“સિવિલ કર્મચારીઓનું રોસ્ટર વિરોધી આંદોલન કોમી તોફાનો થતા નિષ્ફળ રહ્યું”
મુળી પોલીસ સ્ટેશન તે સમયે જેમ સજાનું થાણુ પોલીસ માટે કહેવાતું તેમ જ મુળીની અન્ય સરકારી કચેરીઓ પણ તે જ વ્યાખ્યામાં આવતી હતી. તે સમયે ગુજરાત રાજ્યમાં પોલીસ યુનિયન અસ્તિત્વમાં હતું. પોલીસ દળમાં નોકરી આકરી અને રાત-દિવસની કોઇ ઠેકાણું જમવા-સુવાનું નહિં. તેથી આવિ નોકરી ટાળવા અમુક ડાંડ અને કામચોર કર્મચારીઓએ યુનિયનના હોદ્દા લઇ લીધેલા. જો થાણા અમલદાર નબળો હોય કે તેનો પગ કાદવમાં હોય તેથી જગ્યાએ આવા કર્મચારીઓ અચુક ડાંડાઇ અને દાદાગીરી કરતા.તેથી થાણા અમલદારો આવા ડાંડ કર્મચારીઓ જે યુનિયનનાં ઓઠા હેઠળ આડોડાઇ કરનાર યુનિયનાલીસ્ટ કર્મચારીઓથી ત્રાસી જતા. આમ તો પોલીસ દળનું કાર્ય જનતાની સેવા. તેમના રક્ષણ માટેનું જ હતું. પરંતુ થાણા અમલદાર આ સેવા આવા કર્મચારીઓ પાસે કેમ લેવી તે જ મોટો પ્રશ્ન રહેતો.
જીલ્લાના સારા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ ને સહજ રીતે વડી કચેરીમાં પણ સારા સંપર્કો હોય તેથી તેઓ ખટપટ કરી પોતાના થાણામાં ના આવા કામ ચોર યુનિયનાલીસ્ટ કર્મચારીઓને બદલવા શામ-દામ અને ભેદની રીતે-પ્રયત્ન કરતા. જુની કહેવત મુજબ “ખોડો બળદ પાંજરાપોળે મુજબ આવા યુનિયનના હોદ્દાનો ઢાલ રુપે ઉપયોગ કરી ફરજ-પોતાની મનગમતીજ કરતા કર્મચારીઓ ‘ખોડા’ની વ્યાખ્યામાં જ આવે. બીજુ કે આવા કર્મચારીઓ થાણામાં કે વિસ્તારમાં જે કાંઇ ઉપરનો વહીવટ ચાલતો હોય તેનો પણ વહીવટ પોતે અને પાછો જગજાહેર દેકારો કરી મુકતા. તેથી જીલ્લાના આવા નોટીફાઇડ કર્મચારીઓનોમુળી જેવા સજાના થાણા ગણાય ત્યાં જ મુકાઇ હતા.
મુળીમાં કોઇ કર્મચારી બદલાઇ ને સ્વેચ્છાએ- આવવા રાજી નહિં તેથી પેલી કહેવત “આતી ને કોઇ લેતુ-નહિં અને આતાને કોઇ દેતુ નહિં મુજબ આ કર્મચારીઓને મુળીમાં સમાવેશ થઇ જતો. તે સમયે યુનિયનો બન્યા તેમાં એક યુનિયન પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટરનું બીજુ હેડ-કોન્સ્ટેબલનું અને ત્રીજુ કોન્સ્ટેબલનું આમ અલગ-અલગ બનાવેલા પાછા થાણા, જીલ્લા અને રાજ્યકક્ષાના યુનિટો પણ રહેતા.
