ડીઝલ , ટેમ્પો, ટેન્કર સહીત રૂપિયા 29 લાખથી વધુ મુદામાલ સાથે ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા 
ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલના મેદાનમાં ચોટીલા પોલીસે શુક્રવારનાં છાપો મારી ડીઝલ ચોરીનું રેકેટ ઝડપી પાડેલ હતુ. આ દરોડામાં રૂ. 29 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલના મેદાનમાં માલીકની પરવાનગી વગર વિશ્વાસઘાત કરી ટેન્કરમાંથી પ્લાસ્ટીકની પાઇપ દવારા ડીઝલ ચોરી કરી બેરલમાં ભરતા રંગે હાથે હોટેલ સંચાલક ઝડપાઇ જતાં ચકચાર ફેલાઇ હતી. જેમાં સંચાલક જુનાગઢનાં માંગરોળ તાલુકાના આંતરોલી ગામનાં રાજસીભાઇ રાજભાઇ કડછા મેર, તેમજ ટેન્કરના ડ્રાઈવર ભરતભાઈ ભુરાભાઇ સરસીયા રે. મોખાણા (જામનગર), ભરતભાઈ પ્રભુભાઇ પંચાળા રે રાજકોટવાળા સાથે સંદિપભાઇ મહેશભાઈ તન્ના રે. રાજકોટ વાળાને પકડી પાડેલ હતા.
d1 1
આ ડીઝલ ચોરી રેકેટ છેલ્લાં ત્રણેક માસથી ચાલતુ હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસે બેરલમાં ભરેલ ડીઝલ લીટર 1015 રૂ.60,900, ટેન્કર કિ.રૂ.15,00,000 તેમજ તેમા ભરેલ જથ્થો કિ.રૂ.ટેમ્પો 407 કિ.રૂ 1,00,000, મોબાઈલ ફોન 5 રૂ.4000 અન્ય સાધનો મળી 29,68,400નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ગેર કાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ વડા દિપકકુમાર મેઘાણીની સુચનાથી ડીવાયએસપી પી. જી.જાડેજા, પી.આઇ એમ.જી.ડામોરનાં માર્ગદર્શન પીએસઆઇ સી.એચ.માઢક, સી.બી.રાંકજા તથા સ્ટાફે દરોડો કરતા નાસભાગ મચી હતી.
હોટેલમાં જમવા ઉભા રહેતા ટેન્કર ચાલકો સાથે સંચાલક દ્વારા ડીલ કરાઇ હતી. જેમાં સીલબંધ ટેન્કરના ખાનાને સહેજ ઉચુ કરી તેમા પ્લાસ્ટિકની પાઇપ વાટે આશરે 30 લીટરનાં કેરબામાં કાઢવામાં આવતુ હતું. જેના તેઓને 1500 થી 1700 આપવામાં આવતા હતા. જે નજીકમાં રાખવામાં આવેલ વાહનમાં એકત્રીત કરી આ કૌભાંડ આચરવામાં આવતુ હતું. રેઇડ દરમ્યાન પકડાયેલ ટેન્કર એસ્સાર ઓઇલ લીમીટેડ વાડીનારથી ડીઝલ ભરી બાયડ પાસેનાં બોરલ ગામે જય જલારામ પેટ્રોલ પમ્પ ખાતે જતુ હતું. પકડાયેલ આરોપીઓને કોર્ટમાં રજુ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં કેટલા સમયથી આ રેકેટ ચાલતુ, કેટલા ટેન્કરમાંથી આવો જથ્થો ચોરવામાં આવ્યો છે. તેમજ ચોરીનો જથ્થો કોણ ખરીદતુ હતું. તે અંગે તપાસ આદરવામાં આવી છે. જેમાં હોટેલ સંચાલકનો મોબાઇલ રાઝ ખોલવામાં મહત્વની કડી બનશે, હાઇવેની અન્ય હોટેલોમાં વધુ ચેકિંગ હાથ ધરાશે. આ ડીઝલનાં જથ્થા અંગે પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.