તહેવારોની સિઝન શરૂ થતાં જ ઠેર-ઠેર નકલી વસ્તુઓ અને ગેરકાયદેસર બનતી વસ્તુઓના સ્થળ પર પોલીસના દરોડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી દિવાળીના તહેવારોમાં નાગરિકો કરોડો રૂપિયાના ફટાકડા ફોડતા હોય છે. જેમાં અમુક ફટાકડા નકલી પણ હોય છે, જે જીવનું જોખમ સર્જે છે. લોકોના જીવ જોખમમાં ના મુકાય અને સરકાર માન્ય હોય તેવા ફટાકડા જ બજારમાં મળી રહે તે માટે રાજ્યની પોલીસ સતર્ક બની છે. અને રાજ્યમાં જ્યાં પણ ફટાકડા તૈયાર થાય છે અને સંગ્રહ કરવામાં આવે છે ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ચાલતા ફટાકડાના ગોડાઉન તપાસમાં બહાર આવ્યું છે. આ દરમિયાન જિલ્લાની પોલીસે ફટાકડા જપ્ત કરીને ગોડાઉનને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના કડીમાંથી 8 ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયા
મહેસાણા જિલ્લાના કડીમાં ગેરકાયદેસર ચાલતા ફટાકડા ગોડાઉન ઉપર કડી પોલીસ ત્રાટકી હતી. તેમજ રંગોલી ગેસ્ટ હાઉસના પાછળના ભાગે 8 જેટલા ગેરકાયદેસર ગોડાઉન બનાવવામાં આવ્યા હતા. આ સાથે ગોડાઉનમાં લાખોના ફટાકડા હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી. તેમજ કડી પોલીસે રેડ કરી ફટાકડા ગોડાઉન સીલ કર્યા હતા. ત્યારે હાલ ફટાકડાની ગણતરી ચાલુ છે. ગોડાઉનના માલિકે પરવાનગી વગર ગોડાઉનમાં ફટાકડાનો સંગ્રહ કરી રાખ્યો હતો. આ દરમિયાન કડી પોલીસે બાતમી આધારે કાર્યવાહી કરી.
અમદાવાદમાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર રેડ
અમદાવાદના અસલાલીમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી. ત્યારે પોલીસે તપાસ દરમિયાન લાખો રૂપિયાના ફટાકડા જપ્ત કર્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અગાઉ રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે દરોડો પાડ્યા
ધોરાજી તાલુકાના સૂપેડી ગામના કારખાના માલિક જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચલાવતો હોવાની માહિતી રાજકોટ ગ્રામ્ય SOG પોલીસને મળી હતી, જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસની તપાસમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું મોટુ કારખાનું મળી આવ્યું હતું.
આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે
જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવ ધારમાં શિવાલય વેર હાઉસમાં મહાદેવ ઇન્ડ. નામના ગોડાઉનમાં આ કારસ્તાન ચાલી રહ્યું હતું. આ સાથે નવાઇની વાત એ છે કે આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે, છતાં પણ ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના લાઇસન્સ કે પરવાના વગર ફટાકડા બનાવવા માટેનું જુદા જુદા કેમિકલ અને રો-મટિરીયલ રાખવામાં આવ્યા હતા. તેમજ આ કેમિકલ અને રો-મટિરીયલમાંથી ફટકાકડા બનાવામાં આવી રહ્યા હતા.