ફોજદાર જયદેવને મુળી ખાતે આ પોલીસ યુનિયનનો બહોળો લાભ ઉપલી કચેરીના ઉપર જણાવેલ વલણને કારણે મળેલો. જીલ્લા આખામાંથી કામચોરોને મુળી થાણામાં મુકેલા ઉપરાંત પોલીસ યુનિયનના નેતાઓ જેવા કે સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ યુનિયનના પ્રમુખ કાંતિલાલ પટેલનેમુળી થાણામાં સેવા માટે ફાળવેલા અને સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લાં કોન્સ્ટેબલ યુનિયનના વડા ઘનશ્યામસિંહને પણ મુળીની સેવામાં ફાળવેલાં. જેથી જીલ્લાના બાકીના થાણેદારો આરામથી કારોબાર કરી શકે! પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓને યુનિયનોનો મોટો વાંધો આવા યુનિયનના નેતાઓ જે હોદ્દાની ગરીમા જાળવતા નહિં તેમના થી હતો. તેઓ અશિસ્ત આચરતા તેથી તેમને અપામાનીત થયા જેવુ લાગતું. પરંતુ થાણેદારો માટે તો તે વર્તન ઉપરાંત તેમની પાસેથી ફરજ કેમ લેવી તે પણ પ્રશ્ન રહેતો.
જ્યારે પોલીસ યુનિયનો ઉદ્ેશ ખૂબ જ ઉમદા અને તે પોલીસ કલ્યાણ માટે નો હતો. પરંતુ યુનિયનનું સંચાલન તેમના નેતાઓએ એવું કર્યુ કે પોલીસ કલ્યાણ એકબાજુ રહ્યુંં તેની જગ્યાએ વ્યક્તિગત મહત્વાકાંક્ષા, પ્રસિધ્ધિ અને મિડિયામાં બીનજરુરી નિવેદનબાજી થી ખરેખર પોલીસદળની બાજી બગાડી નાખી. અગાઉ પણ જણાવેલ છે તે પ્રમાણે ખરેખર તો પોલીસદળ છુપુ યુધ્ધ જ લડી રહેલ છે. ગુજરાત રીઝર્વ પોલીસદળને પંજાબના “ખાલીસ્તાન આંદોલન બંદોબસ્તમાં જવાનું થતા યુનિયના લીસ્ટોની ચઢામણીથી વાંધા વચકા કાઢી પંજાબ ફરજમાં જવાનો દળોએ ઇનકાર કર્યો અને યુનિયનનું અકાળે અવસાન થયું. જો સરકારે ખરેખર તે વખતે ખાનગી રાહે તપાસ કરી હોત તો ૮૦% દળો જવા તૈયાર જ- હતા અને આ અશિસ્તભરી ના પાડવાથી નારાજ હતા. પરંતુ કમનશીબે તે સમયે યુનિયનનું સંચાલન બાકીના ૨૦% પાસે હતું.
તે સમયે ગુજરાતમાં અન્ય સિવિલ સર્વિસીઝના યુનિયનો એ અનામત વિરોધી આંદોલન છેડ્યુ. તે રેવન્યુ પંચાયત-સચિવાલય, આરોગ્ય, વન વિભાગ વિગેરેના યુનિયનોનું ભારે સંગઠન રાજ્ય આખામાં પૂરા બોતેર દિવસ જડબેસલાક-હડતાલ ચાલી. ઘણા આંદોલનો રેલા-રેલીઓ પ્રદર્શનો, ઉપવાસો-તાલુકે જીલ્લે અને અમદાવાદ ગાંધીનગર ખાતે થયા. પરંતુ આ આંદોલન પણ આડુ ફાટ્યુ કે કોઇરાજકારણીએ આડે ફટરાવ્યુ અને કોમી તોફાનો શરુ થયા અને આ આંદોલનનો પણ કરુણ રકાસ થયો. સરકારી કર્મચારીઓ નીચી મુંડીએ ફરજ ઉપર હાજર થયા પરંતુ યુનિયનો-રદ થયા નહિં ચાલુ રહ્યા. પરંતુ આંદોલન સમેટાયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના યુનીયનના નેતા મી.આઈડીયા હતા તેમને સજારુપે બદલીને મુળી તાલુકા પંચાયતમાં મુકી દીધા.
