ઘર પાસે ખુરશીમાં બેસવા બાબતે સરાજાહેર છરીના ઘા ઝીંકી પત્ની બાદ પતિનું ઢીમ ઢાળી દીધુ ’તુ
કોર્ટે મૃતક ભુપતભાઇના સાળા સહિત નજર જોનાર સાહેદોની જુબાની અને સાંયોગિક પુરાવા ધ્યાને લઇ સજા ફટકારી
શહેરના જામનગર રોડ પર આવેલા બજરંગવાડી નજીક પુનિતનગરમાં બી ડિવિઝન પોલીસ મથકના પોલીસમેન કમલેશ ઉર્ફે લાલો રમેશભાઇ મહેતાએ છ વર્ષ પહેલાં પાડોશી વિપ્ર દંપત્તીની સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી કરેલી કરપીણ હત્યાના કેસની પાંચમાં અધિક સેશન્સ જજ ડી.ડી.ઠકકરની કોર્ટમાં સુનાવણી પુરી થતા પોલીસમેનને અદાલતે દોષિત જાહેર કરી ૨૫ વર્ષની સજાનો હુકમ કર્યો છે.
પોલીસબેડામાં ચકચાર જગાડતા આ કેસની પ્રાપ્ત વિગત મુજબ પુનિતનગરમાં રહેતા અને આઇઓસીમાં ફરજ બજાવતા ભૂપતભાઇ વિઠ્ઠલભાઇ તેરૈયા અને તેમના પત્ની ગુણવંતીબેન ભૂપતભાઇ તેરૈયાની ગત તા.૭-૪-૧૪ના રોજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કમલેશ ઉર્ફે લાલો રમેશભાઇ મહેતાએ છરીના ઘા ઝીંકી તેના પુત્ર સુધીરની હત્યા માટે છરી સાથે પુનિતનગરમાંથી નીકળી શોધખોળ કરતો હોવાની ગાંધીગ્રામ પોલીસમાં કિરણભાઇ મંડીરે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે કમલેશ ઉર્ફે લાલો ન પકડાય ત્યાં સુધી મૃતક દંપત્તીના પુત્ર સુધિર તેરૈયાને ગાંધીગ્રામ પોલીસ મથકે પોલીસના રક્ષણ હેઠળ બેસાડવામાં આવ્યા હતા. તે દરમિયાન એસઓજી પી.આઇ. ડી.વી.બસીયા સહિતના સ્ટાફે પોલીસમેન કમલેશ ઉર્ફે લાલાની ધરપકડ કરી હતી.
કમલેશ ઉર્ફે લાલાની પૂછપરછ દરમિયાન ભૂપતભાઇ તેરૈયા તેમના પાડોશમાં રહેતા હોય અને તેઓ તેમના ફળીયામાં ખુરશી નાખીને બેસતા હોય તે પોતાના તેમજ પોતાની માતાને પસંદ ન હોવાથી અવાર નવાર ઝઘડો થતો હતો ગત તા.૭-૪-૧૪ના રોજ બંને પાડોશી પરિવાર વચ્ચે બોલાચાલીની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકેથી યુનિફોર્મમાં કમલેશ ઉર્ફે લાલો પુનિતનગરમાં દોડી આવ્યો હતો. અને ભૂપતભાઇ તેરૈયા પર છરીથી હુમલો કરતા તેઓને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની ગુણવંતીબેનને છરી ઝીંકી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા ભૂપતભાઇ અને તેમના પત્ની ગુણવંતીબેનનું મોત થતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. લોહીવાળી છરી સાથે ઘટના સ્થળે મૃતક ભૂપતભાઇ તેરૈયાનો પુત્ર સુધીર કયાં છે તેની પણ હત્યા કરવી છે. તેવું બોલતા પોલીસે સુધિર તેરૈયાની ગાંધીગ્રામ પોલીસ મથકે લાવી બેસાડી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસમેન કમલેશ ઉર્ફે લાલાએ કરેલી ડબલ હત્યાના કેસની અધિક સેશન્સ જજ ડી.ડી.ઠક્કરની કોર્ટમાં સુનાવણી પુરી થતા તકસીરવાન ઠરવ્યા હતા.
સ્પેશિયલ પીપી રૂપરાજસિંહ પરમારે અદાલતમાં રજૂઆત કરી હતી કે આરોપીએ પાડોશી દંપતીની દિન દહાડે ઘાતકી રીતે હત્યા કરી હોય, આરોપી ખુદ પોલીસ મેન એટલે કે કાયદાના રખેવાળ અને કાયદાનું સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં બે બે માનવીને મોતને ઘાટ ઉતાર્યા બાબતે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને ફાંસીની મહત્તમ સજા કરવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.
અદાલતમાં આરોપી પોલીસમેન કમલેશ ઉર્ફે લાલો રમેશભાઈ મહેતાને પાડોશી દંપતીની હત્યાના ગુનામાં એડિશનલ સેશન્સ જજ ડી ડી ઠક્કરે તકસીરવાર ઠેરવી ૨૫ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે.
આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રૂપરાજસિંહ પરમાર, મુળ ફરિયાદી વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી લલિતસિંહ શાહી, ભુવનેશ શાહી, અજીત પરમાર, ભરત સોમાણી, કુણાલ શાહી, હિતેશ ગોહિલ અને શક્તિદાન ગઢવી રોકાયા હતા.