ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને સુરેન્દ્રનગરમાંથી ૬૭ શકુનીઓ ઝડપાયા
સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસની શરૂઆતથી જ જુગારીઓ પર પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ગીરસોમનાથ પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસે ૧૪ સ્થળોએ ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી રૂ.૨.૦૫ લાખના મુદ્દામાલ સાથે ૬૭ શકુનીઓને ઝડપી પાડ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુગારીઓની રંગત જામી છે. ત્યારે પોલીસે પણ જુગારધામ પર લાલ આખ કરી છે. ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડામાં પોલીસે બે દરોડા પાડી રૂ.૨૩ હજારના મુદામાલ સાથે ૯ જુગારી કોડિનારમાં પણ બે દરોડા પાડી રૂ.૬૦ હજારના મુદામાલ સાથે ૯ શકુની અને પ્રાભાસ પાટણમાં રૂ.૧૦ હજારના મુદ્દામાલ સાથે ૪ જુગારીઓને પોલીસે દબોચી લીધા છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ પોલીસે જુદા જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડી ઓખા મહીનમાંથી ૩ જુગારી, જામખંભાળીયામાંથી રૂ.૧૬,૫૫૦ના મુદ્દામાલ સાથે ૪ જુગારીઓ અને ભાણવડમાં રૂ.૪૫૮૦ની રોકડ સાથે ૬ શકુનીઓને ઝડપી પાડ્યા છે.
પોરબંદરમાં પણ બે સ્થળોએ ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી હતી. જેમાં રાણાવવામાં ૭ જુગારીઓને રૂ.૧૨,૭૮૦ના મુદ્દામાલ સાથે અને કુતિયાણામાં રૂ.૧૧,૭૧૦ના મુદ્દામાલ સાથે ૫ આરોપીઓને ઝડપી પાડયા છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસે ચાર સ્થળોએ જુગારના દરોડા પાડ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર સહિત વિસ્તારમાં બે દરોડામાં રૂ.૨૨૦૦ની રોકડ સાથે ૫ અને બીજા દરોડામાં ૪ આરોપીને રૂ.૧૧૨૦૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. મૂળીમાં સાત જુગારીઓને રૂ.૭૭ હજારના મુદ્દામાલ અને રૂ.૭૫૦૦ની રોકડ સાથે ૪ આરોપીને ઝડપી પાડ્યા છે.