કેમકે જ્યારે તેમનું આંદોલન ચાલતુ હતુ ત્યારે જે જીલ્લા વિકાસ અધિકારી હતા તેની જોડે આમી.આઇડીયાએ ખૂબ-તોછડુ વર્તન કર્યુ હતું. હવે તે જીલ્લા વિકાસ અધિકારીને જીલ્લા કલેક્ટર તરીકે સરકારે મૂક્યા. મી.ઇન્ડીયા આઇડીયાએ જે પાંચ મીનીટની તોછડાઇની મજા તે આંદોલન વખતે લીધેલી તેનો જવાબ વળતરરુપે પાંચ વર્ષ મુળીની સજારુપ નીમણૂંક રુપે મળી ગયો. આથી શાસ્ત્રોમાં લખ્યું છે કે “જ્ઞાન વૃધ્ધ, ઉંમરવૃધ્ધ અને સત્તાવૃધ્ધને અવશ્ય માન આપવું જેથી જીલ્લા વિકાસ અધિકાર સત્તાવૃધ્ધ એટલે કે સત્તામાં મોટા હતા.
માન આપવુ જ જોઇએ. તો તોછડાયકરાય નહિં. આમ શાસ્ત્રોમાં વર્ણવેલ જ્ઞાન અનુભવે એકદમ વાસ્તવિક છે. જેથી જે વ્યક્તિએ જીવનના તમામ ક્ષેત્રોમાં સફળ થવું હોય તો સદ્શાસ્ત્રો પુસ્તકોનું વાંચન અવશ્ય કરવું જ જોઇએ. જીવનના ફક્ત કાર્યો નહિં જીવન સમગ્રની સફળતાનો મોટો આધાર પણ સદવાંચન જ છે નહિં કે ફક્ત ટીવી દર્શન.
સરકારી કર્મચારીઓનું આ અનામત આંદોલન હિંસક બનતા જેમ સમગ્ર રાજ્યમાં તેમ સુરેન્દ્રનગરમાં પણ તોફાનો સળગી ઉઠતા બેઠા પુલ પાસે પોલીસ કાર્યવાહીમાં એક દલીતનું મૃત્યુ થયું. આથી વધુ પોલીસ દળો ખડકાયા. આ દલીત મૃત્યુની તપાસ રાજકોટ જીલ્લાના હરીજન સેલના પોલીસ ઇન્સ્પેક્ટર જોષીને સોંપાયેલ. સુરેન્દ્રનગર ખાતે પણ હરિજનસેલના પોલીસ ઇન્સ્પેક્ટર હોવા છતા. બનાવ વાળી જગ્યાનું પંચનામુ- થયેલ ન હતું. બીજે દિવસે જીલ્લા પોલીસ કંટ્રોલ રુમથી મુળી ખાતે હુકમ આવ્યો કે ફોજદાર જયદેવે રાજકોટના અધિકારી સાથે આ તપાસમાં સુરેન્દ્રનગર જવું. પોલીસ ઇન્સ્પેક્ટર જોષી ખુદ જયદેવને તેડવા મુળી આવ્યા. જયદેવે જોષીને પૂછ્યુ મને જ કેમ ? તો તેમણે કહ્યું કે જીલ્લાના તમામ અધિકારીઓએ તમારુ જ નામ સુચવ્યુ એટલે મેંપણ હા પાડી. જયદેવ જોષી જોડે સુરેન્દ્રનગર ઉપડયો.
