હવામાં તીર મારવા જેવી આડેધડ જાહેરાતો તો થાય છે, પણ હવે આ જાહેરાતો અંગેની વ્યવહારૂ માહિતી પણ પ્રજાને આપવા ચૂંટણી પંચની રાજકીય પક્ષોને સૂચના

ચૂંટણી પંચે રાજકીય પક્ષોના ઢંઢેરાને વધુ તર્કસંગત અને વ્યવહારુ બનાવવા માટે તમામ પક્ષોને પત્ર લખ્યો છે.  એવું કહેવામાં આવ્યું છે કે સામાન્ય ચૂંટણીમાં, તમામ રાજકીય પક્ષોએ તેમના મેનિફેસ્ટોમાં યોજનાઓ પર ખર્ચ અને તેના માટે આવક મેળવવાની યોજના વિશે જણાવવું પડશે. આમ હવે  માત્ર જાહેરાતો કરવાથી કામ નહીં ચાલે. ચૂંટણી પંચે કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરાને વધુ તાર્કિક, વ્યવહારુ અને જમીની હકીકત ઉપર લાવવા માટે સક્ષમ બનાવવો જોઈએ.  પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ઢંઢેરો વધુ વાસ્તવિક અને વ્યવહારુ હોવો જોઈએ.  માત્ર હવામાં વાતો ન થવી જોઈએ. એટલે કે, ઘોષણા નાણાં પંચ, ભારતીય રિઝર્વ બેંક, એફઆરબીએમ, સીએજી વગેરેની માર્ગદર્શિકા પર આધારિત હોવી જોઈએ.

આયોગે ઘણી જગ્યાએ આદર્શ આચારસંહિતામાં ફેરફાર કર્યા છે.  તેથી કલમ-3 અને કલમ-8એમની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  આ મુજબ, ચૂંટણી ઢંઢેરામાં તેમની યોજનાઓ વિશે જણાવવાની સાથે રાજકીય પક્ષોએ એ પણ જણાવવું પડશે કે યોજનાઓના સફળ અને વ્યવહારિક સંચાલન માટે આવક એટલે કે નાણાં કેવી રીતે આવશે?

સાથે જ મફતની રેવડીનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.  તેને બંધારણીય પાસાનો મામલો ગણીને બે જજની બેન્ચે તેને વિચારણા માટે મોટી બેંચ પાસે લઈ જવાની ભલામણ કરી છે.  સુપ્રીમ કોર્ટમાં અશ્વિની ઉપાધ્યાયની પીઆઈએલની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે પોતાને પક્ષ ન બનાવવાની વિનંતી કરી હતી.  પરંતુ હવે આ પગલાં લઈને આયોગે પોતાનો કડક ઈરાદો દર્શાવ્યો છે.

પ્રજા ભ્રમિત ન થાય તે પ્રકારે જમીની વાસ્તવિકતા રજૂ કરવી પડશે

સરકાર બન્યા પછી કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કર, વધારાનો ટેક્સ, ખર્ચમાં કાપ, ક્યાંકથી કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી લોન લઈને પૈસા ઊભા થશે, આ બધું જનતાને જણાવવું પડશે.  એટલે કે હવે ઢંઢેરાના નામે જનતાને ભ્રમિત કરી શકાય નહીં.

રાજકીય પક્ષો અને પ્રજા વચ્ચે પારદર્શિતા વધારવા પંચનો પ્રયાસ

કમિશનના મતે આ કવાયતથી જનતા અને રાજકીય પક્ષો વચ્ચે પારદર્શિતા વધશે.  જો રાજકીય પક્ષો આ દિશામાં ગંભીરતાથી વિચારે તો સામાન્ય મતદાર માટે પોતાનું મન બનાવવું સરળ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.