તાલુકા પોલીસે ગોડાઉનમાં દરોડો પાડી 2544 બોટલ દારૂ, બે ઇનોવા કાર મળી રૂા.28 લાખનો મુદામાલ કબ્જે: ગોડાઉન માલિક સહિત ત્રણની શોધખોળ
ગોંડલ તાલુકાના જામવાડી જીઆઇડીસીમાં મયુર એગ્રી એક્સપોર્ટ નામના કારખાનાની સામે આવેલા ગોડાઉનમાં મોડી રાત્રે વિદેશી દારૂના કટીંગ વેળાએ તાલુકા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી રૂા.10 લાખની કિંમતનો 2544 બોટલ વિદેશી દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી દારૂ અને બે ઇનોવા મળી રૂા.28 લાખનો મુદ્ામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની શોધખોળ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જન્માષ્ટમી અને 15 ઓગસ્ટના પર્વમાં બુટલેગરો મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડ્યાની પ્રેરવી કરી રહ્યાની રાજકોટ રેન્જના સંદીપસિંઘ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડના ધ્યાને આવતા દારૂબંધીનો કડક અમલ કરવા આપેલી સુચનાને પગલે ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.પી.ઝાલા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.
ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં મયુર એગ્રી એક્સપોર્ટ નામના કારખાના સામે આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ રાઠોડ અને ઇન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન રાજસ્થાનના બાડમેરના ધર્મરામ કેશા રામ, મધ્યપ્રદેશના છીંદવાડાના અબરાજખાન જલીલખાન મુસ્લિમ, જગવીરસિંહ રમેશસિંહ જાટ અને અલીગઢ ટીન્કુભા દયારામસિંહ યાદવની ધરપકડ કરી રૂા.10 લાખની કિંમતનો 2544 બોટલ વિદેશીદારૂ અને બે ઇનોવા કાર મળી રૂા.28 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.ઝડપાયેલા પાંચ શખ્સોની પૂછપરછમાં સન્ની નામના શખ્સ વોટ્સએપવાળો, દારૂનો જથ્થો ભરવા આવેલા ઇનોવા કાર નંબર વાળા અને દારૂનો જથ્થો રાખવા ગોડાઉનની સગવડ કરી આપનાર શખ્સનું નામ ખૂલતા તેની શોધખોળ હાથધરી છે.