જયદેવે કુનેહ પૂર્વક સુરેન્દ્રનગર ખાતે ગુન્હાવાળી જગ્યાનું પંચનામુ કરાવી નાખ્યું. પંચનામુુ પુરુ થયું ત્યાં જ હુકમ થયો બસ કામ થઇ ગયુ તમે છુટા. આથી જયદેવ વાકું બોલ્યો કે “એમ કહોને કે કોઇને મોરચે જવુ ન હતું ! પરંતુ સુરેન્દ્રનગરના હરિજનસેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.ઠાકોર સજ્જન હતા તેમણે જયદેવને હસતા હસતા કહ્યુ બાપુ આમતો ઉકેલેલો કોયડો કોડીના મુલ પણ હું તમને શાબાશી આપુ છું તમે ખરેખર કુનેહ પૂર્વક કામ કર્યુ છે.
દરમ્યાન મુળી તાલુકાના સિધપર ગામના દલીતોએ સિધપરના મોટા ખાતેદાર અને આગેવાન તથા મુળી તાલુકા પંચાયત પ્રમુખ બગરાજાના નવ રત્નો પૈકીના એક રત્ન એવા પ્રેમ પોપટ વિરુધ્ધ હલાણ બાબતકે મજૂરી બાબતેની અરજીઓ કરી એક આપીમુળી પોલીસ સ્ટેશનમાં બાકીની સુરેન્દ્રનગર અને હરીજન સેલમાં દીધી.
સુલેહભંગ ન થાય તે માટે જયદેવે અટકાયતી પગલા લેવા કાર્યવાહી કરવા માટે બીટ જમાદારને અરજી ઉપર જ હુકમ કરી દીધો. જમાદાર સિધપર જઇ દલીતોના નિવેદનો આધારે ક્રીમીનલ ત્રોસીજર કોડ કલમ ૧૦૭ ૧૧૬(૩) મુજબ બેઠો ચેપ્ટર કેસ એકજીક્યુટીવ મેજીસ્ટ્રેટ (મામલતદાર) પાસે મુકી દો.
એકાદ કલાક પછી બીટ જમાદાર પાછા જયદેવ પાસે આવ્યા અને વાત કરીકે મને તાલુકા પંચાયતમાં પ્રમુખ સાહેબે બોલાવેલો ત્યાં પ્રેમ પોપટ પણ બેઠો હતો. પ્રમુખ સાહેબે કહ્યું કે “જુઓ જમાદાર ફોજદારો તો બદલીને આવે અને જાય. અમારે અને તમારે અહીં લાંબો સમય સાથે રહેવાનું છે. અમે કહીએ તેમ જ કરશો તો તમને પણ મજા આવશે. આ પ્રેમની પોપટની ધરપકડ કરવા (ક્રી.પ્રો.કો.ક.૧૫૧ મુજબ)ની નથી. તમે જાણે જ છો કે પ્રેમ પોપટ મારો અંગત માણસ છે. આથી આપને આ વાત ધ્યાન ઉપર મુકુ છું. તેમ જમાદારે કહ્યું જયદેવ શાંતિથી કહ્યું કાંઇ વાંધો નહીં. ધરપકડ કરતા નહિં પરંતુ ક્રો.પ્રો.કો.ક. ૧૧૬(૩) મુજબની નોટીસે ઉભા-ઉભા કઢાવી તાત્કાલીક બજાવી દો.
