- રાજકોટ શહેર પોલીસે એક જ દિવસમાં 26 જેટલાં દરોડા પાડી પાંચ મહિલા સહીત 26 બુટલેગરોની ધરપકડ કરી
લોકસભા ચૂંટણી અનુસંધાને પોલીસ દ્વારા કડક ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતા હાલ રાજકોટ શહેરમાં મહદઅંશે દારૂ-જુગારની બદ્દી ડામવામાં પોલીસને સફળતા મળી હોય તે પ્રકારના અહેવાલ સામે આવ્યા છે. હાલ શહેરના એવા વિસ્તારો કે જ્યાં બારેય માસ દારૂની નદીઓ વહેતી હોય તેવા વિસ્તારોમાં પણ દારૂ મળવો મુશ્કેલ બની ગયો હોય તેવી માહિતી સામે આવી છે.
આમ તો રાજ્યમાં દારૂબંદી છે પરંતુ પોલીસની નાક નીચે બેફામ દારૂનું વેચાણ થતું હોય તેવા અનેક દાખલા છાસવારે સામે આવતા હોય છે. તેવા સમયમાં અંગ્રેજી દારૂનું વેચાણ કરતા બુટલેગરો પર પોલીસની ધોસ બોલતા અને ઠેર ઠેર ચેકીંગ સહીતની કાર્યવાહીએ શહેરમાં દારૂની બદી મહદઅંશે ડામી દીધી છે. પ્રાપ્ત વિગત અનુસાર હાલની સાંપ્રત પરિસ્થિતિમાં લોકસભા ચૂંટણી અન્વયે પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભા કરી સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી દેવામાં આવી છે. શહેર અને જિલ્લાઓના પ્રવેશદ્વારા સમાન નાકાઓ પર પોલીસે ચેક પોસ્ટ ઉભી કરી ચેકીંગ આરંભી દેતા બુટલેગરો માટે દારૂનો જથ્થો ઘુસાડવો પડકારરૂપ સાબિત થઇ રહ્યો છે. જેના પરિણામે હાલ શહેરના મોટાભાગના બુટલેગરો ’રજા’ પાળી રહ્યા હોય તેવા અહેવાલ સામે આવ્યા છે.
જે બુટલેગરો અગાઉ પેટીના સોદા પાડતા હતા હાલ તે બુટલેગરો રજા ઉપર ઉતરી જવા મજબુર બન્યા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ઉપરથી ’માલ’ જ આવતો ન હોય બુટલેગરો સાવ નવરાં થઇ જતાં રાજકોટ ધીમે ધીમે ડ્રાય સીટી બનવા તરફ ધપી રહ્યું છે. બીજી બાજુ શહેરમાં ગત રોજ અલગ અલગ વિસ્તારોમાં કુલ 26 જેટલી દારૂની રેઇડ કરવામાં આવી છે. જેમાં 5 મહિલા સહીત કુલ 26 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર કુવાડવા પોલીસે 3, એરપોર્ટ પોલીસે 3, ભક્તિનગર પોલોસે 1, એ ડિવિઝન પોલીસે 3, પ્રનગર પોલીસે 5, માલવિયાનગર પોલીસે 4, થોરાળા પોલીસે 1, ગાંધીગ્રામ પોલીસે 2, યુનિવર્સીટી પોલીસે 3, બી ડિવિઝન પોલીસે 2, તાલુકા પોલીસે 3 રેઇડ કરીને કુલ 26 દેશી અને વિદેશી દારૂના બુટલેગરોની ધરપકડ કરી છે.
ફકત લોકસભા કે અન્ય કોઈ ચૂંટણી જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ આ પ્રકારે જ ચેકીંગ અને દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તો દારૂ સહિતના દુષણને જડમૂળથી હટાવી શકાય છે. જો કે, કમનસીબે આ પ્રકારની કાર્યવાહી સામાન્ય દિવસોમાં થઇ શકતી નથી.
એ ,રજા હો… બુટલેગરોનો એક જ જવાબ
હાલ જે રીતે પોલીસની કાર્યવાહી શરૂ થઇ છે જેના પરિણામે ઉપરથી જ દારૂનો જથ્થો ઘુસાડી શકાતો ન હોય પરિણામે છૂટક વેચાણ કરતા બુટલેગરો હાલ રજા ઉપર ઉતરી જવા મજબૂર થયાં છે. જેના પરિણામે હાલ કોઈ પ્યાસી જો ફોન કરે તો બુટલેગરોનો એક જ જવાબ હોય છે, ’એ રજા હો….’