સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા હરેશ દૂધાત, ડીવાયએસપી હિમાંશુ દોષીએ સ્થળ મૂલાકાત લઇ બંદોબસ્તનો તાગ મેળવ્યો

10 ડીવાયએસપી, 31 પીઆઇ, એસ.આર.પી.ની ટુકડી સહિત 2579 પોલીસ કર્મચારીનો કાફલો તૈનાત: મેળામાં ડ્રોનની મદદથી રખાશે બાજનજર

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

જગવિખ્યાત ભાતીગળના તરણેતરના મેળામાં સૌરાષ્ટ્ર સહિત દુનિયાભરની જનમેદની ઉમટી પડતી હોય છે. ધાર્મિક-સાંસ્કૃતિકની સાથે મનોરંજનથી ભરપૂર તરણેતરના મેળામાં આવતા લોકો માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ ખડેપગે સુરક્ષા અને વ્યવસ્થા સંભાળવા માટે સજ્જડ વ્યવસ્થા ગોઠવી છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને ડીવાયએસપી હિમાંશુ દોષી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર વિઝિટ લઇ સુરક્ષા અને વ્યવસ્થા માટે ગોઠવાયેલા બંદોબસ્તનો તાગ મેળવ્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લો વિવિધ પુરાતત્વીય સ્થાનોથી ભરેલો છે. તેમાં પણ ખાસ કરીને જીલ્લાના ચોટીલા, થાનગઢ તાલુકો મહાભારત કાળથી પાંચાળ ભૂમિથી પ્રખ્યાત છે અને થાનગઢ તાલુકાના તરણેતર ગામે સુપ્રસિધ્ધ ત્રિનેત્રેશ્ર્વર મહાદેવનું અતિ પૌરાણીક મંદિર આવેલું છે. જે મંદિરના પ્રાંગણમાં આવેલ કુંડમાં ભાદરવી પાંચમના રોજ ગંગાજી પ્રગટ થતા હોવાની પ્રાચીન લોકવાયકા હોય જેથી તરણેતર મુકામે ત્રિનેત્રેશ્ર્વર ભોળાનાથ મહાદેવના પ્રાંગણમાં ભાદરવી સુદ ત્રીજ, ચોથ, પાંચમ, એમ ત્રણ દિવસ વિશ્ર્વ વિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાય છે. આ લોકમેળામાં ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાના, તથા અલગ અલગ રાજયના તથા વિદેશી શ્રધ્ધાળુઓ એમ લાખોની સંખ્યામાં જનમેદની મેળો માણવા આવે છે. આ લોકમેળામાં મેળાની સાથોસાથ ગ્રામીણ ઓલમ્પીક, રમોત્સવ, લોકડાયરો તથા જુદી જુદી પ્રતિસ્પર્ધાઓનું આયોજન થતુ હોય જેથી લાખોની સંખ્યામાં આવતા મેળા રસિકોની સાથોસાથ રાજ્ય સરકારના મંત્રીઓ, રાજકીય હોદેદારો-આગેવાનો, ખેલાડીઓ આવતા હોય, તરણેતર ગ્રામ પંચાયત તથા જીલ્લા વહીવટી તંત્ર તથા જીલ્લા રમતગમત વિભાગ તથા ગુજરાત ટુરીઝમ વિભાગ સાથે સુચારૂ સંકલન રાખી, લોકમેળા બંદોબસ્તનું આયોજન સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ તરફથી રાખવામાં આવે છે.

સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ નાઓની સીધી સુચના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા તા.30/08/2022 ની ઢળતી સંધ્યાથી તા.02/09/2022 સુધી તરણેતર મુકામે વિશ્ર્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકમેળો યોજાનારો હોય જેનો આનંદ લેવા લાખોની સંખ્યામાં જનમેદની આવતી હોય, વાહનોની પણ મોટી સંખ્યામાં અવર જવર થતી હોય જેથી આમ જનતા લોકમેળો આનંદ ઉલ્લાસથી માણી શકે, ભાતીગળ સંસ્કૃતિથી પરિચિત થાય, ટ્રાફીકનુ અસરકારક નિયમન થાય, અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી સુચારૂ જળવાઇ રહે, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા તરણેતર મુકામે ભાતીગળ લોકમેળા સ્થળની વીઝીટો કરી, બંદોબસ્ત પોઇન્ટોનું નિરીક્ષણ કરી અસરકારક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે, જેમાં નાયબ પોલીસ અધિક્ષક -10, પોલીસ ઇન્સ્પેકટર-31, પુરૂષ તથા મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર-100, પુરૂષ પોલીસ કર્મચારીઓ-990, મહિલા પોલીસ કર્મચારીઓ-155, ધોડેશ્વાર-12, એસ.આર.પી. કંપની-3 (કુલ-305 કર્મચારીઓ), હોમગાર્ડ-665, જી.આર.ડી.-310 એમ કુલ-2578 પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ હોમગાર્ડ, જી.આર.ડી. સભ્યોનો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આ ઉપરાંત ડ્રોન કેમેરા, ડી.એફ.એમ.ડી, એચ.એચ.એમ.ડી, વોટર કેનન, ક્રેઇન, વરૂણ સહિતના ઉપકરણોથી તથા બી.ડી.ડી.એસ સ્કોડ મારફતે તરણેતર મુકામે લોકમેળા ઉપર ચાંપતી નજર રાખવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.