થોડા જ દિવસ પછી એક વખત સવારના નવ વાગ્યે હરિજન સેલના પોલીસ ઇન્સ્પેક્ટર ઠાકોર જીપ લઇને મુળી આવ્યા. જયદેવે ચા પાણી કરાવ્યા. ઠાકોરે કહ્યું કે સિધપરના દલીતો ગઇકાલે પોલીસવડાને મળ્યા હતા અને એવી રજૂઆત કરી હતી કે મુળી પોલીસ પ્રેમ પોપટની ધરપકડ કરતી નથી. જેથી જયદેવે-જમાદાર અને પ્રમુખ વચ્ચે થયેલ સંવાદની વાત કરી. આથી ઠાકોરે કહ્યું કે મેં પણ વાત સાંભળેલ છે કે આ પ્રેમ પોપટ બનરાજા નો ખાસ માણસ છે અને તોછડો તથા અભિમાની છે. તેને બોલવાનું કાંઇ ભાન જ નથી તેથી જ અરજીઓ થયેલ છે. આ પ્રેમ પોપટ જબબાલ છે તેથી જ હું તમને સિધપર સાથે લઇ જવા આવ્યો છું કે ત્યાં અમારી હાજરીમાં બીજો કોઇ પ્રશ્ન ન થાય. જયદેવે કહ્યું કે તમારી તો શું મારી હાજરીમાં પણ બબાલ તો થશે જ પરંતુ તેમાં જે આક્ષેપો થશે તેમાં કારણ તો મને જ ગણવામાં આવશે. માટે તમે મારા સ્ટાફને લઇ જાવ. જો કોઇ કટોકટી થશે તો હું તરત આવી જઇશ. આ પ્રેમ પોપટ જો મારી હાજરીમાં કોઇ ગેર બંધારણીય શબ્દો બોલે તો તે પોલીસનું અપમાન તો ખરુ જ પણ ટોપી ઉપર રહેલ અશોક સ્તંભનું પણ અપમાન અને મર્યાદા ભંગ થશે અને તે હું સહન કરી શકીશ નહીં. રાષ્ટ્રીય પ્રતિકનું સન્માન જાળવવા હું ગમે તેને ગમે તે જોખમે સબક શીખવાડુ જ તે મારી આદત છે.
પરંતુ ઠાકોર માન્યા નહિં અને જયદેવને સાથે જ આવવા કહ્યું તેમણે કહ્યું કે તમે કહો તો પોલીસવડાનો હુકમ મેળવી લઉ. પરંતુ જયદેવે તેની ના પાડી સિધપર જવા તૈયાર થયો.
પરંતુ જયદેવને આગમના એંધાણ મળી ચુક્યા હતા. તેણે રાયટર જયુભા બીટ જમાદાર ઉપરાંત સંભવિત મોટી આફતમાં મોટો ટેકો મળી રહે તે માટે જીલ્લા પોલીસ કોન્સ્ટેબલ યુનિયનના પ્રમુખ ઘનશ્યામસિંહને પણ સાથે લીધા, આફતને અવસરમાં ફેરવી. તમામ બે જીપોમાં સિધપર આવ્યા. ગામ આગેવાન મંગુભા બહાર ગામ ગયા હતા. બીટ જમાદારે દલીતોને બોલાવ્યા ઠાકોરે તેમના નિવેદનો લખી લીધા. ઠાકોરના કહેવાથી છેલ્લે બીટ જમાદાર પ્રેમ પોપટને બોલાવવા ગયા. થોડીવાર થઇ ત્યાં ઉભી બજારે દેકારો બોલ તો આવતો સંભળાતા જયદેવે જઇને બહાર જોયુ તો એક પચાસેક વર્ષનો આધેડે જે ઉજળાવાને સફેદ ધોતી જેનો એક છેડો હાથથી પકડેલો હતો. તથા સેનાના બટનવાળી સફેદ કફની પહેરેલ અને કપાળે મોટો લાલ રુપિયા જેવડો ચાંદલો કરેલો માણસ એક હાથ ઉંચો નીચો કરી મોટે મોટેથી બોલતો બોલતો આવતો હતો. જમાદાર પાછળ-પાછળ પુંછલે પડેલ ટાયડા (ઘોડુ)ની જેમ ઢસરડાતા ઢસરડાતા ચાલ્યા આવતા હતા. જયદેવને યુનિફોર્મનું ભારેભાર અપમાન લાગ્યુ. લોકશાહીમાં સ્વતંત્રતાનો અર્થ આવો કાયદાને માન નહિં આપવા જેવુ લાગ્યું. પરંતુ તપાસ તો હરિજન સેલની હતી તેથી તે પોતાની જગ્યાએ જાણે કાંઇ જો તો સાંભળતો નથી તેવી મુદ્રા કરી બેસી ગયો.
