ગુરૂ બિના જ્ઞાન ન ઉપજે…
પોલીસ ધારે તો એક સાચો માર્ગદર્શક બની ગમે તેવા ગુન્હેગારોને ગુન્હા કરતા અટકાવી શકે…
વિસાવદરના પીઆઈએ સાચો રાહ બતાવતા બૂટલેગર બન્યો નામાંકિત બેંકમાં સિનિયર બ્રાન્ચ મેનેજર
નગુરૂ બિના જ્ઞાન ન ઉપજે…થ એ કહેવત મુજબ વિસાવદરનાં પીઆઈએ ગુરૂની ભુમિકા ભજવી બુટલેગરને સાચુ માર્ગદર્શન આપી યોગ્ય રાહ ચિંધ્યો છે. જો પોલીસ ધારે તો સાચા માર્ગદર્શન થકી ગમે તેવા ગુન્હેગારોને ગુન્હા કરતા અટકાવી શકે.
પોલીસ પાસે જેટલી સતા છે. તેટલી જ સમાજને યોગ્ય રાહ ચિંધવાની શકિત પણ છે. આવો જ એક કિસ્સો વિસાવદરમાં સામે આવ્યો છે. પીઆઈ એન.આર. પટેલે બુટલેગરને માત્ર એક કલાકની મીટીંગમાં સચોટ માર્ગદર્શન આપી સાચો માર્ગ બતાવ્યો છે.
ઘણીવાર માણસને પોલીસની સાચી સવેદનશિલ સલાહ હ્રદયમાં ઉતરી જાય તો, માણસ ગુન્હાખોરી છોડી, સારો માણસ બની જાય છે અને માણસનું જીવન પરિવર્તન થઈ જાય છે, તેવો આ કિસ્સો પોલીસની હકારાત્મક કામગીરીનો નમૂનો છે, જે પોલીસ પ્રજાનો ખરેખર મિત્ર છે, એ સૂત્રને ઉજાગર કરવા માટે ઉદાહરણ રૂપ સાબિત થયેલ છે.
તાજેતરમાં દિવાળીનો તહેવાર દરમિયાન વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. પટેલને એક અજાણ્યા મોબાઈલ નંબર ૯૭૨૪૬ ૯૩૨૦૯ ઉપરથી એક લાગણી સભર મેસેજ આવ્યો કે, ” આપ મારા ગુરુ સમાન છો, આપ સાથે એક કલાકની મિટિંગની અંદર મારી લાઈફ સેટલ થઈ ગઈ છે….
આપ જ્યારે સુઇ ગામ હતા ત્યારે હું શરાબનો ધંધો કરતો હતો, ત્યારે આપ દ્વારા મને અને મારા પપ્પાને પોલીસ સ્ટેશન બોલાવી, સારું અને સાચું માર્ગદર્શન આપી, આ ધંધાની લાઇન ચેન્જ કરવાની અને કેરિયર તરફ ધ્યાન દોરવાનું કહેલું… તે વાતને મેં મારી લાઈફમાં સિરિયસ લીધી અને હું એક શરાફી જિંદગી જીવવા લાગ્યો છું,… હું અત્યારે એક્સીસ બેંકમાં બ્રાન્ચ ઓફિસર છું, લાસ્ટ બે વર્ષથી અને માર્ચ ૨૦૨૧ માં મારું આસિસ્ટન્ટ મેનેજર નું પ્રમોશન ડયું છે વધુમાં પણ મેસેજ કરીને જાણ કરેલ કે, “ખરેખર આપ જેવા ૧૦૦ માંથી ૨૦ જ પોલીસ ડિપાર્ટમેન્ટ માં જોવા મળે છે. હું આપને ઘણા ટાઇમથી વાત કરવાનું વિચારી રહ્યો હતો, પણ હું કઈંક બનીને આપને જણાવા માંગતો હતો. આ પ્રકારે મેસેજ કરીને એક યુવકે પીઆઇ એન.આર.પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ એન.આર.પટેલએ મેસેજ વાંચ્યા બાદ તરતજ ભૂતકાળ યાદ આવી ગયો. સને ૨૦૧૪-૧૫ ની સલમા પીઆઇ પટેલ બનાસકાંઠા જિલ્લાના સુઇગામ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા ત્યારે આશરે ૨૦ વર્ષના યુવાનને સ્વીફ્ટ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે પકડી પાડેલ હતો.
આ યુવાન કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો અને રાજસ્થાન બોર્ડર નજીકમાં હોઈ, જલ્દીથી રૂપિયા કમાવવા શોર્ટ કટ અપનાવી, બીજા યુવાનોની માફક દારૂની હેરફેરીનો રસ્તો અપનાવેલ હતો. પીઆઇ પટેલ દ્વારા પકડાયેલ યુવાનની ઉંમર અને અભ્યાસ જોતા, તેના પિતાને બોલાવી, બને બાપ દીકરાને આ શોર્ટ કટથી રૂપિયા કમાવવાનું એક બાજુ રહેશે અને યુવાન છોકરો ગુન્હેગાર બની જશે. ગુન્હાખોરી કરીને ગમે તેટલા રૂપિયા કમાઓ, સમાજમાં તેની કોઈ ઈજ્જત નથી. યુવાન અભ્યાસ કરતો હોઈ, અભ્યાસ કરી, ભણી ગણીને નોકરી મેળવી, ઈજ્જતની જિંદગી જીવવા સલાહ આપેલ હતી.
પીઆઇ એન.આર. પટેલની આ લાગણી સભર સંવેદનશીલ સલાહ યુવાનને હૃદય સોંસરવી ઉતરી ગયેલ હતી. યુવાને પોતે કોઈ દિવસ ગુન્હો નહીં કરવા અને અભ્યાસ કરીને આગળ વધવા નિર્ણય લીધો હતો. બાદમાં ભણવામાં મહેનત કરીને પોતે એક સારી નામાંકિત બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેને સિનિયર મેનેજરનું પ્રમોશન પણ ડયું છે.
પોતે પોલીસ ઓફિસરની સલાહ આધારે ભણીને કૈંક બની અને સંપર્ક કરશે, એવો નિર્ણય કરેલ હોઈ, હાલમાં નામાંકિત બેંકમાં બ્રાન્ચ મેનેજર હોઈ, પોતે સમાજમાં ઈજ્જતની જિંદગી જીવતો હોઈ, દિવાળીના તહેવારોમાં મોબાઈલથી સંપર્ક કરેલ હતો.
આ યુવાને પોતે પીઆઇ પટેલને ગુરુ માનતો હોવાનો એકરાર કરીને પોતે હજુ આગળ વધશે, તેવી પણ મેસેજથી જાણ કરેલ હતી.
જેના પ્રત્યુતરમાં પીઆઇ પટેલ દ્વારા પણ યુવાનને અભિનંદન આપી, સારી ભાવનાથી કરવામાં આવેલ સંકલ્પમાં માણસ હંમેશા સફળ થતો હોવાનું જણાવી, ખૂબ જ મહેનત કરવા જણાવી, વધુ સફળતા મળવા માટે શુભેચ્છઓ પણ આપેલ હતી.