રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ વાહન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે લોકોના ટોળા ઘરની બહાર નીકળી આવ્યા હતા, ક્લસ્ટર કવોરંટાઇન કરવામાં આવેલા વિસ્તારમાં પતરા તોડી લોકો ઘરની બહાર ધસી આવ્યા હતા. ફરજ પર હાજર એસઆરપી જવાને ટીયર ગેસના સેલ છોડ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ મહત્વની શાખા ક્રાઇમ બ્રાન્ચ સહિતના સ્થાનિક પોલીસ અધિકારી – કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ કાફલો પહોંચતા જ મામલો થાળે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ આ વિસ્તારમાં લોકોએ ઘરની બહાર નીકળી હોબાળો મચાવ્યો હતો.

તેમજ રાજકોટમાં કોરોનાનો પહેલો કેસ જંગલેશ્વરમાંથી જ નોંધાયો હતો. જેથી ઘણા દિવસોથી આ વિસ્તારને ક્લસ્ટર કવોરંટાઇન કરવામાં આવ્યું છે. તંત્રએ જંગલેશ્વર વિસ્તારના લોકોને ધીરજ રાખી શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.