પરંતુ પ્રેમ પોપટ જેવો ગ્રામ પંચાયત કચેરીના ફળીયામાં દાખલ થયો તેવુ તેણે આખા દ્રશ્યનું નિરિક્ષણ કર્યુ ઠાકોર દલીતોને પોતાની પાસે બેસાડીને વાતો કરતા હતા. એક બાજુ જયદેવ તેની ફોજ લઇ શાંતિથી જાણે કાંઇ સાંભળ્યુ જ ન હોય તેમ શાંતિથી બેઠો હતો. આ જોઇને પ્રેમ પોપટને વધારે શુરાતન ચડ્યુ અને ફળીયામાં જ ધોતીનો પકડેલ એક છેડો પડતો મુકીને બંને હાથ ઉંચા કરીને પોલીસ ઉપર કાયદાનો દુર પયોગ પક્ષપાત વિગેરે આક્ષેપો તાડુકી તાડુકીને ગામને પોતાનો રોલો બતાવવા કરવા લાગ્યો. ગ્રામ પંચાયત બહાર માણસો એકઠા થયેલ પણ જયુભાએજઇને તેમનેપાછા રવાના કરી દીધા. જયદેવ આડુ જોઇ મનમારીને સાંભળતો હતો જેથી પોપટને વધુ શુરાતન ચડ્યુ અને ઠાકોર તરફ વિચિત્ર રીતે હાથના ઇશારા કરી અહીં લખી ન શકાય તેવા દ્વી અર્થી ભાષામાં શબ્દો બોલ્યો.
આ બાજુ જયદેવની સહનશક્તિની મર્યાદા પૂરી થતી હતી. તો સામે પ્રેમ પોપટને પ્રેમને બદલે શુરાતન વધુ ચડતુ- જતું હતું. તેનો લવારો અવિરત ચાલુ હતો. અને જાણે કે પોતાને કોઇ કાંઇ કરી શકે તેમ નથી તેવું પ્રદર્શન દલીતો સામે કરતો હતો. ઠાકોરે ખૂબ સમજાવ્યો પણ નહિં માનતા ઠાકોરે જયદેવ સામે જોયું. જયદેવે પ્રેમ પોપટને પ્રથમ પ્રેમથી કહ્યું “પ્રેમ પોપટભાઇ શાંતિ રાખો અને પ્રેમ પોપટ ભુંરાટો થયો. અને બંને હાથ વડે પોતાનું જ માથુ કુટવા લાગ્યો અને બિભત્સ શબ્દો બોલવા લાગ્યો.
જયદેવ માટે હવે શું કરવું તે પ્રશ્ન હતો. પરંતુ પ્રેમ પોપટ રમણે ચડ્યો હતો. જયદેવ ઉભો થયો સાથે ઘનશ્યામસિંહ અને જયુભા પણ ઉભા થયા. પ્રેમ પોપટની મહેમાન ગતિ તેના ગામમાં જ ચાલુ કરી. શરુમાં પ્રેમ પોપટનાં અવાજનું વોલ્યુમ વધ્યુ પરંતુ ત્રણે જણાએ એક સાથે મહેમાનગતિ શરુ કરતા તેનો અવાજ બંધ થઇ ગયો. અને જાતે જ ફળીયામાં આળોટવા લાગ્યો અને બોલવા લાગ્યો “લ્યો પુરુ જ કરો, પુરંુ જ કરો જયદેવે પણ પ્રેમથી તેની મહેમાન ગતિ ચાલુ રાખી ઠાકોર વચ્ચે પડ્યા તોય આખરે પ્રેમનો પોપટ પીંખાઇ ગયો. અને ધ્રુસકે ચડ્યો. બીજી બાજુ દલીતો આ દ્રશ્ય જોઇ હેબતાઇ ગયા. ઉંચા નીચા થવા લાગ્યા કે હવે શું થશે ?
