રાષ્ટ્રીય પોલીયો અભિયાન અંતર્ગત મહાપાલિકા દ્વારા ઉભા કરાયા ૬૮૯ બૂથ ૧૧ થી ૧૩ માર્ચ દરમિયફભાન ઘેર ઘેર જઈ બાળકોને પોલીયોના ટીપા અપાશે
રાષ્ટ્રીય પોલીયો અભિયાન અંતર્ગત રાજકોટ મહાપાલીકાની આરોગ્ય શાખા દ્વારા આગામી ૧૦ માર્ચ અર્થાત રવિવારના રોજ શહેરમાં જન્મથી લઈ ૫ વર્ષ સુધીનો ૧.૮૬ લાખ થી પણ વધારે બાળકોને પોલીયોના ટીપાં પીવડાવામાં આવશે આ માટે શહેરમાં અલગ અલગ ૬૮૯ બુથ બનાવવામાં આવ્યા હોવાનું આરોગ્ય સમિતીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે , રાષ્ટ્રીય પોલીયો અભિયાન અંતર્ગત મહાપાલીકા દ્વારા ૬૮૯ બુથ પરથી ૫ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીપા પીવડાવામાં આવશે. આ માટે ૨૭ સીનીયર સુપરવાઈઝર, ૧૬૯ સુપરવાઈઝર, ૧૫૦ આરોગ્ય કાર્યકરો, ૬૫૪ આંગણવાડી વર્કર અને હેલ્પર, ૩૨૦ અર્બન આશા, ૧૦૪ મેલેરીયા કર્મચારી અને નર્સિંગ હોમોયોપેથી સ્ટુન્ડન્ટ તથા એસઆઈ સહિત કુલ ૧૨૦૦ કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે. બહારગામથી આવતા કે જતા વાલીઓના બાળકો ને પણ પોલીયોના ટીપા પીવાથી વંચિત ન રહે તે માટે એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જાહેર ધાર્મિક સ્થળો, લગ્ન હોલ કે વાડીની નજીક બુથ ઉભા કરવામાં આવ્યા છે. રવિવારે પોલીયો અભિયાન પૂર્ણ થયા બાદ એક પણ બાળક પોલીયોના ટીપા પીવાથી વંચિત ન રહે તે માટે મહાપાલીકાના કર્મચારીઓ ૧૧ થી ૧૩ માર્ચ દરમ્યાન ઘેર ઘેર જઈ બાળકોને પોલીયોના ટીપા પીવડાવશે. બાળક ભવિષ્યમાં પોલીયોથી સુરક્ષીત રહે તે માટે દરેક વાલીને જન્મથી લઈ પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતીના ચેરમેન જયમીન ભાઈ ઠાકરે અપીલ કરી છે.