શહેર મહામંત્રી, યુવા મોરચા જીલ્લા પ્રમુખ, મહિલા મોરચા પ્રમુખ, મહામંત્રી સહિત અંદાજે 100થી વધુ હોદેદારોએ આપ્યા સામુહિક રાજીનામા
અબતક,સબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા રાજીનામા ધરી દેવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા 100થી પણ વધુ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા રાજીનામા ધરી દેવામાં આવ્યા છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે.
ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજા મોરચા તરીકે અને ત્રીજી રાજકીય પાર્ટી તરીકે સારું એવું પ્રદર્શન નોંધાવનાર અને લોકોના પ્રશ્નોને સતત વાચા આપનાર અને જનહિતના કાર્યોમાં સતત જોડાનાર આમ આદમી પાર્ટી જિલ્લામાં કાર્યરત થઈ છે તેવા સંજોગોમાં વિરોધ પક્ષ તરીકે સારી કામગીરી આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને લોકોનો વિશ્વાસ મળ્યો છે અને 1700 થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને મત આપ્યા છે જોકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ની હાર થઈ જવા પામી હતી પરંતુ લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે.તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ કાર્યાલય ઉપર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દીપકભાઈ અને આમ આદમી પાર્ટીમાં બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કમલેશભાઈ કોટેચા ભાજપ કાર્યાલય ઉપર ચૂંટણી દરમિયાન બે કલાક જેટલા સમય ગાળો વિતાવ્યા હોય અને પક્ષ વિરોધી કૃત્યો કર્યો હોય તેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સંગઠનના હોદ્દેદારો માં રોષ જોવા મળ્યો છે.
તેવા સંજોગોમાં બંને આમ આદમી પાર્ટીના હોદેદારોને પોતાના હોદ્દા ઉપરથી દૂર કરવાની માંગણી સાથે સો જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધા છે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેશભાઈ બજરંગ રાજીનામા આપી દેવામાં આવ્યા છે. જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે કારણકે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત લોકોની વહારે આવેલી ત્રીજા પક્ષ તરીકે ટૂંક જ સમયમાં સારું એવું કામકાજ કરી રહેલી આમ આદમી પાર્ટીમાં રાજકીય ભૂકંપ સર્જાતા ચકચાર મચી જવા પામ્યો છે.ત્યારે આગામી દિવસોમાં હાઈ કમાન્ડ દ્વારા આ બાબતે નિર્ણય કરી યોગ્યતા કરવા માટે આમ આદમી પાર્ટીના સો જેટલા કાર્યકર્તાઓ હોદ્દેદારો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે.