રાજકોટ શહેરમાં પોલીસ સ્ટાફ દ્વારા તહેવાર અને વીવીઆઇપી બંદોબસ્તની કપરી જવાબદારી વચ્ચે શહેરીજનોની છેલ્લા ત્રણ માસ દરમિયાન ચોરાયેલી રુા.1.27 કરોડની મિલકત શોધી કાઢી મુળ માલિકને સોપવામાં આવી છે. ગુમાવેલી મિલકત પરત આપી પોલીસે શહેરીજનોની દિવાળી સુધારી દીધી છે.
શહેરમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન ઘરફોડ ચોરી, વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા મિલકત વિરોધના ગુનાનો ભેદ ઉકેલી તસ્કરો પાસેથી રિકવર કરેલા રુા.1.27 કરોડની મિલકત મુળ માલિકને સોપવા અંગેનો પોલીસ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે અનોખો અને આવકાર્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર વિધી ચૌધરી, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, એસીપી બી.બી. બસીયા અને ભાર્ગવ પંડયા સહિતના અધિકારીઓએ ત્રણ માસ દરમિયાન ચોરાયેલી મિકલત માલિકને પરત કરી
હેમુ ગઢવી હોલમાં રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની ઉપસ્થિતીમાં મિલકતની સોપણી કરાઇ
અર્પણમ કાર્યક્રમમાં રાજય સભા સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ અને દર્શિતાબેન કાનગડની હાજરીમાં મુળ માલિકને મિલકત પરત સુપ્રત કરવામાં આવી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર વિધી ચૌધરી, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ, ક્રાઇમ બ્રાન્ચ એસીપી બી.બી.બસીયા અને ભાર્ગવ પંડયા તેમજ તમામ પીઆઇ અને પીએસઆઇ હેમુ ગઢવી હોલ ખાતે ઉપસ્થિત રહી સોનાના ઘરેણા, ચોરાયેલા વાહનની ચાવી અને મોબાઇલ સુપ્રત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મિલકત ધારકને પોતાની ગુમાનવેલી મિલકત પરત મળતા પોલીસ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક નિયમનમાં પોલીસને સહકાર આપવા વાહન ચાલકોને ધારાસભ્ય ટીલાળાનો અનુરોધ
હેમુ ગઢવી હોલ ખાતે પોલીસ દ્વારા યોજાયેલા અર્પણમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ શહેર પોલીસની કામગીરીને બિરદાવી હતી અને રુા.1.27 કરોડની મિલકત ટૂંકા સમયમાં શોધી મુળ માલિકને પરત સોપવાની પોલીસની સરાહનીય કામગીરીની પસંશા કરી માર્ગ પર ટાઢ, તડકા અને વરસાદમાં ઉભા રહી ટ્રાફિક નિયમન કરતા પોલીસ સ્ટાફને વાહન ચાલકો દ્વારા સહકાર આપે તેવો અનુરોધ કર્યો હતો.
ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસ સ્ટાફનું સન્માન કરાયું
શહેરમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન મિલકત વિરોધના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. તસ્કરોને ઝડપી તેની પાસેથી મિલકત રિકવર કરવાની મહત્વની કામગીરી સંભાળનાર પોલીસ સ્ટાફનું રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પોલીસ મથકના ડી સ્ટાફ, યુનિર્વસિટી પોલીસ મથકના ડી સ્ટાફ, ગાંધીગ્રામ પોલીસ મથકના ડી સ્ટાફ, એ ડિવિઝન મથકના ડી સ્ટાફ, માલવીયાનગર પોલીસ મથકના ડી સ્ટાફ અને એલસીબી ઝોન-2ની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.
19 લાખના ચોરાયેલા હીરા પરત મળતા કારખાનેદાર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું સન્માન કર્યુ
શહેરના મવડી વિસ્તારમાં આવેલા બાપા સિતારામ ચોક નજીક હીરાના કારખાનામાં થયેલી રુા.19 લાખની રોકડ અને હીરાની ચોરીનો પોલીસે તાકીદે ભેદ ઉકેલી પુરેપુરો મુદામાલ કબ્જે કરવાની કરેલી સરાહનીય કામગીરીને કારખાનેદાર મુકેશભાઇ પટેલે બિરદાવી સમગ્ર શહેર પોલીસ વતી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું સન્માન કર્યુ હતું. તેમજ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું પોતાના 100 કારિગરોનો પગાર ચોરાયો હતો તે પોલીસે દિવાળી પહેલાં શોધી આપી સુપ્રત કર્યો છે. આ કામગીરી માત્ર સાત જ દિવસમાં પોલીસ દ્વારા કરી છે. તે ખરેખર પસંશનીય છે. પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.
સાયબર ક્રાઇમના ભેજાબાજે કંઇ રીતે નાણા પડાવ્યા તેનું રાજય સભાના સાંસદે જાત અનુભવ વર્ણવ્યો
આધૂનિક ટેકનોલોજીની સાથે સાયબર ફોડની ઘટના વધી ગઇ છે. સાયબર ભેજાબાજ દ્વારા ઓન લાઇન ઠગાઇ કંઇ રીતે કરે તે તે અંગે પોતાનો જાત અનુભવ રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાએ વણવ્યો હતો. એક અજાણી વ્યક્તિએ પોતે દિલ્હી ભાજપના કાર્યકર હોવાનું જણાવી પોતાના પિતાની સારવાર માટે મુંબઇ આવ્યા બાદ તેમનું અવસાન થયું છે. પોતાને રુા.15 હજારની મદદ માગી હતી. રામભાઇ મોકરીયાએ સહાનુભૂતિ દાખવી પોતાની મુંબઇ ખાતેની ઓફિસના કર્મચારીને તપાસ કરી રુા.15 હજારની મદદ કરવા જણાવ્યું હતું. મુંબઇ ખાતેની ઓફિસના કર્મચારીએ રુા.15 હજાર ઓન લાઇન ટ્રાન્સફર કર્યા બાદ રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરાવતા તે સાયબર ભેજાબાજ ઓરિસ્સા પંથકનો હોવાનું જાણવા મળ્યું હતું. રુા.15 હજારનો ગાયને ઘાસચારો નાખ્યાનું સમજી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ પોતાની સાથે બનેલી ઘટના અન્ય સાથે ન બને તે માટે જાહેર કરી હોવાનું સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું.