએ એકઠા થઈને ફોજદાર તથા જવાનને ઘેરી લીધા હતા. જયદેવે તેની ફોજ સાથે નીચે ઉતરીને પુરી તાકાતથી લાઠીઓ સાથે આક્રમણ કર્યું ઘડીના છઠ્ઠાભાગમાં ટોળુ તીતરભીતર થઈ ગયું સુમસામ શાંતિ પથરાઈ ગઈ બુટ ચપલો, મોટર સાયકલો પડયા રહ્યાં જયદેવ અને તેના જવાનો પેલા ચૌદસીયા કાર્યકરનું ઘર બાજુમાં જ હતુ ત્યાં ગયા પણ તે પોલીસની ગરમી જોઈને ઘરના દરવાજા અંદરથી જ બંધ કરી બેસી ગયો હતો.
જયદેવે નકકી કર્યું કે મતદાન અટકવું જોઈએ નહી આથી તે ચોકમાં પાછો આવ્યો ત્યાં ચોકમાંની એક દુકાનમાંથી ઉમેદવાર મહોદય બહાર નીકળ્યા અને જયદેવને મળીને ભેટી પડયા અને બોલ્યા ‘મારા સાવજ, આમ જ હોવું જોઈએ !’ અને વધુમાં કહ્યું કે આજનો દિવસ જાળવી જાવ આવતી કાલથી અમે તમને આ રીતે કામ કરવામાં મદદ કરીશું આમ તેમણે કેસેટ તુરત ફેરવી નાખી ! જયદેવે કહ્યું અમારે કોઈ મદદની જરૂર નથી ફકત કાયદેસરની કાર્યવાહીમાં ખોટી રીતે વચ્ચે નડે નહિ તો પણ ઘણું છે. જયદેવ ચોકમાં પડેલા અમુક છાપેલા કાટલા જેવા વ્યકિતઓના મોટર સાયકલો મોટર વ્હીકલ એકટ મુજબ ડીટેઈન કર્યા અને જણાવ્યું કે હવે જો કોઈ બબાલ થઈ તો આના માલીકો સહિત સંબંધીતોને જેલમાં અંદર કરી દેવાના છે. આટલુ બહુ થઈ ગયું જે ઘરોમાં ઘુંસ્યા હતા તેઓ સાંજ સુધી ઘરની બહાર નીકળ્યા જ નહિ અને મતદાન શાંતિથી પૂરૂ થયું રાષ્ટ્રિય ઉત્સવ તે પછી શાંતીથી ઉજવાઈ ને પૂરો થયો ! (ક્રમશ:)