જયદેવે પાણી મંગાવી આરામથી પાણીથી પોતાનું મોઢું ધોયુ પેન કાગળ લીધા અને પોતાની જ શ્રી સરકાર તરફે પ્રેમ પોપટ વિરુધ્ધ એફ.આઇ.આર. તૈયાર કરી કે સિધપર ગામે હરીજન સેલની મદદમાં આવેલા કાયદેસરની કાર્યવાહી દરમ્યાન પોલીસ, ઠાકોર અને દલીતોની હાજરીમાં બીભત્સ શબ્દો બોલવાની અને ફરજમાં રુકાવટની ફરિયાદ લખી નાખી. સાથે જ તપાસની વિધિ પંચનામુ, દલીતો, પોલીસના નિવેદનો પણલખી લીધા. મહેમાનગતિ કરી જતા પ્રેમ પોપટ ઢીલોઢફ થઇ નમણે હાથ દઇ બેઠો હતો. જયદેવે ચહેરા નિશાન પત્રક અને ફિંગર પ્રિન્ટ લેવાની કાર્યવાહી ગ્રામ પંચાયતમાં જ આટોપી દીધી.
ઠાકોર હરીજનસેલની જીપ લઇસિધપરથી સુરેન્દ્રનગર તરફ રવાના થયા. અને મુળી પોલીસની જીપ પ્રેમ પોપટ પ્રેમને લઇ ચોટીલા તરફ રવાના થયા. અને મુળી પોલીસની જીપ પ્રેમ પોપટ પ્રેમને લઇ ચોટીલા આવી. મુળીના મેજીસ્ટ્રેટ રજા ઉપર હોય મુળી કોર્ટનો ચાર્જ ચોટીલા કોર્ટ પાસે હતો. પોપટને કોર્ટમાં રજુ કર્યો.
મેજીસ્ટ્રેટે પ્રેમ પોપટને જરુરી પુછપરછ કરી સુરેન્દ્રનગર જીલ્લા જેલનું વોરંટ ભરી દીધું. જીપ ચોટીલાથી સુરેેન્દ્રનગર જવા રવાના થઇ મુળી રોડ ઉપર જયદેવ ઉતરી ગયો. મુળી -પોલીસ સ્ટેશનની બહાર બટુકસિંહ આંટા મારતા હતા. પરંતુ- એકલા જયદેવને જોઇ દૂરથી જ તેઓ ચાલ્યા ગયા.
સિધપર ગ્રામ પંચાયતમાં થયેલ બબાલના સમાચારતાલુકા પંચાયતમાં પહોંચી ગયા હતા કે એક રતન ધૂળમાં રગદોળાયુ. તેઓનેસાંજે છેક ખબર પડી જ્યારે ઘનશ્યામસિંહે ઘટસ્ફોટ કર્યો કે પ્રેમ પોપટ તો મોટા પાંજરે પુરાયો છે છેક બીજે દિવસે સાંજે પ્રેમ પોપટ છુટ્યો. શિસ્તનાપાકા પાઠ પઢીને કે જાહેરમાં કેમ વર્તન કરાય, કેમ બોલાય ?
જોગાનું જોગ આ બનાવ પછી મુળી તાલુકાના નવરત્નો પૈકી પ્રેમ પોપટ સિવાયના તમામ રત્નો એક પછી એક એકલા આવીને જયદેવને મળી ગયા. તેમણે જયદેવને વિનમ્ર ભાવે કહ્યું કે અમારે તો રાજકીય રીતે તમામ સાથે સંબંધો રાખવા પડે બાકી અમારે કોઈ વિશેષ સબંધ કે લગાવ નથી. પરંતુ જયદેવે પણ તકનો લાભ લઇ મૃત્સદીપૂર્વક તેમને કહ્યું કે તમારા વિસ્તારનું જે કામ હોય તે મને સીધુ જ કહેજો. કાયદેસરની થતી તમામ મદદ કરીશુ. અને તેનો અમલ શરુ થયો. પ્રમુખ બનારાજા આ કિસ્સાથી કાયદેસરના ડરી ગયાના વાવડ મળ્યા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,